કહે છે કે નવી શિક્ષણ-નિતી હેઠળ ભારતમાં ‘રાજનીતિ’નો વિષય ભણાવતી કોલેજો ખોલવામાં આવશે ! જેમાં કોર્સ દરમ્યાન ‘મોક ધારાસભા’ ‘મોક સંસદ’ જેવા પ્રેક્ટિકલ પણ હશે !
બોલો,પછી તો કોલેજોમાં શું શું જોવા મળશે ?...
***
પ્રોફેસર ભણાવતા હશે ત્યાં અચાનક આખો ક્લાસ કોઈ ટોપિકના વિરોધમાં ‘વોક-આઉટ’ કરીને બહાર નીકળી જશે !
***
સ્ટુડન્ટો કહેશે કે ક્લાસમાં હાજરી આપવી એ કંઈ ફરજિયાત નથી ! વળી, વરસમાં બે જ ‘સત્રો’ બોલાવવાનાં ! એક શિયાળુ સત્ર 7 દિવસનું અને બીજું ચોમાસુ સત્ર 11 દિવસનું !
***
અને હા, ગૃહમાં (એટલે કે ક્લાસમાં) હાજરી આપવા બદલ સ્ટુડન્ટોને ખાસ ભથ્થું આપવું પડશે !
***
એક વાર એડમિશન મળી જાય પછી સ્ટુડન્ટ ભણે કે ના ભણે, પાસ થાય કે નાપાસ... અરે, એક્ઝામો પણ ના આપે છતાં એને પાંચ વરસ સુધી કોલેજમાંથી કાઢી મુકાશે નહીં !
***
કોલેજની કેન્ટિનમાં બે રૂપિયામાં બે ઈડલી, ત્રણ રૂપિયામાં મસાલા ઢોંસા, પાંચ રૂપિયામાં આખું ભાણું અને સાત રૂપિયામાં ચિકન-બિરીયાની આપવી પડશે !
***
અને યસ, પાંચ વરસ પુરા થાય પછી પણ કોલેજ દ્વારા ફાળવેલો બંગલો, સોરી, હોસ્ટેલનો રૂમ ખાલી કરવામાં આવશે નહીં !
***
પ્રોફેસરો કે મેનેજમેન્ટ જો સ્ટુડન્ટોને કોઈ સવાલ પૂછવા માગતા હોય તો તે માત્ર ‘ક્વેશ્ચન અવર’ દરમ્યાન જ પૂછી શકશે.
***
એકઝામમાં કયા કયા પ્રશ્નો પૂછાવાના છે તેની માહિતી કોલેજે ‘રાઈટ ટુ ઈન્ફરમેશન’ હેઠળ 15 દિવસ અગાઉથી આપવાની રહેશે.
***
પ્રોફેસરના લેકચર દરમ્યાન સતત ઘોંઘાટ કરીને એમને બોલવા ના દેવા, ચાલુ ડિસ્કશને ચોપડીઓ, નોટો વગેરે ફેંકવી, બેન્ચો તોડી નાંખવી, ક્લાસમાં છુટ્ટા હાથની મારામારી કરવી...
... આ બધી ‘ઈત્તર-પ્રવૃત્તિ’માં કોઈ દખલગિરી ચલાવી લેવાશે નહીં.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment