તમામ ફિલ્મ રસિકોની ફરિયાદ છે કે નવાં ફિલ્મી ગીતોમાં શબ્દોનાં કોઈ ઠેકાણાં નથી હોતા. આની પાછળના કારણો શું છે? યુવાપેઢીને ગીતોના શબ્દોમાં રસ નથી કે નવી પેઢીના ગીતકારોને યુવાપેઢીની ભાવનાઓને પકડતાં નથી આવડતી?
ચાલો, છોડી વાર માટે એ ચર્ચા બાજુમાં રાખો અને આ ગીત વાંચો...
અપના ટાઈમ આયેગા
તૂ નંગા હી તો આયા હૈ,
ક્યા ઘંટા લેકર જાયેગા
અપના ટાઈમ આયેગા
ઉઠ જા અપની રાખ સે તૂ
ઉઠ જા અબ તલાશ મેં
પરવાઝ દેખ પરવાને કીં
આસમાં ભી સર ઉઠાયેગા
અપના ટાઈમ આયેગા...
મેરે જૈસા શાણા લાલા
તુજે ના મિલ પાયેગા
યે શબ્દો કા જ્વાલા મેરી
બેડિયાં પિઘલાયેગા
જિતના તૂને બોયા હૈ,
ઉતના હી તૂ ખાયેગા
ઐસા મેરા ખ્વાબ હૈ જો
ડર કો ભી સતાયેગા
જિંદા મેરા ખ્વાબ
કૈસે તુ દફનાયેગા
અબ હોંસલે સે જીને દે
અબ ખૌફ નહીં હૈ સીને મેં
હર રાસ્તે કો ચીરેંગે
હમ કામિયાબી કો છિનેંગે
સબ કુછ મિલા પસીને સે
મતલબ બના અબ જીને મેં
ક્યું..ક્યું..કિ
અપના ટાઈમ આયેગા
ફિલ્મ ‘ગલીબોય’ના આ ગીતને બેસ્ટ લિરિક્સનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. જે વડીલોએ અહીં લખેલા આ ગીતના શબ્દો ધ્યાનથી સાંભળ્યા હશે તેમને ગીતની કિંમત જરૂર સમજાઈ હશે. પરંતુ હજી હજારો વડીલો એવા હશે જે આ રૅપ- સોંગને ધ્યાનથી સાંભળ્યા વિના જ કહી દેતા હશે કે “જુઓને કેવા કેવા વાહિયાત ગાયનો આવે છે આજકાલ?”
જો કે એ વડિલોની વાત પણ ખોટી નથી. ફિલ્મી ગીતોમાં સૌથી શ્રેષ્ઠ કામ ‘50 અને ‘60ના દાયકામાં થયું. ‘70ના દાયકામાં તેમાં નબળા ઉમેરા થયા. 80ના દાયકામાં તેની બગડેલી નકલો આવવા માંડી. ‘90ના દાયકામાં નકલો પણ રેઢિયાળ થઈ ગઈ અને સન 2000માં જે મલ્ટીપ્લેક્સનો જમાનો આવ્યો એમાં તો ગીતના શબ્દોનું પસ્તી જેટલું પણ મહત્ત્વ રહેવા દીધું નહી.
આવા સમયમાં જ્યારે ‘ગલીબોય’ જવી ફિલ્મમાં આવું આગથી સળગતું, આક્રોશથી ઉછળતું બેધડક ‘મેલોડી’ની પરવા કર્યા વિનાનું ‘રૅપ-સોંગ’ આવે આવે ત્યારે મારા જેવા જુજ ફિલ્મી રસિયાનું ધ્યાન ખેંચાયા વિના રહેતું નથી. પરંતુ કમનસીબે આવા ગીતો છેલ્લા 20 વર્ષમાં જવલ્લે જ મળ્યાં છે. રહી વાત ‘રૅપ-સોંગ’ની તો ‘મેરા નામ જોકર’નું નીરજ દ્વારા લખાયેલું આ ગીત વાંચોઃ
મરને સે ડરતા હૈ ક્યું
ગિરને સે ડરતા હૈ ક્યું
ઠોકર ન જબ તક તૂ ખાયેગા
પાસ કિસી ગમ કો
ના જબતક બુલાયેગા
જિંદગી હૈ ચીઝ ક્યા
નહીં જાન પાયેગા
રોતા હુઆ આયા હૈ
રોતા ચલા જાયેગા
એ ભાઈ ,જરા દેખ કે ચલો...
‘ગલી બોય’ અને ‘જોકર’ના આ બે ગીતો વચ્ચે ફરક એટલો જ છે કે સંગીતકાર શંકર-જય કિશને નીરજની છૂટીછવાઈ પંક્તિઓને ગાઈ શકાય એવી ધૂનમાં ફેરવી આપી. જેના કારણે આજે પણ મુંબઈની લોકલ ટ્રેનના પ્રવાસીઓ તેને ડબ્બામાં ઉભા-ઉભા બ્રિફકેસ અને બોગીના પતરાં ઉપર તબલાં વગાડતાં વગાડતાં સમૂહમાં ગાય છે(એનો વિડીયો પણ ફરતો થઈ ગયો છે.)! બીજી બાજુ ‘ગલીબો’યના ગીતને આટલી લોકપ્રિયતા મળે એવી કલ્પના પણ ઝટ કરી શકાતી નથી. કારણ એટલું જ કે એનું ‘રૅપ-સોંગ’નું ફોરમેટ (ગાવાનું નહીં, પણ બોલ બોલ કરવાનું) આપણા દેશના સંગીતપ્રેમીઓની જીભે હજી ચડતું નથી.
વિદેશમાં ખાસકરીને અમેરિકામાં રૅપ-સોંગ એ ત્યાંના અશ્વેત યુવાનોનું આક્રોશભરી અભિવ્યક્તિનું ફોર્મેટ છે. મૂળ તો અંગ્રેજી અને યુરોપિયન ભાષાઓ જ એટલી અટપટી અને સિમિત છે કે તેના શબ્દોના પ્રાસ બેસાડવું મુશ્કેલ છે. ક્યારેક પ્રાસ બેસાડી પણ લો તો તેને છંદ, મીટર કે તાલ સંગીતના માપમાં બેસાડવું અત્યંત અઘરું પડે છે. આપણા દેશમાં તો સદીઓથી સંસ્કૃત, પ્રાકૃત અને લોકસાહિત્યમાં તૈયાર મળતાં છંદ (મીટર ) માપનાં એટલાં બધાં વેરિએશનો છે કે આપણને આ ટાઈપના ‘બક બક’ પ્રકારની જરૂર જ નથી પડી. ઉલ્ટું શાયરી, ગઝલ, રૂબાઈ, નઝમ, દૂહા, છપ્પા, ચોપાઈ, શ્લોક અને વિવિધ માપનાં કાવ્ય- છંદની અહીં ખોટ જ નથી. એમાંય ફિલ્મના સંગીતકારોએ કંઈ કેટલાય નવા પ્રયોગો કર્યા, જે એટલાં મધુર હતા કે નવાં નવાં ગીતો લોકજીભે રમતાં થઈ ગયાં.
જો કે મુદ્દો સંગીતકારોનો નહીં, ગીતકારોની મર્યાદાનો છે. છેલ્લાં વીસ વર્ષમાં હિન્દી ફિલ્મોમાં નવા નવા વિષયો આવી ગયા. નવી નવી વાર્તાઓ આવી ગઈ, વીસ વર્ષ પહેલાં જેની કલ્પના પણ ન કરી હોય એવા સંબંધોની વાર્તાઓ આવી ગઈ. (જેમ કે બધાઈ હો બધાઈ, શુભ મંગલ જ્યાદા સાવધાન, સોનુ ટિટ્ટુ કી બિટ્ટુ વગેરે) છતાં ગીતોના શબ્દો એવી રીતે ફેંકી દીધા હોય છે કે જાણે ઈડલી સાથે ચટણી ફ્રીમાં આપવી પડતી હોય!
ફિલ્મી ગાયનોમાં અગાઉ પણ અને આજે પણ, 80 ટકા ગીતો લવ, પ્રણય, રોમાન્સ, જુદાઈ, વિરહ, નટખટ છેડતી, ડાન્સ મસ્તી અને પ્રેમના એકરાર, ઈનકાર, સફળતા કે નિષ્ફળતાની આસપાસ જ આવતા રહ્યાં છે. બાકીના 20 ટકામાં ભજનો, ફિલોસોફિકલ ગીતો, દેશપ્રેમના ગીતો, ઉત્સવ-તહેવારના ગીતો આવી જાય છે. જોવાની વાત એ છે કે અગાઉના પ્રેમને લગતાં ગીતોમાં જે વેરાયટી કે ગહેરાઈ જોવા મળતી હતી તે અહીં લગભગ ગાયબ થઈ જાય છે.
દાખલા તરીકે આનંદ બક્ષીએ લખેલું બોબીનું ગીત લઈ લો. 14-15 વરસનાં છોકરા-છોકરીની લવ ફેન્ટસીને નિર્દોષતાની લિમીટમાં રાખીને બક્ષી સાહેબે લખ્યું કે “હમ તુમ એક કમરે મેં બંધ હો, ઔર ચાબી ખો જાયે!”
આજની ફિલ્મોમાં તો છોકરો-છોકરી એકબીજા જોડે સેક્સ માણવા સુધી ફટાફટ પહોંચી જાય છે! પણ એ પહેલાંની જે ફિલિગ્સ છે, તે કદી કોઈ ગાયનમાં આવી જ નહીં! એ તો ઠીક, અમુક ફિલ્મોમાં તો હિરો-હિરોઈનને સેક્સ-સંબંધ અને પ્રેમ સંબંધ વચ્ચે જાતજાતના કનફ્યુઝન થયાં છે. છતાં સમ ખાવા પુરતું એક ગીત નથી મળતું કે જે શબ્દો વડે ‘શરીર’ અને ‘મન’ અથવા ‘લસ્ટ’ અને ‘લવ’ વચ્ચેની પાતળી રેખાને અંડરલાઈન કરી આપે! જો એ ગીત હોત તો નવી પેઢીને પોતાનાં કન્ફ્યુઝનનોનાં ઉકેલ નહીં, પણ અભિવ્યક્તિ તો મળે ને. જેમ કે આ જ વાત ‘રજનીગંધા’ ફિલ્મના ગીતમાં છે. જુઓ...
કઈ બાર યુ હીં દેખા હૈ
યે જો મન કી સીમા રેખા હૈ
મન તોડને લગતા હૈ,
અનજાની ચાહ કે પીછે...
અનજાની રાહ કે પીછે..
મન દૌડને લગતા હૈ.
જોયું? વાત તો એ જ છે ને! એ જમાનામાં ‘મન’ કી સીમા રેખાની વાત હતી. આજે ‘તન’ કી સીમારેખાની વાત છે! પરંતુ કેમ કોઈ ગીતકાર એવું ગીત લખતો નથી ? શા માટે કોઈ ડીરેક્ટર એવું ગીત લખાવતા નથી ? જુની ફિલ્મ 'લીડર'નું વધુ એક ગીત જુઓ. છોકરી કહે છેઃ
મેરે દિલ મેં કસક સી હોતી હૈ,
તેરી રાહ સે જબ મૈ ગુજરતી હું
ઈસ બાત સે યે ના સમજ લેના
કિ મૈં તુજ સે મહોબ્બત કરતી હું!
છોકરો પણ કહે છેઃ
મૈં ભી હું અજબ એક દિવાના
મરતા હું ના આહે ભરતા હું,
કભી ભૂલ સે યે ના સમજ લેના
કિ મૈં તુજ સે મહોબ્બત કરતા હું!
આજની લગભગ અડધો અડધ ફિલ્મમાં આ જ વાત હોય છે ને! છોકરો- છોકરી એકબીજાને લવ કરે છે એનું કન્ફ્યુઝન તો છે જ, પણ સાથે સાથે બંન્ને એકબીજા સામે ભાવ ખાતા રહે છે. હવે કહો આ ‘વ્યાપક’ ફિલિંગ્સને શબ્દોમાં ઉતારતાં હોય એવાં કેટલાં ગીતો આવ્યાં?
વધુ એક દાખલો લઈએઃ જૂની ફિલ્મ ‘યાદોં કી બારાત’માં તો મજરૂહ સુલતાનપુરીએ રીતસર ‘લીવ-ઈન-રીલેશનશીપ’ની જ વાત લખી છે!
“આપ કે કમરે મૈં કોઈ રહેતા હૈ
હમ નહીં કહતે જમાના કહતા હૈ”
આજે કંઈ કેટલાંય ફેસબુકિયા કવિઓ ફૂટી નીકળ્યા છે, પણ પેલી વાત ક્યાં છે? ‘મૈં શાયર તો નહીં, મગર એ હસીં જબ સે દૈખા મૈને તુજ કો મુજ કો શાયરી આ ગઈ!’ શિખાઉ શાયર અથવા પ્રેમના ઉભરામાં બનેલાં ફેસબુકિયા કવિનું કોઈ ગીત શોધ્યું જડે એવું છે?
આજે યંગપેઢીમાં ‘બ્રેકઅપ’ એ બહુ મોટી સમસ્યા છે. ખાસ કરીને છોકરીઓ તો ‘રીલેશનશીપ’ તૂટ્યા પછી બહું મોટા ડિપ્રેશનમાં જતી રહે છે. છતાં બ્રેકઅપના નામે એક ‘ફની’ સોંગ જ છેઃ
“દિલ પે પથ્થર રખ કે
મુંહ પે મેક અપ કર લિયા,
મેરે સૈંયાજી સે આજ
મૈંને બ્રેકઅપ કર લિયા.”
આજે કબીર સિંઘ જેવાં ડોમિનેટીંગ અને હિંસક મનોવૃતિવાળા પાત્રો સમાજમાં ઠેર ઠેર છે. કંઈ કેટલાય કેટલાંય કિસ્સા અખબારોમાં વાંચવા મળે છે કે પ્રેમિકાએ દગો દેતાં પ્રેમીએ તેની હત્યા કરી નાંખી. ‘છપ્પાક’ ફિલ્મમાં એ જ ખુંખાર પ્રેમી વિલન છે પરંતુ શું આવા પ્રેમીઓને બે થપ્પડ વાગી જાય એવું કોઈ ગીત છે ખરું?
અગાઉના જમાનામાં આવી ઘટનાઓ નહોતી એટલે આવાં પાત્રો નહોતાં. તેથી એવી વાતને લઈને કોઈ ગીતો નહોતાં. છતાં સન્યાંસ લેવાના બહાને ભાગી છૂટનારા એસ્કેપિસ્ટ(પલાયનવાદી) પ્રેમીઓ માટે બે યાદગાર ગીતો લખાયાં છે.
એકઃ “સંસાર સે ભાગે ફિરતે હો, ભગવાન કો તુમ ક્યા પાઓગે..”(ચિત્રલેખા)
અને બીજું : “છોડ દે સારી દુનિયા કિસી કે લિયે, યે મુનાસિબ નહીં આદમી કે લિયે, પ્યાર સે ભી જરૂરી કઈ કામ હૈ, પ્યાર સબ કુછ નહીં હૈ જિંદગી કે લિયે”( સરસ્વતીચંદ્ર).
આજે યુવાનોની આખી વોકેબ્યુલરી(શબ્દભંડોળ) બદલાઈ ગઈ છે. જાનુ, સ્વીટુ, લવ-યુ, મિસ-યુ, ઓસ્સમ, હાર્ડ, ડૂડ, બેબી, ચિલ, કુલ, ફન્ડા, શેન્ડી વગેરેમાંથી લઈને કંઈ કેટલાય શબ્દો એવા છે જે ફિલ્મી ગાયનોમાં માત્ર વઘાર તરીકે વપરાયા છે. આજે ફ્રેન્ડશીપની શરૂઆત રિક્વેસ્ટથી થાય છે, ઓળખાણ પ્રોફાઈલ પિકથી થાય છે. ચિટ-ચેટ વોટ્સ-અપ ઉપર થાય છે, મોડી રાત લગી વિડિયો કોલિંગ ચાલે છે, શાદી ડોટ કોમ ઉપર ચોઈસ શોધાય છે, અને ભણી લીધા પછી એક ‘ડિસ્ટન્સ રીલેશનશીપ’ નામનો નવો પ્રેમ-સંબંધ શરૂ થયો છે. આ બધું ક્યાં છે નવા ગીતોમાં ?
ફરિયાદ એ નથી કે નવી પેઢીને આવું કશું ગાવું-સાંભળવું નથી, ફરિયાદ એ છે કે આજના ગીતકારોને આવું કશું દેખાતું-સંભળાતું કે કદાચ ‘સમજાતું’ જ નથી! અને જો આ ત્રણેય થતું હોય તો પછી ‘ગીતકાર’ બનીને ‘ગીત’ લખતાં જ આવડતું નથી. બસ, એક ઇર્શાદ કામિલ નામના ગીતકાર છે જે એકના એક લગતા શબ્દોને ફેરવી ફેરવીને લખ્યા કરે છે.
ક્યું કોઈ પાસ હૈ
દૂર હૈ ક્યું કોઈ
જાને ના કોઈ યહાં પે
આ રહા પાસ મેં
યા દૂર મેં જા રહા
જાનું ના મેં હું કહાં પે...(લવ આજકાલ 2009)
----
જ્યાદા પાસ આના
હૈ અસલ મેં દૂર જાના
મેરે સાથ મેરે ઝખ્મ ભી હૈ
દર્દ ભી હૈ, જિન સે હૈ બિગડતા
જો ભી ચાહું મૈં બનાના...(લવ આજકાલ 2020)
--------
ના હૈ યે પાના,
ના ખોના હી હૈ
તેરા ના હોના જાને
ક્યું હોના હી હૈ (જબ વિ મેટ 2007)
-----
જો ભી મૈં, કહના ચાહું
બરબાદ કરે, અલ્ફાઝ મેરે (રોક સ્ટાર 2011)
-----
નવા ગીતકારોમાંના એક નીલેશ મિશ્રા નામના યુવાને ગીતકાર આજકાલ રેડિયો પર કહાણીઓ સંભળાવે છે. એમના કહેવા મુજબ એમણે ફિલ્મ ગીતકાર તરીકેની ધીકતી કારકિર્દી એટલા માટે છોડી કે ત્યાં સંગીતકારોએ બનાવેલી બંદિશોની કેદ બહુ ત્રાસદાયક હતી. નીલેશ મિશ્રા આજકાલ બીજા યુવા ગીતકારોના વિડિયો ઈન્ટરવ્યુ દરમિયાન એમની પાસે વારંવાર આ વાત બોલાવડાવે છે કે સંગીતકાર જરાય બાંધછોડ કરવા તૈયાર નથી હોતા.
નીલેશ મિશ્રા તથા અન્ય ગીતકારોને એટલું જ કહેવાનું મન થાય છે કે આનંદ બક્ષી, મજરૂહ સુલતાનપુરી જેવા સફળ ગીતકારોએ એંશીથી નેવું ટકા ગીતો તૈયાર ધૂન પર જ લખ્યાં છે. ગુલઝાર, શૈલેન્દ્ર કે કૈફી આઝમી જેવા ગીતકારો પણ એ જ પ્રક્રિયામાંથી પસાર થયા છે. તમે કંઈ પહેલા બિચારા નથી. સવાલ ધૂનની કેદનો નહીં પણ ખ્યાલને આઝાદ રાખો છો કે નહીં તેનો છે.
બાય ધ વે, ‘ગલી બોય’નું પેલું ગીત ડિવાઈન અને અંકુર તિવારી નામના બે ગીતકારોએ લખ્યું છે. જે હકીકતમાં ફિલ્મ માટે નહીં, પણ એમના પોતાના આલ્બમ માટે લખાયું હતું.
***
- મન્નુ શેખચલ્લી
Vah...
ReplyDelete