ના ત્રણમાં
ના તેરમાં
ના છપ્પનના મેળમાં
... કેવું થયું 'ઓગણીસમાં !
***
ટાઢું પડ્યું
કાશ્મીરમાં, ત્યાં
સળગ્યું નાગરિક-બિલમાં !
... કેવું થયું 'ઓગણીસમાં !
***
અડધો પાક
પુરમાં ગયો
ને અડધો બગડ્યો તીડમાં !
... કેવું થયું 'ઓગણીસમાં !
***
વીણી વીણી
શોધ્યા ઘણા
જે ઘૂસ્યા બાંગ્લાદેશનાં,
ત્યાં ‘તીડ’નાં
ટોળાં ઘૂસ્યાં
ગુજરાતમાં પાકિસ્તાનનાં !
... કેવું થયું 'ઓગણીસમાં !
***
મંદી-મંદી કરતાં કરતાં
શેરબજારો તેજીમાં,
ડુંગળીના ભાવથી
બટાકા પણ જોશમાં !
... કેવું થયું 'ઓગણીસમાં !
***
વર્લ્ડ-કપ હતો
હાથવેંતમાં, પણ
ગયો ઓવર-કોન્ફીડન્સમાં...
ઝારખંડ ગયું
મહારાષ્ટ્ર ગયું
એ પણ કેવા ઘમંડમાં !
... કેવું થયું 'ઓગણીસમાં !
***
અઢી-અઢી મહિના લગી
કોંગ્રેસ રહી પ્રમુખ વિના..
રાહુલજી રીસાઈ ગયા
મોવડીઓ મુંઝાઈ ગયા...
પછી સોનિયાજી માની ગયાં !
... કેવું થયું 'ઓગણીસમાં !
***
અંબાણીનો પુત્ર પરણ્યો
ભવ્ય એ લગન થયાં,
શિવસેના-બીજેપીનાં
ભવ્ય ત્યાં ડિવોર્સ થયા !
... કેવું થયું 'ઓગણીસમાં !
***
હૈદરાબાદના દુષ્કર્મીઓ
નવમે દિવસે નરકમાં !
ને દિલ્હીના દુષ્કર્મીઓ
સાત વરસથી, છે
હજી ‘અપીલ’ માં !
... કેવું થયું 'ઓગણીસમાં !
***
ઈન શોર્ટ...
જાન્યુઆરીમાં જાગ્યા, ત્યાં
ફેબ્રુઆરીમાં પુલવામા,
ફેબ્રુઆરીમાં જ બાલાકોટ, ને
માર્ચમાં પાછા અભિનંદન !
મેમાં મોદીનો જયજયકાર
જુનમાં મંદીનો આવિષ્કાર !
જુલાઈમાં ગયા ત્રણ તલાક
ને ઓગસ્ટમાં ગઈ 370
સપ્ટેમ્બરમાં ચંદ્રયાન પડ્યું
ને, ઓક્ટોબરમાં મહારાષ્ટ્ર બીજેપી !
નવેમ્બરમાં રામને
જન્મભૂમિ મળી...
ને ડિસેમ્બરમાં કરી
CAAમાં હળી !
... બોલો, કેવું થયું ‘ઓગણીસમાં’ !
***
- મન્નુ શેખચલ્લી
Tremedy (tregedy in comedy)
ReplyDelete