એ જમાનાનાં હેર-કટિંગ સલૂનો ...



બે દિવસ પહેલાં જ અમે વાળ કપાવવા ગયા. પંદર જ મિનિટમાં પેલા કારીગરે અમારા વાળ કાપીને અમને ઉઠાડી મૂક્યા ! બહાર નીકળીને થયું, હેં અલ્યા, ખરેખર વાળ કપાવ્યા ?

એ જમાનામાં, ખાસ કરીને બાળપણમાં, વાળ કપાવવાનો રોમાંચ સાવ અલગ હતો. સૌથી પહેલાં તો સલૂનમાં જઈએ કે તરત “આવી ગયો ? બેસ હોં, હમણાં લઈ લઉં છું” કહીને આપણું સ્વાગત થાય.

સલૂનની આખી સુગંધ જ જુદી. પંખા ફૂલ સ્પીડમાં ફર-ફર ફરતા હોય, રેડિયો મોટા અવાજે વાગતો હોય, કાતર અને પેલા ‘કચકચ’ મશીનના અવાજો સંભળાતા હોય અને ઘરાકોને માથે વારંવાર છાંટતા ‘ફૂવારા’ને કારણે અમથો અમથો ય હવામાં ભેજ વધારે હોય !

ઘરમાં ભાગ્યે જ જોવા મળતાં ફિલ્મી મેગેઝિનો માત્ર હેરકટિંગ સલૂનમાં જ ઉથલાવવા મળતાં. દૈનિક છાપાનાં પાનાં છૂટાં થઈને ઘરાકોના હાથમાં ફરતા હોય. જેણે પહેલું પાનું વાંચ્યું હોય તે અનુસંધાનવાળાં પાનાં શોધતાં હોય.

વાળ કપાવવાની આખી વિધિ અદ્ભૂત હતી. એક તો પેલી ઊંચી અને પોચી રિવોલ્વિંગ ખુરશી ઉપર બે પગથિયાં ચડીને બેસીએ ત્યાં જ કોઈ બીજી દુનિયામાં પહોંચી જવાય. આપણા ‘ફેમિલિ વાળંદ’ આપણી કાયાથી ડબલ સાઈઝનું કપડું આસપાસ વીંટાળે. ગળા ફરતે બાંધે ત્યારે એમ જ લાગે કે ફાંસી અપાઈ રહી છે, છતાં એમાં એક આંગળી ખોસીને તે આપણને કન્ફર્મ કરાવે કે જો, હજી આટલું ઢીલું છે !

સામે વિશાળકાય અરીસા હોય, પાછળ પણ એવા જ મોટા મોટા અરીસા ! પ્રતિબિંબો અને પ્રતિ-પ્રતિબિંબોના કારણે દુકાન ત્રણ ગણી મોટી લાગે ! ત્યાં તો માથા ઉપર ટપલી પડે “શું કીધું છે બાપુજીએ ? ટકલું કરી નાંખવાનું છે ને ?” આપણે ગભરાઈ જઈએ એટલે આપણા ફેમિલિ-સલૂનવાળા કાકા હસી પડે. આપણે વિરોધ કરીએ “ના ના, ખાલી ઓછા જ કરવાનું કીધું છે !”

ત્યાં તો પાણીનો ફૂવારો છૂટે… પેલી કાચની સોડા બોટલમાં ફીટ કરેલા પંપને ઊંચોનીચો કરીને તે ફૂવારો ઊડાડે કે તરત ચહેરો ભીનો થઈ જાય, આંખો મીંચાઈ જાય, આગળથી, પાછળથી, ડાબેથી, જમણેથી… ચારે તરફથી પાણીનો છંટકાવ ચાલે. વચમાં વચમાં વળી એમનો ભારે હાથ આપણું માથું મસળી નાંખે ત્યારે માથું તો ઠીક, આખા શરીરનું બેલેન્સ હચમચી જતું હતું.

પછી શરૂ થાય કેંચીકામ… કારીગરોની કાતરો એવી તાલબધ્ધ લયમાં ચાલતી કે જાણે કોઈ અટપટા સંગીતનો તાલ વાગી રહ્યો છે. કાંસકી વડે આપણા વાળ ઊંચા થાય, કોઈ ગજબની સિફ્તથી તેમાં બે આંગળીઓ પરોવાય અને કાતર વડે ખચાખચ્ચ ‘કટિંગ’ થવા માંડે…

સૌથી વધુ મઝા એ વાતની આવતી કે જ્યારે એ કારીગરો એક્ચ્યુઅલી વાળ ન કાપતા હોય ત્યારે પણ એમની કાતર ખાસ રિધમમાં ‘ખચ-ખચ’ ‘ખચ-ખચ’ ચાલ્યા કરતી ! જાણે કોઈ શિલ્પી હથોડી અને ટાંકણું લઈને પથ્થરની આસપાસ આંટા મારી રહ્યો હોય, ઓલમોસ્ટ એવી જ અદા આ કારીગરોની રહેતી.

એ પછી ફરી વળે પેલાં મિનિ-બુલડોઝર જેવાં મશીનો ! આખી ખોપડીની ચામડીમાં ઝણઝણાટી ફેલાઈ જાય ! એમાં જો કોઈ મશીન બુઠ્ઠું હોય તો ચીસ પડાવી દે… પરંતુ પેલો કારીગર આપણું માથું એવું સજ્જડ રીતે પકડીને ઊભો હોય કે જરાય ચસકવા ના દે !

છેલ્લે આવે અસ્ત્રાકામ ! આમાં તો જાણે શું ય મોતીડાં પરોવવાનાં હોય એવું બારીક કામ ચાલે. વારંવાર કંપેરિઝન કરવા માટે આપણું માથું ડાબે-જમણે ફૂટબોલની માફક ફેરવવામાં આવે.

છેવટે એ સલૂન-માસ્તર પોતાની કલાનું ડિસ્પલે કરતા હોય તેમ ગર્વભેર આપણી પાછળ અરીસો ધરીને ઊભા રહે ! સાલું, અમારું માથું પાછળથી કેટલું ‘સ્ટુપિડ’ જેવું દેખાય છે તે માત્ર અઢી મહિને એકાદ વાર જોવા મળતું !

***

- મન્નુ શેખચલ્લી

 

e-mail : mannu41955@gmail.com

Comments