પ્રેસિડેન્ટ ટ્રમ્પ અહીં આવીને બડાશ મારી ગયા કે અમે ઈરાનના આર્મી કમાન્ડર કાસિમ સુલેમાનીને ‘મારી નાંખ્યો…’
જોકે ઈરાનના અમુક જ્યોતિષીઓ કહે છે કે જે સમયે સુલેમાની મરાયો, તે જોતાં તે જન્નતમાં જ ગયા છે…
- લો બોલો, સુલેમાની જન્નતમાં ગયા પછી ત્યાં શું થયું હશે ?
***
અંદર દાખલ થઈને સુલેમાની ચારે બાજુ જોવા લાગ્યા. સાથે ચાલી રહેલા એક સેવકે કહ્યું “સુલેમાનીજી, સામે જે મહેલ દેખાય છે ને, એ તમારા માટે છે.”
“હંહ, એમાં શું છે ?” સુલેમાનીએ મોં મચકોડ્યું. “ઈરાનમાં મારી પાસે આવા બે મહેલ હતા !”
મહેલની અંદર ગયા ત્યારે સેવકે કહ્યું “સુલેમાનીજી, જુઓ મહેલમાં મોંઘા મોંઘા ઝુમ્મરો છે, ભવ્ય શયનખંડો છે અને બાથરૂમમાં તો નહાવા માટે સોનાનું બાથટબ છે!”
“ઠીક છે હવે એમાં શું?” સુલેમાનીએ ફરી મોં મચકોડ્યું. “ઈરાનમાં મારી પાસે આવાં ત્રણ-ત્રણ બાથટબ હતાં!”
સેવકે મહેલની બારીમાંથી બહાર આંગળી ચીંધીને દેખાડ્યું “જનાબ, તમારી સેવામાં બબ્બે લક્ઝરી ઘોડા બગીઓ ચોવીસે કલાક તહેનાત હશે.”
“બસ ?” સુલેમાની જરાય ઇમ્પ્રેસ થયા વિના બોલ્યા “ઇરાનમાં તો મારી પાસે છ-છ હેલિકોપ્ટરો હતાં !”
સેવકે કહ્યું “જનાબ, અહીં આપના મનોરંજન માટે સુંદર પરીઓ નૃત્ય કરવા માટે આવતી રહેશે.”
સુલેમાની કહે “ઠીક છે… બધું ઈરાન જેવું જ છે. વાંધો નહિ… ચલાવી લઈશ…”
ત્યાં તો સુલેમાનીની નજર ચાર-પાંચ અજાણ્યા માણસ ઉપર પડી. એ ચોંક્યા. “આ લોકો કોણ છે ? અને ખૂણેખાંચરે ઘૂસીને શું તપાસ કરી રહ્યાં છે ?”
સેવકે કહ્યું “ખાસ કંઈ નથી જનાબ, એ તો અહીંની શાંતિ-સેનાના માણસો છે. માત્ર રૂટિન તપાસ કરી રહ્યા છે કે અહીં ક્યાંય કોઈ માનવ-સંહારનાં શસ્ત્રો તો નથી ને ?”
“હેં ?” સુલેમાનીના ડોળા ચકળવકળ થવા લાગ્યા.
સેવકે પૂછ્યું “શું થયું ?”
“સાલું, બધું ઈરાન જેવું જ છે ! મારી વાત ધ્યાનથી સાંભળો, અહીં પણ અમેરિકાનો મિસાઈલ હૂમલો થશે !”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment