પતાવ્યા કેટલા ઘુઘરા,
સુંવાળી ને ભાખરવડી છે ?
ખબર છે એટલી
કે વાઈફની
હાકલ પડી છે !
***
દાંતને દુઃખ દે
એવી ‘સુખ’-ડી
હજી પડી છે,
ખાતાં ચક્કરો આવે
એવી ચક્કરી
હજી બચી છે,
ના ડાયાબિટીસ કે
ના એસિડીટી
અહીં નડી છે..
ખબર છે એટલી
કે વાઈફની
હાકલ પડી છે !
***
ખોરું થશે ચવાણું
વાસી લાગશે ‘લીલો’ ચેવડો,
ખાલી ખખડશે ઘુઘરા ને
શેં ચવાશે બુંદીનો ભૂક્કો ?
કાલ કરે સો આજ કર..
ન ટળશે એવી આ ઘડી છે,
ખબર છે એટલી
કે વાઈફની
હાકલ પડી છે !
***
ટિફિન હો બોસનું
કે કોઈ કર્મચારીનું
મળે છે મઠીયાં સહુને હવે
પાપડને ઠેકાણે,
ન પોચી રોટલી
કે ના સોફ્ટ ભાખરી
મળે છે ફરસી-પુરીઓ
હવે તો ભાણે જ ભાણે !
ના બાંધો કાલનું ભાથું
રળિયામણી આજની ઘડી છે..
ખબર છે એટલી
કે વાઈફની
હાકલ પડી છે !
***
આપો ‘ઉપમા’ હવે
દાળમૂઠને, બ્રેકફાસ્ટની...
માગે જે ભૂલથી પૌંવા
એવા સૈંયાની અછત પડી છે…
ખબર છે એટલી
કે વાઈફની
હાકલ પડી છે !
***
પતાવશો નાસ્તા જ્યાં
માંડ-માંડ હસતાં
ત્યાં આવી પૂગશે નવો શિયાળો...
ત્યારે હશે એ સિઝન નવી
અડદિયા – પાકની !
ખબરદાર રહેજો
ઝુંબેશો આગળ ઘણી છે…
ખબર છે એટલી
કે વાઈફની
હાકલ પડી છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment