આ તો સારું હતું કે, એ જમાનામાં સોશિયલ મિડીયા નહોતું અને એ પણ સારું હતું કે એ વખતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજના જેવ ગંદી રમતો નહોતી રમાતી, નહીંતર ‘જ્વેલ થીફ’ રીલીઝ થતાંની સાથે જ એની સ્ટોરી લીક થઈ જાત કે ‘અસલી જ્વેલ થીફ તો અશોક કુમાર જ છે ! અને એ જ દેવ આનંદને ફસાવી રહ્યો છે !’
છતાંય, આ જાણવા છતાંય, જો આજનો કોઈ યંગસ્ટર પહેલીવાર ‘જ્વેલ થીફ’ જુએ તો અધ્ધર જીવે પોણા ભાગની મુવીમાં ચોંટી રહે ! અને છેલ્લે તો વિજય આનંદને જરૂર સલામ કરે કે ‘માન ગયે બોસ ! શું જોરદાર થ્રિલર બનાવ્યું છે !’
૧૯૬૭માં આવેલી આ ફિલ્મ તે વખતે તો હિટ હતી પણ કાળ ક્રમે થોડી ખોવાઈ ગયેલી. પરંતુ છેક ૧૯૮૦માં જ્યારે તેને દૂરદર્શન પર દેખાડવામાં આવી ત્યારે મુંબઈના ફિલ્મજગતમાં અને છાપાંઓમાં એનાં જે અઢળક વખાણ થયાં તે જોઈને ખુદ વિજય આનંદને ‘સાનંદાશ્ચર્ય’ થયેલું. (આ ‘સાનંદાશ્ચર્ય’ કોઈ સ્વામીજી કે બાબાજીનું નામ નથી. અહીં સંધિ છોડવાની છે ! ‘સ’ વત્તા ‘આનંદ’ વત્તા ‘આશ્ચર્ય’ ઇઝ ઇકવલ ટુ આનંદ સાથે આશ્ચર્ય, ઓકે ?)
એવું તે શું હતું ‘જ્વેલ થીફ’માં, કે એ જોતાં આજે પણ ગૂઝબમ્પ્સ આવે છે ? (હવે આ અઘરો શબ્દ અંગ્રેજીમાં એટલ એનો સાચો સ્પેલિંગ લખશો તો જ ગુગલમાં જવાબ મળશે.)
નવાઈની વાત એ હતી કે એ. કે. નારાયણ નામનો ખાસ જાણીતો નહીં એવો લેખક, જેણે આની પહેલાં ‘હમ પંછી એક ડાલ કે’ અને ‘ગીત ગાયા પથ્થરોં ને’ જેવી ચાંપલી ફિલ્મોની વાર્તાઓ લખી હતી, તેની પાસે વિજય આનંદે આવે ભેદી સ્ટોરી લખાવવાનું કેમ નક્કી કર્યું ?
તો મામલો એવો હતો કે એ. કે. નારાયણની લખેલ એક થ્રિલર મુવી ‘ધ ડ્રમર’નાં છ રીલ શૂટ થયાં પછી તે ડબ્બામાં બંધ થઈ ગયેલી. એ ક્યાંકથી વિજય આનંદે જોઈ અને આ નારાયણભાઈને તેડાવ્યો !
નવી ફિલ્મ માટે સ્ટોરી શું હોવી જોઈએ એની મથામણ ચાલતી હતી એવામાં નારાયણે એક એવા કોર્ટ કેસના ન્યુઝ બતાડ્યા કે એમાં જે માણસ ગુનેગાર સાબિત થતો હતો એ આ દુનિયામાં ક્યાંય ‘હતો જ નહીં !’
આ સાંભળતાં જ વિજય આનદને કહ્યું ‘યસ ! આ જ આપણી સ્ટોરી ! એક એવો માણસ, જે ક્યાંય છે જ નહીં !’
જોકે એ પછી પરદા ઉપર જે થ્રિલ ઊભું થાય છે એમાં વિજય આનંદની પટકથાનો જાદૂ છે. (ગોલ્ડી, યાને કે વિજય આનંદ આ ફિલ્મના એડિટર પણ હતા.) અને હા, પેલા નારાયણે આના પછી દેવ આનંદની વધ ત્રણ હિટ ફિલ્મોની સ્ટોરી આપી. ‘દુનિયા’ ‘મહલ’ અને ‘જ્હોની મેરા નામ.’
જોકે આટલી જોરદાર સ્ટોરી હોવાથી હજી અમુક લોકોને ડાઉટ છે કે બોસ, જરૂર કોઈ ફોરેનની ફિલ્મમાંથી ઉઠાંતરી કરી હશે. પરંતુ એવું છે નહીં !
છતાં, જો તમને ‘પ્રેરણા’માં રસ હોય તો ફિલ્મનું પહેલું જ ગાયન ‘યે દિલ ના હોતા બેચારા…’ યાદ કરી લો. એની શરૂઆતની લાઈનોમાં ‘બ્રિજ ઓન ધ રીવર ક્વાઈ’માં જે ફેમસ વ્હીસલ ટ્યૂન હતી તેની જ કોપી છે. (બાકીની અઢાર લાઈનો અને ઇન્ટરલ્યુડ મ્યુઝિકમાં નહીં, હોં ?)
આ ગાયનની એક અલગ જ સ્ટોરી હતી. બન્યું એવું કે ગુરુદત્ત ‘બહારેં ફિર ભી આયેંગી’ બનાવી રહ્યા હતા ત્યારે એસ. ડી. બર્મને આ ધૂન બનાવેલી. મજરૂહ સુલતાનપુરીના બોલ અને રફી સાહેબના અવાજમાં ગીત રેકોર્ડ પણ થઈ ગયેલું. પરંતુ અચાનક બર્મનદાને હાર્ટ એટેક આવ્યો ! બીજી બાજુ ગુરુદત્તને ઉતાવળ હતી એટલે સંગીતકાર તરીકે ઓ.પી. નૈયરને લઈ લીધા.
આમાં પેલું ગીત પડી રહેલું ! પણ પાંચ વરસ પછી જ્યારે ‘જ્વેલ થિફ’ માટે ગાયન બનાવવાનું થયું ત્યારે બર્મનદાએ જુના પટારામાંથી એ ધૂન કાઢી ! મજરુહ સાહેબે નવા બોલ લખ્યા અને કીશોર કુમારે મસ્તીભર્યા અંદાજમાં એવું ગાયું કે…. આહાહા…
જુના ગીતનાં શબ્દો હતા : ‘કોઈ, ના તેરા સાથી હો, ડગર, કહીં ભી જાતી હો…’ અને તમારે જો પેલી ઇંગ્લીશ મુવીની વ્હીસલ સાથે સાંભળવું હોય તો યુ ટ્યુબમાં ‘રેર ! બહારેં ફિર ભી આયેંગી’ ટાઈપ કરજો.
એમ તો ‘હોઠોં પે ઐસી બાત…’ ને પણ બિમારી નડી હતી !
'જ્વેલ થિફ’નાં ગીતો મૂળ તો શૈલેન્દ્રે લખવાના હતા. એમણે ‘રૂલા કે ગયા સપના’ લખ્યું પણ ખરું. અને ક્લાઈમેક્સમાં આવનારા ગીતનું મુખડું પણ લખેલું. પણ… પણ… પણ… શૈલેન્દ્ર પણ ખરાબ રીતે બિમાર પડ્યા ! એટલે મજરુહ સુલતાનપુરીએ મખડું એમનું એમ રાખીને બાકીનું આખું ગીત લખ્યું. (અને ફિલ્મનાં બીજાં ગીતો પણ લખ્યાં.)
