ગડકરી સાહેબે જે રીતે આકરા દંડ સાથે પબ્લિકને માથે હેલ્મેટો ફટકારી છે એ જોતાં લાગે છે કે હવે તો આ હેલ્મેટો આપણે લમણે જ લખાઈ છે. છતાં અમે કહીએ છીએ કે સાહેબ, કમ સે કમ એની ડિઝાઈન તો ઈમ્પ્રુવ કરાવો ? એના ઘણાં પ્રોબ્લેમો ‘માથે પડેલા’ છે...
***
પરસેવાનો પ્રોબ્લેમ
ઉનાળામાં જો તમે ભરબપોરે માત્ર પંદર મિનિટ માટે હેલ્મેટ પહેરીને નીકળો તો માથામાંથી પરસેવાના રેલા નીતરવા માંડે છે ! અમે કહીએ છીએ કે બોસ, હેલ્મેટમાં કંઈ હવાની અવર-જવર માટે કાણાં ના રાખી શકાય ? (એનઆઈડીના એક ટેક્નિશિયને એવી હેલ્મેટ બનાવી છે.)
***
સાંભળવાનો પ્રોબ્લેમ
હાલની હેલ્મેટો બન્ને કાન ઉપર એવી સજડબમ્મ બેસી જાય છે કે વાહનોનો અવાજ ડાબેથી આવે છે કે જમણેથી એની યે સમજ પડતી નથી.
તો ભૈશાબ, ખુદ ભગવાને જ્યાં આપણી ખોપડીની બનાવટમાં કાનને ઠેકાણે કાણાં રાખ્યાં છે, તો આ હેલ્મેટોમાં એવાં ઝીણાં ઝીણાં 30-40 કાણાં ના રાખી શકાય ? (ભગવાન પાસેથી કંઈક શીખો, બાપા.)
***
વજનનો પ્રોબ્લેમ
હેલ્મેટ પહેર્યા પછી આખી દુનિયાનો ભાર આપણે માથે હોય એવું લાગે છે. ભૈશાબ, આમાં કોઈ મજબૂત છતાં લાઈટ-વેઈટ મટિરિયલ ના વાપરી શકાય ? શું દેશના વૈજ્ઞાનિકોને માત્ર મંગળયાનનું વજન ઘટાડવા માટે જ રાખી મુક્યા છે ?
***
સફાઈનો પ્રોબ્લેમ
‘સ્વચ્છ ભારત’ની ક્યાં માંડો છો ? પરસેવો, મેલ, ધૂળ અને માથાનું તેલ... આ બધું ભેગું થાય એટલે માત્ર છ જ મહિનામાં હેલ્મેટનો અંદરનો ભાગ ગંદકીથી ગંધાવા માંડે છે ! અલ્યા, અંદરનું જે પોચું મટિરીયલ છે એને ‘ડિટેચેબલ’ અને ‘વોશેબલ’ તો રાખો ? કમ સે કમ અઠવાડીયે એક વાર ધોઈને એને તડકે મૂકી શકાય.
***
‘સ્ટેકેબલ’ હેલ્મેટો
હવે તમે કહેશો કે મન્નુભાઈ, હેલ્મેટોને એકની ઉપર એક શી રીતે ચડાવવી ?
પણ ભાઈ તમે જ કહો, આજથી ત્રીસ વરસ પહેલાં જ્યારે કોઈને વિચાર આવ્યો હશે કે ભઈ, ખુરશીઓને 'સ્ટેકેબલ' બનાવવી જોઈએ,
ત્યારે જ પ્લાસ્ટિકની ‘સ્ટેકેબલ’ ખુરશીની ડિઝાઈન બની ને ?
***
‘ફોલ્ડિંગ’ હેલ્મેટો
અગેઈન દલીલ એ જ છે. શું સિત્તેર વરસ પહેલાં શું કોઈએ ‘લોખંડ’ની ખુરશીને ‘વાળી’ શકાય એવું વિચારેલું ??
- પણ છોડો, અમને ખબર છે કે આ બધા પ્રોબ્લેમના જવાબમાં સરકારનો જવાબ શું હશે. સરકાર કહેશે કે ‘કોઈ સારી હેલ્મેટની ડિઝાઈન આવશે તો અમે વિચારીશું...’
હા ભાઈ હા, વિચાર જ કરતા રહો. જો ‘સારી ફિલ્મ’ને દર વરસે 1-1 કરોડનાં ઈનામો આપી શકતાં હોય તો ‘સારી હેલ્મેટ’ને 5 કરોડનું ઈનામ ના આપી શકાય ? પણ ના. હેલ્મેટમાં મગજ ના હોય.
***
- મન્નુ શેખચલ્લી
e-mail: mannu41955@gmail.com
Comments
Post a Comment