દિપીકા પદુકોણ JNUના સ્ટુડન્ટોને મળવા ગઈ એ જ વાત ઉપર અમુક લોકો કહે છે કે ‘છપ્પાક’ ફિલ્મનો બહિષ્કાર કરો.
જોકે દિપિકા દિલ્હીમાં નિર્ભયાનાં મમ્મીને જઈને મળ્યાં હોત તો આખી વાત કંઈ જુદી જ હોત ! પણ શું કરીએ ? જેવી દિપિકાની અકક્લ…
રહી વાત બહિષ્કારની. તો દોસ્તો, દેશની 120 કરોડ જનતામાંથી 99.5 ટકાએ તો મલ્ટિપ્લેક્સોનો બહિષ્કાર જ કરવો પડે છે ! કારણ કે એની ટિકીટો પોષાતી નથી.
માત્ર 50 લાખ (અર્થાત્ દેશના 0.5 ટકા કરતાંય ઓછા) લોકો એક ફિલ્મ જોવા જાય છે ત્યારે 100 કરોડનો વકરો થાય છે.
એના કરતાં કંઈક એવવા બહિષ્કારો કરો ને, જેમાંથી કંઈક ફાયદો મળે ? જેમ કે…
***
આ શિયાળામાં રોજ સવારે 6.30 વાગે ગોદડું, રજાઈ, ધાબળો, ઓશિકું અને પથારીનો બહિષ્કાર કરો…
- ભલે પછી નહાવાનો બહિષ્કાર કરજો !
***
બહેનોને ચેલેન્જ છે… સિરિયલનો બહિષ્કાર કરે ! દેશની લાખો બહેનો કરી ચુકી છે... એમને પૂછી જોજો, એમના ‘મનસંસાર’માં કેવી સુખ-શાંતિ છે !
***
ભાઈઓને ચેલેન્જ છે… ટીવીની ન્યુઝ ચેનલોનો બહિષ્કાર કરો !
આવું તો કરોડો બહેનો વરસોથી કરી ચૂકી છે ! પૂછી જુઓ, વઘારમાં મરીના દાણા જેટલો ય ફેર પડ્યો છે ?
***
અચ્છા, ફક્ત એક અઠવાડિયા માટે ઇન્ટરનેટનો બહિષ્કાર કરી જુઓ તો, ખરા !
વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટા, યુ-ટ્યૂબ, ગાના, સ્પોટિફાય વિના પણ જીવી શકાય છે, બોસ !
***
ચાલો, ગુજરાતનાં શહેરોમાં ફરી હેલ્મેટ ફરજિયાત થાય ત્યારે હેલ્મેટનો બહિષ્કાર કરશો ?
***
મિત્ર, કડવી હકીકત એ છે કે તમે કદી તીડનાં ટોળાંનો બહિષ્કાર કરી શકતા નથી.
આજે હાલત એ છે કે તીડનાં ટોળાં તમારા ખેતરમાં ઉતર્યા વિના જ, માત્ર ઘોંઘાટ વડે, તમારી ફસલને બરબાદ કરી રહ્યાં છે…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment