તો રાજકપૂર 'આનંદ' બન્યા હોત !

અગાઉની ફિલ્મોમાં હીરો કે હીરોઈનોને માત્ર ‘ટીબી’ થતા હતા ! એમાંય વળી ‘આહ’ ફિલ્મમાં તો રાજકપૂરને ખબર પડે કે પોતાને ટીબી છે, તો જાતજાતનાં નાટકો કરીને પ્રેમિકા નરગિસ આગળ ‘બેવફાઈઓ’ ઊભી કરે છે અને એને બીજાની જોડે પરણાવી દેવાના કારસા કરે છે ! બોલો.

પણ ફિલ્મ જોતી વખતે ‘આના કરતાં કોઈ સારા ડોક્ટરને કેમ ના બતાડ્યું ? તારો બાપો તો લખપતિ હતો !’ એવા સવાલો આપણે કરતા જ નહોતા. જ્યારે ‘આનંદ’માં તો આ બેટમજી દિલ્હીથી કોઈ ઓળખાણ શોધીને મુંબઈમાં આવીને ‘માન ન માન મૈં તેરા મહેમાન’ બનીને ડોક્ટરોના ઘરમાં જ રહેવા લાગે છે ! (હા, મફતમાં !)

‘આનંદ’ એ રીતે પણ ‘માઈલસ્ટોન’ હતી કે હીરો અથવા હીરોઈનને કેન્સર થાય એટલે એણે બધાને હસાવતા જ રહેવાનું ! મરતાં સુધી ! આ ફોર્મ્યુલા ખેંચાઈ ખેંચાઈને એટલી હદે સ્ટુપિડ બની ગઈ કે સુશાંત રાજપૂતવાળી ‘દિલ બેચારા’માં તો હીરોઈન પણ ખભે ઓક્સિજનની બાટલીવાળી લઈ આવ્યા !

એ તો ઠીક, એ બંનેનો એક કોમન ફ્રેન્ડ મળીને એક ત્રિપુટી બનાવી, જે આખી ફિલ્મમાં કોમેડીનાં જેટલાં મહા-સ્ટુપિડ ધતિંગો કરે એમાં બિચારાં એમનાં મા-બાપોએ પણ કામ ધંધો છોડીને સામેલ થવાનું ! (પ્રેક્ષકોને માથે હથોડા પડે એ તો અલગ.)

જો કે ‘આનંદ’ રિલીઝ થઈ ત્યારે અમે તો માંડ ૧૭-૧૮ વરસના હતા. અમારી સાથેના તમામ જુવાનિયાઓ કબૂલ કરતા હતા કે ‘ફિલ્મ જોયા પછી છ સાત દિવસ તો ખરેખર આનંદમાં જ ઉડતા હતા.’ એવી જબરદસ્ત અસર હતી એ ફિલ્મની !

આખું લોજિક જ શીરાની માફક આપણા ગળે ઉતરી જતું હતું કે ‘હવે જો છ મહિના જ જીવવાનું છે તો યાર, હસતાં હસતાં કેમ ન જીવીએ ?’ 

જોકે તે વખતે કોઈને એવો વિચાર નહોતો આવતો કે બોસ, આ હિસાબે દરેક હોસ્પિટલના કેન્સર વોર્ડમાં તો આખો દહાડો કોમેડી જ ચાલતી હશે ને ?! ડોક્ટરો અને નર્સો પણ પેશન્ટોની જોડે સવાર-સાંજ ભેગા થઈને ગરબા કરતા હશે, નહીં ?

પણ એ છોડો, લેખના હેડિંગમાં જે રાજકપૂરનું નામ લીધું છે એ કિસ્સો શું હતો ?

તો વાત એમ હતી કે ઋષિકેશ મુખર્જી અને રાજકપૂરના તો બહુ જુના સંબંધો હતા. છેક ૧૯૫૯માં ઋષિકેશજીએ રાજકપૂર માટે ‘અનાડી’ જેવા અદ્‌ભુત પાત્રનું સર્જન કરેલું. ત્યાર બાદ, યાદ હોય તો, ‘મેરા નામ જોકર’ની લંબાઈ સાડા ત્રણ કલાકમાંથી સવા બે કલાકની કરવાની હતી ત્યારે એ ‘કાતરકામ’ માટે રાજસાહેબે ઋષિદાને યાદ કરેલા.

એ દરમ્યાન જ ઋષિદા પાસે આ ‘આનંદ’ની સ્ટોરીનો આઇડીયા હતો. એમની ઇચ્છા હતી કે ‘આનંદ’નો રોલ રાજ કપૂર કરે અને બાબુ મોશાયના રોલમાં શશીકપૂર હોય ! પરંતુ ‘મેરા નામ જોકર’ની નિષ્ફળતા પછી રાજ કપૂર પોતાના પ્રોજેક્ટોમાં અટવાતા રહ્યા. તબિયત પણ એવી ન રહી કે ‘એક્ટિંગ’ કરી શકે. (કેમકે સળંગ છ-સાત કલાક કેમેરા સામે ઊભા રહેવાનું આવે.) 

પરંતુ એ જ ગાળામાં રાજ કપૂરે ‘આનંદ’માં એક ગોલ્ડન ટચ ઉમેરી આપ્યો હતો ! વાત એમ છે કે ફિલ્મના એન્ડમાં રાજેશ ખન્ના મરવાની અણી પર છે ત્યારે છેલ્લા પ્રયત્ન માટે અમિતાભ એક મોંઘુ ઇન્જેક્શન લેવા માટે બહાર જાય છે…

ત્યારે મરતાં પહેલાં બાબુ મોશાયની ‘એ મૌત, તુ એક કવિતા હૈ…’ સાંભળવા માટે આનંદ પેલું ટેપ રેકોર્ડર સ્ટાર્ટ કરાવે છે. કવિતા પૂરી થતાં થતાં તે મરી જાય છે. ત્યારે બાબુ મોશાય આવીને દર્દથી છલકતા ગુસ્સામાં કહે છે ‘અબ બોલતે ક્યું નહીં?’

અને ત્યારે જ થોડી મિનિટોના સાયલન્સ બાદ આનંદનો અવાજ ટેપ રેકોર્ડરમાંથી ગુંજી ઊઠે છે : ‘બાબુ મોશાય … યે દુનિયા એક રંગમંચ હૈ..’ અને છેલ્લે આનંદના બનાવટી અટ્ટહાસ્ય પછી પેલી ટેપનો છેડો રેકોર્ડરમાંથી છટકી જાય છે ! શું ગજબનું દૃશ્ય હતું…

આ આખું દૃશ્ય મૂળ રાજ કપૂરની કલ્પના હતી ! (અને વાહવાહ લઈ ગયા સંવાદ લેખક ગુલઝાર.) 

બીજો એક ઓછો જાણીતો કિસ્સો એવો છે કે ‘જીંદગી કૈસી હૈ પહેલી…’ આ ગીત મૂળ સ્ક્રીપ્ટમાં હતું જ નહીં !

આમાં ઘટના એવી બની કે ‘આનંદ’માં મૂળ તો ત્રણ જ ગીતો હતાં જે ગીતકાર યોગેશ લખવાના હતા. જોકે આ વાતની સંગીતકાર સલીલ ચૌધરીને ખબર નહોતી. આ દરમ્યાન ‘મૈંને તેરે લિયે હી સાત રંગ કે સપને ચૂને’ માટેની જે ધૂન યોગેશને આપી હતી એ ધૂન ગુલઝાર સાહેબે સાંભળી ! એમને તરત જ સુંદર શબ્દો સુઝ્યા ! અને લો, ગીત લખાઈ પણ ગયું. અને રેકોર્ડ પણ થઈ ગયું !
આખી વાતથી યોગેશ અજાણ હતા. થોડા દિવસ પછી જ્યારે યોગેશનું લખાયેલું ગીત સલીલ ચૌધરી પાસે આવ્યું ત્યારે આખો ગુંચવાડો બહાર આવ્યો.

હવે શું ? બી. લછમન, જે ઋષિદાની અન્ય ફિલ્મોના નિર્માતા પણ હતા એમણે ‘અન્યાય’ દૂર કરવા માટે આગ્રહ કર્યો કે યોગેશજી પાસે વધુ એક ગીત લખાવવું જ જોઈએ… તો લખાયું આ ગીત : ‘જિન્દગી કૈસી હૈ પહેલી…’

પણ સ્ક્રીપ્ટમાં તો એની જગ્યા જ ક્યાં હતી ? 

તેથી નક્કી થયું કે ફિલ્મનાં ‘નંબરિયાં’ પડતાં હશે (ટાઈટલ્સ વખતે) ત્યારે આ ગીત લઈ લઈશું. પરંતુ જ્યારે રાજેશ ખન્નાએ આ ગીત સાંભળ્યું કે તરત એમના કાન અધ્ધર થઈ ગયા ! ‘આ તો હિટ સોંગ છે !’

એટલે રાજેશ ખન્નાજીએ જીદ કરી કે આ ગાયન મારી ઉપર ‘પિક્ચરાઈઝ’ કરવામાં આવે ! અને એટલે જ, ખાસ એવી સિચ્યુએશન ઊભી કરાઈ કે રાજેશ ખન્ના બાબુ મોશાય અને તેની પ્રેમિકાને દરિયા કિનારે ‘ફરવા’ લઈ જાય છે અને ત્યાં આ અમર ગાયન… આહાહા…

***

ફિલ્મની જાણી અજાણી વાતો 

* ‘જિન્દગી કૈસી હૈ પહેલી’… ના પાંચ અંતરા લખાયા હતા, જેમાંથી ત્રણ અંતરાનું રેકોર્ડિંગ થયું પરંતુ ફિલ્મમાં બે જ અંતરા દર્શાવાયા છે. મન્નાડે આ ત્રીજો અંતરો પોતાના લાઈવ શોમાં અચૂક ગાતા હતા.

* રાજકપૂર ઋષિકેશ મુખર્જીને હંમેશાં ‘બાબુ મોશાય’ કહીને બોલાવતા હતા એમાંથી જ અમિતાભના પાત્રનું ‘નામકરણ’ થયું!

* ફિલ્મના બેક-ગ્રાઉન્ડ મ્યુઝિકમાં એક બે ઠેકાણે જે ધૂન વાગે છે તેમાંથી જ સલીલ ચૌધરીએ ‘મેરે અપને’નું ગાયન ‘કોઈ હોતા જિસ કો અપના…’ ગીત બનાવ્યું હતું. બંને ફિલ્મો ૧૯૭૧માં રીલીઝ થઈ હતી.

* એમ તો ‘ના જિયા લાગે ના…’ ગીતની ધૂન પણ સલીલ ચૌધરીએ પોતાના જ એક બંગાળી ગીત ‘ના મોનો લાગે ના..’માંથી અહીં રિપીટ કરી હતી.

* ‘આનંદ’ના અભિનય માટે રાજેશ ખન્નાને નેશનલ એવોર્ડ મળ્યો હતો.

***

-મન્નુ શેખચલ્લી 

Comments