હવે આ હેલ્મેટોનું શું કરવાનું?


હજારો લોકોએ 500-700 રૂપિયા ખર્ચીને નવી હેલ્મેટો ખરીદી, હવે રૂપાણી સાહેબે શહેરોમાં હેલ્મેટ નહિ પહેરવાની છૂટ આપી દીધી !

કદાચ, હેલ્મેટોના વેચાણનો ‘ટાર્ગેટ’ પતી ગયો હશે ! પણ ભૈશાબ, હવે આ માથે પડેલી હેલ્મેટોનું કરવું શું ?....

***

જેમ ઘરમાં તમે કૂંડામાં છોડવા ઉછેરો છો, 
એમ આ હેલ્મેટમાં માટી ભરીને, પાણી રેડીને અવનવા છોડ ઉછેરી શકો છો. ખાસ કરીને ‘મની-પ્લાન્ટ’ બહુ સારા ઉગશે ! (જે વસૂલ થયા એ!)

એ સિવાય પણ અનેક સદુપયોગો છે..

- દૂધની કોથળીઓ ભેગી કરવા માટે વાપરો.

- ફ્લેટમાં ઉપરના માળે રહેતા હો તો દોરી વડે નીચે લટકાવીને શાકભાજી ખરીદવા માટે વાપરો.

- કોઈ વિધિ માટે નાળિયેર ફોડવું છે ? હેલ્મેટ વડે ફોડો !

- શિયાળામાં સૂકામેવા ખાશો ને ? તો અખરોટ ફોડવા માટે હેલ્મેટ ટ્રાય કરી જુઓ..

- આંગળીઓ ઉપર વીંટીઓ પહેરીને હેલ્મેટ ઉપર તબલાં વગાડી જુઓ. મસ્ત રિધમ વાગે છે.

- કિચનમાં કેળાં, સફરજન વગેરે રાખી મુકવા માટે ચાલે.

- વાસણ ઘસવાનું સ્કોચ-બ્રાઈટ, વોશિંગ પાવડર વગેરે પણ રખાય. (એ પહેલાં કેળાં સફરજન કાઢી લેવાનું ના ભૂલાય.)

- ભસતાં કૂતરાંને છૂટ્ટી મારો !

- મેદાનમાં વચ્ચે મુકીને, નીચે સાત ઠીકરીઓ ગોઠવીને સાતોળિયું રમો !

- ઘરમાં ચકલીઓ માળો બાંધી શકે એ રીતે લટકાવી રાખો.

- ઉનાળામાં ઓટલા ઉપર લટકાવીને એમાં પાણી ભરી રાખો, પક્ષીઓની ‘પરબ’ બનશે.

- હેલ્મેટ ઉપર ખતરનાક ટાઈપનું ચીતરામણ કરીને બાબા-બેબીને વેશભૂષા સ્પર્ધામાં ‘તડબૂચ’ અથવા ‘ET’ 
બનાવીને મોકલો.

- આગળનો કાચ છૂટો પાડીને એની ઉપર ભેદી ડિઝાઈન ચીતરીને જાલિમ ટાઈપના ચશ્માની જેમ પહેરો.

- છેવટે, ફરી કોઈ અવળચંડા ટ્રાફિક રુલ સામે વિરોધ સરઘસ કાઢવાનું હોય ત્યારે પોલીસના લાઠીચાર્જથી બચવા આ જ હેલ્મેટ પહેરો ! થેન્ક્યુ.

***

-મન્નુ શેખચલ્લી

Comments