અવનવી ખાડા સ્પર્ધાઓ !


સડકો ઉપર જે ખાડા પડ્યા છે તે શા માટે પડ્યા છે તેની ચિંતા કોને છે ? માત્ર નાગરિકોને જ ને ?

સરકારે તો આ ખાડાઓમાં કેટલીક સ્પર્ધાઓ યોજવા જેવી છે…

***

ખાડા-વિઘ્ન રેસ

આમાં ટુ-વ્હીલર તથા ફોર-વ્હીલરની અલગ અલગ કેટેગરી હશે. દરેક કેટેગરીમાં વાહન ચાલકોએ રસ્તામાં પડેલા ખાડાઓ ઉપરથી પોતાનાં વાહનો કૂદાવીને રેસ પાર કરવાની રહેશે.

જેટલા ખાડા કૂદાવશો એટલા પ્લસ પોઈન્ટ. અને જેટલા ખાડામાં વાહનનું પૈંડુ પડે એટલા પોઈન્ટ માઈનસ.

***

ટચ-ખાડા રેસ

આ રેસ માટે ખાસ એવો રસ્તો પસંદ કરવામાં આવશે જ્યાં નાના મોટા અસંખ્ય ખાડા પડ્યા હોય.

વાહન ચાલકોએ સ્ટાર્ટથી ફિનિશ સુધીમાં પોતાના વાહન એ રીતે વાંકાચૂકા ચલાવવાનાં છે કે ફીનિશ લાઈને પહોંચતા સુધીમાં પૈંડા વધુ ખાડાને ‘ટચ’ થયાં હોય !

***

ઝિગ-ઝેગ રેસ

આ રેસ માત્ર ટુ-વ્હીલરો માટે છે. આમાં સ્ટાર્ટ ટુ ફિનિશ સુધીમાં જેટલા ખાડા છે એમાંથી એક પણ ખાડામાં વાહનનું પૈંડુ ના પલળે એ રીતે ફિનિશ લાઈન સુધી પહોંચવાનું છે.

***

ખાડા-કૂદકા રેસ

અહીં વાહન ચાલકોએ રોડ ઉપર નહીં પરંતુ રોડમાં પડેલા ખાડાઓમાં જ પોતાનાં વાહનો કૂદાવવાનાં છે !

ખાસ નોંધ : ફોર વ્હીલર વાહનો માટે મોટા મોટા ભૂવા પાડી આપે તેવા કોન્ટ્રાક્ટરોએ રોડ તૈયાર કરી આપવાનાં ટેન્ડરો જલ્દીથી ભરી દેવાનાં છે.

***

આંધળો ખાડો રેસ

આમાં તો રાહદારીઓ પણ ભાગ લઈ શકે છે ! નિયમ સિમ્પલ છે. સ્ટાર્ટ ટુ ફિનિશ સુધી આંખે પાટા બાંધીને જવાનું છે !

- ઇનામમાં એક્સિડેન્ટનો વીમો મળશે.

***

- મન્નુ શેખચલ્લી

Comments