અચ્છા,બોલો... ‘ગાપૂચી ગાપૂચી ગમ ગમ’ એટલે શું ? અને ‘કિશીકી કિશીકી કમ કમ’ એટલે શું ?
તમે નહિ માનો, પણ આ આપણા ખ્યાતનામ શાયર સાહિર લુધ્યાન્વીએ લખેલા ગીતના શબ્દો છે ! એ તો ઠીક, પણ જે સંગીતકાર માટે એમ કહેવાતું કે જો એમને શાયરી પસંદ ના પડે તો એ ગીતની ધૂન બનાવવાની ચોખ્ખી ના પાડી દેતા... એવા સંગીતકાર ખૈયામ સાહેબે આની ધૂન બનાવી છે ! (ફિલ્મ ‘ત્રિશૂલ’ માટે)
‘ત્રિશૂલ’ તો છેક 1979માં આવી પણ બોસ, 1957માં આવેલી ફિલ્મ ‘આશા’ માટે ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણએ સળંગ 17 શબ્દો ‘અર્થહીન’ લખ્યા છે ! સાંભળો : ઈના મીના ડીકા, ડાયે ડામા નીકા, માકા નાકા નાકા, ચિકા પીકા રોલા રીકા (આવું બે વખત ગાયા પછી આવે છે) રમપમ પોશ, રમપમ પોશ ! બોલો થયાને સત્તર શબ્દો ?
એ જમાનામાં આવાં ગાયનોને ‘અનોખે બોલ’વાળાં ગાયનો કહેતા. રેડિયો સિલોન ઉપરથી તો ‘અનોખે બોલ’ નામનો એક સાપ્તાહિક પ્રોગ્રામ આવતો જેમાં અટપટા શબ્દોવાળાં ગાયનો જ વગાડવામાં આવતા.
આજકાલના ગાયનોમાં એવું ખાસ નથી આવતું. એનું મેઈન કારણ એ છે કે યંગ લિસનર્સ પેલાં ‘અખિયાં નું રંજુ રુડ દે’ ટાઈપના ઉટપટાંગ પંજાબી શબ્દો સાંભળીને પોતાની ટાંગ હલાવી લે છે.
નવાં ગાયનોમાં છેલ્લે છેલ્લે જેમાં ‘અનોખે બોલ’ આવ્યા તે અંકિત તિવારીએ લખેલું ગીત હતું : “હવા મેં હવાના દેખા, ઢીમ કા ફલાના દેખા, સિંગ કા સિંગાડા ખા કે, શેર કા ગુર્રાના દેખા... (વચ્ચે સમજાઈ જાય એવા શબ્દો છે)... રાઈ કે પહાડ પે તીન ફૂટા લિલિપૂટ, મેરે પીછી કિસીને રિપીટ કિયા તો સાલા મૈં ને મારા મુંહ પે મુક્કા...” વગેરે.
તમે કહેશો કે યાર, આનો કોઈ મિનિંગ તો નીકળે જ છે ! તો બોસ, એ જ વાત છે કે, આખા વરસનાં જે પાંચસોને પંચાવન ગાયનો આપણે માથે ટીચાઈ રહ્યા છે એના શબ્દો (જો સમજવા હોય તો પણ) સમજવા જેવા હરગિઝ નથી હોતા, ત્યાં આવા ‘ઢીમ કા ફલાના’ જેવા શબ્દોનીકોઈ વેલ્યુ જ ક્યાં બચી ?
જ્યારે, એ જમાનાનાં ‘નોન્સેન્સ વર્સ’ (આ અંગ્રેજી શબ્દ છે. ધોળિયાઓ એમની સ્ટુપિડીટીને પણ યોગ્ય ઠરાવવા માટે પણ તેને ‘વર્સ’ એટલે કે ‘પંક્તિઓ’ કહેવાના !) હિન્દી ફિલ્મોમાં પણ કેવા મઝાનાં હતા !
અમને તો છેક હમણાં હમણાં ખબર પડી કે ‘રમૈયા વસ્તા વૈયા’એ તેલુગુ શબ્દો છે અને એનો અર્થ થાય છે કે, “રામ, તમે આવશો કે ?” બાકી અમે તો એને ‘અનોખે બોલ’ જ માનતા હતા ! અમે તો ત્યાં સુધી કહેતા હતા કે ‘બોલો, શૈલેન્દ્ર જેવા શૈલેન્દ્ર પણ અગડમ બગડમ ગાયનો લખી નાંખતા હતા !’
એ હિસાબે હસરત જયપુરી માસ્ટર કહેવાય એમણે ‘જંગલી’માં લખ્યું : “અયૈયા કરું મેં ક્યા સૂકૂ સૂકૂ..” આમાં સૂકૂ સૂકૂ ક્યાં આવ્યું ? પેલો શમ્મીકપૂર તો સરસ મઝાના લીલા લીલા ઘાસ ઉપર લપસણી ખાતો હતો !
હસરત જયપુરીનું બીજું એક સુંદર કાવ્ય હતું : “ઝુબી ઝુબી ઝલેબુઉઉ” (એન ઈવનિંગ ઈન પેરિસ) આમાં અમે સત્તર વાર યુ-ટ્યુબમાં ગાયન જોયું પણ ક્યાંય જલેબી કે ઝલેબું જોવા મળ્યું નથી.
કવિ રાજેન્દ્રકૃષ્ણ (ઈના મીના ડીકાવાળા) માટે એવું કહેવાતું કે તેઓ “ફૂલ ઔર પથ્થર”માં ઈરોટિક લાગતા શબ્દો લઈ આવ્યા : ‘પિશીગાલા પિશીગાલા નિકીડાગા યોલા, ઓ પિશીગાલા પિશીગાલા નિકીડાગા યોલા...’
આ બધા સામે આપણા ગુલઝાર સાહેબ ‘છઈ છપ છઈ, છપ્પાક છઈ’ લખે તો લોકો કહે છે કે “આહાહા... શું કાવ્યાત્મક અભિવ્યક્તિછે !”
એ જમાનાના મસ્તમૌલા ગાયક કિશોરકુમારની આવા શબ્દો રમાડવાની (તથા ગાયનોમાં ઘૂસાડવાની) માસ્ટરી હશે એમ લાગે છે. ચલતી કા નામ ગાડીમાં ‘રિબાબા રિબા – બબા-બા-બા’… ઝૂમરુમાં ‘યેડલી યેડલી યેઈ યોડલી યોડલી યો’… પડોસનમાં ‘ધૂમ કે પક્કડ, મુરઘી પકડ’… આંસુ ઔર મુસ્કાનમાં ‘બમ બમ નાચે કિશોરકુમારમ્.... બમ બકમમ્ બમ બકમમ્...’ ઝુમરુના એ જ ગીતમાં ‘ફુર્રર્રર્રર્રઈ બા-ગાલુ-બા-ગા-’ જવાની દિવાનીમાં 'ગિલી ગિલી આખ્ખા, બિલિ.. બિલિ..'
- જો કે ‘અનોખે બોલ’માં એવું છે કે જેનું ‘દિલ હુમ્મ હુમ્મ કરે’ એને જ સમજાય ! બાકી તો કીશીકી કીશીકી કમ કમ... જેવાં જેના નસીબ, આપણે શું, હેં !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment