આ નવરાત્રિમાં પ્રજા માટે ગરબા રમવા ઉપર પ્રતિબંધ છે પણ ચૂંટણી પ્રચાર માટે નેતાઓ માટે ઘણી બધી છૂટ છે ! સરકારે પ્રજાને ફક્ત આરતી ઉતારવાની છૂટ આપી છે પણ ખરેખર તો નેતાઓ વોટ લેવા ઘેર ઘેર ફરતા હોય ત્યારે એમની જ આરતી ઉતારવા જેવી છે...
***
ઉતારો આરતી
નેતાજી ઘેરે આવ્યા…
કાર્યકરોના ટોળાં સાથે
‘ચેપ’ લઈને આવ્યા !
***
ભોળી જનતા ભલેને પાળે
સોશિયલ ડિસ્ટન્સીંગ
નેતાજી તો ડિસ્ટન્સના
‘ધજાગરા’ લઈને આવ્યા !
ઉતારો આરતી
નેતાજી ઘેરે આવ્યા…
***
ભોળી જનતા ભલે બિચારી
પ્રસાદ માટે તડપે...
નેતાજી તો નોટોના
‘પ્રસાદ’ લઈને આવ્યા !
ઉતારો આરતી
નેતાજી ઘેરે આવ્યા…
***
ભોળી જનતા માગે બિચારી
માતાજીની મહેર રે…
નેતાજી કોરોના કેરો
‘કહેર’ લઈને આવ્યા !
ઉતારો આરતી
નેતાજી ઘેરે આવ્યા…
***
ભોળી જનતા માટે જુઓ
ગરબાનો પ્રતિબંધ છે...
નેતાજી તો ચૂંટણીઓમાં
‘રાસડા’ લેવા આવ્યા !
ઉતારો આરતી
નેતાજી ઘેરે આવ્યા…
***
ભોળી જનતા માટે બાંધી
બસ્સોની લિમિટ છે...
નેતાજી તો રેલીઓમાં
‘અન-લિમિટેડ’ લઈને આવ્યા !
ઉતારો આરતી
નેતાજી ઘેરે આવ્યા…
***
લોકશાહીની જુઓ દુર્દશા
જનતા બેઠી કેદમાં...
નેતાજી બેફામ બની
‘આઝાદી’ લઈને આવ્યા !
ઉતારો આરતી
નેતાજી ઘેરે આવ્યા…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment