આનંદ બક્ષી : આમ ઈન્સાનના ગીતકાર



‘અચ્છા, તો હમ ચલતે હૈં’  ‘ફિર કબ મિલોગે ?’ ‘જબ તુમ કહોગે !’  ‘જુમ્મે રાત કો ?’ ‘હાં હાં આધી રાત કો.’ ‘કહાં ?’ ‘યહીં... યહાં કોઈ આતા જાતા નહીં !’

ફિલ્મ ‘આન મિલો સજના’  માટે આનંદ બક્ષીએ છોકરો-છોકરી મામૂલી વાતો કરતા હોય એવા શબ્દો વાપરીને ‘ગીત’ લખી નાંખ્યું ! એ સુપરહિટ પણ થઈ ગયું ! કોઈપણ ઉગતા (કે ડૂબતા કે તરતા) કવિને એમ થાય કે એમાં આનંદ બક્ષીએ શું ધાડ મારી ?

ધાડ માત્ર આનંદ બક્ષીએ નહિં, એમની સાથે એમના સંગીતકારો લક્ષ્મીકાંત પ્યારેલાલે પણ  મારી, કેમ કે એની જે રમતિયાળ હલ્કી-ફૂલ્કી ટ્યૂન બનાવી તે પટ કરતી લોકોનાં મનમાં બેસી ગઈ. ચાલો, ટ્યુન તો મસ્ત બની ગઈ.

પણ આનંદ બક્ષીની માસ્ટરી હવે ગીતના અંતરાઓમાં આવે છે ! જો એમણે ધાર્યું હોત તો બન્ને અંતરા આડાતેડા લખી નાંખ્યા હોત, પણ ના, મઝા એ છે કે બન્ને અંતરાના શબ્દો એક જ ટ્યૂનમાં શરીરની ચામડીની જેમ ફીટ બેસે છે ! જુઓ :

અંતરો (૧) : કિસીને દેખા તો નહીં તુમ્હેં આતે, નહીં મૈં આઈ હું છૂપતે છૂપાતે

અંતરો (૨) : ઉડા હૈ કિસ લિયે તેરા રંગ ગોરી, હમારી પકડી ગઈ હૈ બસ ચોરી...

ગીતના બન્ને અંતરા લાંબા છે. બન્નેમાં ૨૦-૨૦ પંક્તિઓ છે છતાં બન્ને અંતરાના શબ્દોમાં અડધી માત્રાનો  ‘વજનફેર’  નથી ! (વજનફેર કોને કહેવાય એ જો ઉગતા કે ડૂબતા કવિને ખબર ના હોય તો ‘અછાંદસ’  કવિતાઓ લખવાનું ચાલું રાખવું.)

કહે છે કે અઘરું લખવું સહેલું છે પણ સહેલું લખવું કદી સહેલું હોતું નથી. પ્રોબ્લેમ એ થયો કે આનંદ બક્ષી પછીના અને એમની સાથેના બીજા ગીતકારો એમ સમજી બેઠા કે સહેલું લખવું તો કેટલું સહેલું છે !

આનંદ બક્ષી પહેલાં આર્મીમાં હતા. પોતાની ડાયરીમાં ગીતો લખતા અને આર્મીનાં ફંકશનોમાં કે સિપાહીઓની મહેફિલોમાં પોતાના મસ્ત અવાજમાં ગાતા. બાદમાં આર્મીની નોકરી છોડીને ફિલ્મોમાં આવ્યા ત્યારે તેમનું ‘કાલા સમંદર’  (1962) ફિલ્મનું આ ગીત હિટ થયું : ‘મેરી તસવીર લેકર ક્યા કરોગે તુમ... ’આજે યુ ટ્યુબ પર આ ગાયન સાંભળશો તો ખ્યાલ આવશે કે એમાં એક આર્મીના જવાનની જ પીડા લખેલી છે.

1965માં આવેલી ‘હિમાલય કી ગોદ મેં’ પછી આનંદ બક્ષી હિન્દી ફિલ્મોમાં છવાઈ ગયા. 380થી વધુ ફિલ્મોમાં 3500 જેટલાં ગીતો લખનારા બક્ષી સાહેબ ઓલમોસ્ટ ‘સોંગ-ફેકટરી’ બની ગયા. જે ઝડપે એ ગીત બનાવી શકતા હતા તેનો એક કિસ્સો મશહૂર છે.

રાજકપૂર જ્યારે ‘બોબી’ ફિલ્મ બનાવવા માગતા હતા ત્યારે શંકર-જયકિશનને છોડીને લક્ષ્મી-પ્યારે સાથે  કામ કરવાના મૂડમાં હતા. તે વખતે સ્ટોરીની માત્ર કાચી રૂપરેખા જ એમના મનમાં હતી.

આનંદ બક્ષીએ પૂછ્યું કે ‘બોબી કોણ છે ? છોકરો છે કે છોકરી ?’ રાજકપૂરે કહ્યું ‘મને પણ ખબર નથી. પણ આ બિલકુલ 14-15 વરસનાં છોકરા-છોકરીની લવ-સ્ટોરી છે.’ આનંદ બક્ષીએ થોડી જ મિનિટોમાં ગીતનું મુખડું સંભળાવ્યું. ‘હમ તુમ એક કમરે મેં બંદ હો, ઔર ચાબી ખો જાય.. તેને નૈનોં કી ભૂલ ભૂલૈયા મેં, બોબી ખો જાય.’

મઝાની વાત એ હતી કે રાજકપૂરે આ શબ્દોને લીધે જ રિશી-ડિમ્પલ એક ગેસ્ટ-હાઉસમાં બંધ થઈ જાય છે, એવી સિચ્યુએશન સ્ટોરીમાં ઊભી કરી ! એ તો ઠીક, પણ તે સમયે 40-45 વરસના આનંદ બક્ષીએ 14-15 વરસનાં છોકરા-છોકરીઓની ‘લવ-ફેન્ટસી’ કેવી હોય તે આમ ચપટીમાં પકડી કાઢી કહેવાય ને !

બક્ષી સાહેબના અમુક ગીતો તો ફિલ્મી ડાયલોગ્સ જેવા જ હોય છે  : ‘માર દિયા જાય કે છોડ દિયા જાય, બોલ તેરે સાથ ક્યા સલૂક કિયા જાય ?’  ‘દાલ-રોટી ખાઓ, પ્રભુ કે ગુણ ગાઓ’…

બીજી તરફ બક્ષી સાહેબની ડીપ ફિલોસોફી પણ સરળ શબ્દોમાં જ આવતી રહી : 'આદમી જો કહતા હૈ, આદમી જો સુનતા હૈ, જિંદગીભર વો સદાએં પીછા કરતી હૈં...' ‘જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈં જો મકામ, વો ફિર નહીં આતે...’ ' શીશા હો યા દિલ હો, આખિર તૂટ જાતા હૈ, લબ તક આતે આતે હોઠોં સે સાગર છૂટ જાતા હૈ...'

***

- મન્નુ શેખચલ્લી

Comments