કોરોનાના કહેર પછી અમુક ઘટનાઓ એવી બની રહી છે કે અમારી બુધ્ધિ તો બહેર મારી ગઈ છે ! દર વખતે થાય છે કે ‘અલ્યા, એવું વળી કેવું, હેં ?’…
***
સરકારે એક તરફ લોકડાઉન જાહેર કરીને પ્રજાને પોતપોતાના ઘરોમાં કેદ કરી મુકી છે...
... અને બીજી તરફ જેલમાંથી અમુક કેદીઓને છોડી મુક્યા !
-અલ્યા, એવું કેવું, હેં ?
***
વિજય માલ્યા, નીરવ ચોકસી અને એના જેવા ડઝનબંધ ટોપીબાજો વિદેશ જતા રહ્યા ત્યારે કંઈ ચેકિંગ ના કર્યું...
... અને હવે વિદેશથી બિચારો મામૂલી માણસ આવે તો છેક ઘરે પહોંચીને ચેકિંગ કરે છે !
- અલ્યા, એવું કેવું, હેં ?
***
‘કોરોના ફેલાઈ રહ્યો છે...’ એવું જ્યારે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સાંભળવા મળ્યું ત્યારે ડરના માર્યા શેરબજારોમાં કડાકા બોલી ગયા...
... અને હવે કરોના, દેશમાં ફેલાઈ ચૂક્યો છે ત્યારે શેરબજારોમાં તેજી આવે છે !
- અલ્યા, એવું વળી કેવુ, હેં ?
***
અમુક બેન્કોમાં પૈસા ઉપાડવા લાઈનો લાગતી હતી ત્યારે બેન્ક જ બંધ થઈ જતી હતી.
.... હવે બધી બેન્કો ખુલી છે તો કોઈ ત્યાં જતું પણ નથી !
- અલ્યા, એવું કેવું, હેં ?
***
ભૈશાબ, વાત જવા દો ને, અમારી સોસાયટીના મંદિરનો પૂજારી એકલો સ્કુટર પર આવે ત્યારે માંડ ચાર જણા આરતીમાં જોડાતા.
... હવે પૂજારીને પોલીસ આવવા નથી દેતી છતાં આરતી પછી પચ્ચીસ જણા મંદિરના ઓટલે બેઠા હોય છે !
- બોલો, એવું કેવું, નહિ ?
***
આ કોરોનાવાળું નહોતું ત્યારે હોસ્પિટલો ફૂલ હતી દવાખાનામાં ભીડ થતી હતી.
... હવે હોસ્પિટલોમાં અડધો અડધ બેડ ખાલી પડ્યા છે અને દવાખાનાં તો 50 ટકા ખુલતાં જ નથી !
- બધા દરદીઓ સાજા થઈ ગયા કે શું ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment