વૈચારિક યુધ્ધની પ્રશ્નાવલી !



આજકાલ ‘વૈચારિક યુધ્ધ’ એટલું બધું વધી ગયું છે કે સામાન્ય માણસ પોતાની મૂળ પ્રાયોરિટી શું છે તે ભૂલી રહ્યો છે.

નીચે આપેલા પ્રશ્નોના જવાબમાં જે ઓપ્શન આપ્યા છે એમાંથી તમને કયો ઓપ્શન વધારે સાચો લાગે છે ?

જો ઈમાનદારીથી તમારી જાતને સાચો જવાબ આપશો તો કદાચ તમને જ સમજાશે કે તમે ક્યાં છો…

***

કોઈ નવી શરૂ થયેલી આધુનિક ટ્રેન જ્યારે બે કલાક મોડી પડે ત્યારે તમને શું ફીલીંગ થાય છે ?

(૧)... જોયું ? પોલ ખુલી ગઈ ! મઝા પડી ગઈ !

(૨)... હાશ, સારું થયું કે ટ્રેનની સીટો ફાડવામાં ના આવી. પથ્થરબાજી ના થઈ.

કે (૩)... ક્યારેક મુંબઈ જવાનું થાય ત્યારે આ ટ્રેન ટ્રાય કરી જોવી છે.

***

જ્યારે જ્યારે કોઈ ક્રુર, ઘાતકી, વિકૃત બળાત્કારના ન્યુઝ મળે છે ત્યારે તમને શું જાણવું હોય છે ?

(૧)... બળાત્કારી કોણ હતો, હિન્દુ કે મુસલમાન ?

(૨)... જેની ઉપર બળાત્કાર થયો એ કોણ હતી, હિન્દુ કે મુસલમાન ?

કે (૩)... પિડીતાને પુરતું રક્ષણ/ પુરતી સારવાર/ પુરતી કાળજી મળી કે નહિ ?

***

અચ્છા, ‘છપ્પાક’ ફિલ્મ લોકોએ શા માટે જોવી જોઈએ ?

(૧)... CAAના વિરોધ માટે ?

કે (૨)... એસિડ એટેકના વિરોધ માટે ?

***

તમને કઈ સામાજિક સ્ટોરીમાં વધારે રસ પડી રહ્યો છે ?

(૧)... ટીવીમાં સાસ-બહુ સિરીયલની સ્ટોરી

કે (૨)... વોટ્સ-એપમાં ચાલી રહેલી વેવાઈ-વેવાણની સ્ટોરી

***

સોશિયલ મિડિયામાં ક્યારે ખુબ જ મઝા પડે છે ?

(૧)... જ્યારે તમારા ફોટા કે તમારી કવિતાને વધારે લાઈક મળે

કે (૨)... જ્યારે કોઈ એક્ટર કે એક્ટ્રેસને વધારે ગાળો પડે.

***

કાલે સવારે તમને કયા ધમાકેદાર ન્યુઝની આશા છે ?

(૧)... સામેવાળા નેતાઓની પોલ ઉઘાડી પડી જાય.

કે (૨).. જીવનજરૂરિયાતની એક-બે ચીજોના ભાવ ઘટી જાય.

(જો તમે તમારી જાતને સાચા જવાબ આપ્યા હશે તો જ તમને સમજાશે કે આપણે ક્યાં ફસાઈ ગયા છીએ.)

- મન્નુ શેખચલ્લી

Comments