‘હોઠેં પે ઐસી બાત’ની બીજી અનોખી મજા એની શરૂઆત અને એન્ડમાં જે ઢોલ-નગારાં, તબલાં તરંગ, ઘુંઘરુ અને બાઝ ગિટાર સાથેનું જે મ્યુઝિક વાગે છે, એમાં છે. સામાન્ય રીતે બીજા સંગીતકારો આવી સિચ્યુએશનમાં ઢોલ વગેરેના ચાર-પાંચ અલગ અલગ ઠેકા વગાડીને ‘ટેકા’ કરી નાંખે, પણ બર્મનદાદાએ જે કંપોઝિશન બનાવ્યા છે તે આજે પણ અમુક સંગીત રસિયાઓને ‘મોઢે’ છે !
એમ તો ‘રાત અકેલી હૈ…’ પાછળ પણ એક મજેદાર કિસ્સો છે. ગીત બની ગયેલું. રિહર્સલો થઈ ગયેલાં. રેકોર્ડીંગની તારીખ નક્કી હતી છતાં બર્મનદાએ આગલા દિવસે આશાજીને ફોન કરીને કહ્યું કે ‘રેકોર્ડિંગ કેન્સલ છે.’
આવું તો ત્રણ વાર થયું ! આખરે જ્યારે રેકોર્ડીંગ થઈ રહ્યું હતું ત્યારે આશાજીએ પૂછ્યું ‘ત્રણ વાર મુલતવી કેમ રાખ્યું ?’ ત્યારે સચિનદાએ કહ્યું ‘ચાબી નહીં મિલ રહી થી, ગાને કી !’
અને એ ‘ચાવી’ શું હતી ? દાદાએ આશાજીને કહ્યું ‘આ ગીત એવી રીતે ગાવાનું છે કે જાણે કોઈ નટખટ નાની છોકરી કોઈના કાન પાસે આવીને ‘હાઉક’ કરીને બીવડાવતી હોય !
હવે તમે ફરી સાંભળજો, ‘જો ભી ચાહે કહીયેએએએ…’ વખતે પેલી ‘હાઉક’વાળી ફિલંગી આવે છે ને ?
બાકી, દેવ આનંદે આ ફિલ્મથી એની બ્રાન્ડ આઇડેન્ટીટી સમાન વાળનો ફૂગ્ગો ફોડીને 'છાપરી હેર સ્ટાઈલ' કેમ અપનાવી એની કોઈ કહાણી અમને મળી નથી...
તમને ખબર હોય તો કહેજો.
***
ફિલ્મની જાણી અજાણી વાતો
* ફિલ્મના શૂટિંગ પહેલાં અશોક કુમારે હાર્ટ સર્જરી કરાવી હતી એટલે એમણે શરત મુકેલી કે વિલન તરીકે હું મારામારી નહીં કરું. માર પણ નહીં ખાઉં અને માત્ર ૧૧થી ૫ વાગ્યા વચ્ચે જ શૂટિંગ કરીશ !
* શૂટિંગ દરમ્યાન વૈજયંતિમાલાને વિજય આનંદ સાથે કકળાટો થતા હતા. ‘હોઠોં પે ઐસી બાત’ના શૂટિંગ પહેલાં વૈજયંતિએ અલગથી રિહર્સલો કરવાની ચોખ્ખી ના પાડી હતી. છતાં ફિલ્મમાં ક્યાંય વેઠ ઉતારી હોય એવું દેખાતું નથી.
* દેવ આનંદ આ ફિલ્માં પાંચ પાંચ યુવતીઓ સાથે રોમાન્સ કરે છે ! તનુજા, વૈજયંતિમાલા, હેલન, ફરિયાલ અને અંજુ મહેન્દ્રુ.
* અને ‘દિલ પુકારે આ રે આરે..’ ગીતમાં વૈજયંતિમાલાએ લાલ રંગની વિચિત્ર ‘સફેદ ફૂમતાંવાળી’ સાડી પહેરી હતી !
***
- મન્નુ શેખચલ્લી
Ha e saree par cotton na ball chipkavya hoy evu lagtu Tu but it's unique na aaj sudhi k pahela aavi fashion koi e kari nathi n as per Dave sir's observation dev aanand vijay aanand sivay koi director pase sidha rahine acting nota karta😃😄
ReplyDelete