કહે છે કે જ્યારે બાળક પેટમાં હોય ત્યારે માતા જે કંઈ પુસ્તકો વાંચે, જે કોઈ ફિલ્મો જુએ કે જે જે સિરિયલો જુએ તેની અસર બાળકના સ્વભાવ ઉપર થતી હોય છે.
જરા વિચારો કે કોઈની મમ્મીએ સતત સાસ-બહુની સિરિયલો જ જોયા કરી હોય એના બાળકનું વર્તન કેવું નીકળે ?
***
બાબો રમતાં રમતાં સ્હેજ ગબડી જાય અને કપાળે જરા ઘસરકો પડે કે તરત કહેશે :
“મમ્મી, અબ તો મેરી પ્લાસ્ટિક સર્જરી કરવાની પડેગી !”
***
વન રૂમ કિચનના મામૂલી ઘરમાં ભાડે રહેતા મમ્મી-પપ્પાને આ બાબો એકાદ દિવસ સિરિયસલી પૂછી નાંખશે :
“બતાઈયે ! હમારી જાયદાદ કે પેપર્સ તુમ ને કહાં છૂપા કે રખ્ખે હૈં ? ”
***
એક્ઝામો આવે ત્યારે તો એ સવાર-સાંજ આરતી કરવા માંડશે !
પણ બેટમજી રિઝલ્ટમાં ફેઈલ થઈ જાય તો એનું બહાનું તૈયાર જ હશે :
“માં, મેરી યાદદાશ્ત ચલી ગઈ થી !”
***
પપ્પા ઓફિસના કામે દસ-પંદર દિવસ માટે બહારગામ ગયા હોય એવામાં એક સાંજે બાબો નિશાળેથી આવીને જુએ, કે ઘરના સોફામાં કોઈ અજાણ્યા ભાઈ બેઠા છે... તો તરત સવાલ કરશે :
“આજ સે મેરે પાપા કો રોલ તુમ કરનેવાલે હો ?”
***
થાળીમાં કારેલાનું શાક જોઈને એ ઊભો થઈ જશે અને પછી ડાયલોગ ફટકારશે :
“માં.. હમારે ખંભોળજા ખાનદાન કી બરસોં પુરાની પરંપરા કો તુમને આજ લલકારા હૈ !”
મમ્મી તો ડઘાઈ જશે “શું થયું ?”
“શું થયું વળી શું ? આપણા ખંભોળજા ખાનદાન કી પાછલી સાત સાત પેઢી મેં દેખ લો... કિસીને કબી બી કારેલા કા શાક નહીં ખાયા હૈ !”
***
અને દાદાને એક્સિડેન્ટ થયો છે એવી ખબર સાંભળીને એ દોડતો દોડતો છેક બે કલાકે હોસ્પિટલ પહોંચશે !
“અલ્યા, આટલો મોડો કેમ આવ્યો?”
“માં, મૈં સ્લો-મોશન મેં દોડ રહા થા !”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment