સુવાક્યોની સફાઈ કરો !


ફરી નવું વરસ શરૂ થયું... અને હવે ફરી આપણા શુભેચ્છકો આપણી ઉપર સુવાક્યોનો મારો શરૂ કરશે !

ક્યારેક ક્યારેક તો આવો ‘સુવાક્ય- અત્યાચાર’ કરનારાઓને બોચીએથી ઝાલીને બે ફટકારી દેવાનું મન થાય છે. પણ શું કરીએ ? હમણાં તો એ સુવાક્યોની ‘સફાઈ’ નહીં, ‘સફાયો’ કરનારાં કુ-વાક્યો સુઝે છે...

***

સત્ય હંમેશાં કડવું હોય છે.

- અચ્છા ? એટલે ખાંડ, ગોળ, ચોકલેટ વગેરેમાં કંઈ જ સત્ય નથી ! એમ ?

***

સર્વ દિશાઓમાંથી શુભ વિચારો આવવા દો.

- અને પછી એ બધું ‘ડિલીટ’ કોણ કરશે ? તારો કાકો ?

***

દુનિયા હંમેશાં ઉગતા સુરજની પૂજા કરે છે.

- હા ભઈ હા, પણ જલ્સા તો રાતે જ થાય છે ને ?

***

ઈચ્છા દુઃખની મા છે.

- ભઈ, કુટુંબ-નિયોજન ખાતામાં ફરિયાદ કરો ને ?

***

સ્ત્રી, તારું નામ જ ઈર્ષ્યા છે.

- દિમાગ ના ખાઓ, યાર ! આખા ઈન્ડિયાની વસતી ગણત્રીનું લિસ્ટ જોઈ લો. એક પણ સ્ત્રીનું નામ ‘ઈર્ષ્યા’ નીકળે તો જ આગળ વાત કરજો.

***

હું માનવી ‘માનવ’ થાઉં તો ઘણું.

- આને માટે આધારકાર્ડ ફરીથી કઢાવવું પડે. ઓકે ?

***

ધીરજનાં ફળ મીઠાં હોય છે.

- અને ધીરજનાં લીંબુ ?

***

મારું જીવન એ જ મારો સંદેશ છે

- અચ્છા ? અમારું જીવન તો ‘દિવ્ય ભાસ્કર’ છે.

***

- મન્નુ શેખચલ્લી 

Comments