'વોર' કેવી રીતે બની હશે ?!


અડધા વિવેચકો કહે છે કે ‘વોર’ ફિલ્મ સાવ બકવાસ અને યુઝલેસ છે. બીજા અડધા વિવેચકો કહે છે ના ભઈ, એકશન મૂવી તો આવું જ હોય ! ગુડ એન્ટરટેઈનમેન્ટ.

અમે તો આ વિવાદમાં પડવા જ નથી માગતા પણ ફિલ્મ જોઈને બહાર નીકળ્યા પછી અમે એ વિચારે ચડી ગયા હતા કે યાર, આ ફિલ્મ બની કેવી રીતે હશે ?

***

‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ની જાજરમાન નિષ્ફળતા પછી યશરાજ ફિલ્મ્સની ઓફિસમાં બેઠા બેઠાં આદિત્ય ચોપરા વિચાર કરતા હશે : “યાર, વરસમાં એકાદ બિગ બજેટ મુવી તો બનાવવી જ જોઈએ…. પણ યાર, આમિર ખાન ઉપર ભરોસો ના કરાય ! એક તો એ ભાઈ નફામાં ભાગ માગે છે અને ઉપરથી ફિલ્મના દરેક પાસામાં પોતાની ટાંગ ઘૂસાડે છે.”

“એક કામ કરો ને સર !” એક આસિસ્ટન્ટે કહ્યું હશે. “રિતિક રોશનને લઈ લો ને. એ તો કુરિયોગ્રાફીમાં ય પોતાની ટાંગ નથી અડાડતો !”

“હા, પણ એ એટલો સેલેબલ નથી ને.”

“તો જોડે જોડે ટાઈગર શ્રોફને લઈ લો ! બન્નેના ફેનનો સરવાળો કરો તો અક્ષયકુમાર જેટલો તો થઈ જ જાય !”

“રાઈટ ! અને દેશભક્તિવાળી કોઈ સ્ટોરી પણ ના લેવી પડે !”

***

આમ, ફિલ્મનું ‘કાસ્ટિંગ’ તો થઈ જ ગયું !? આદિત્ય ચોપરાએ તરત ઓર્ડર કર્યો હશે. “ફટાફટ એક પોસ્ટર બનાવડાવો ! જેમાં રિતિક અને ટાઈગર ખતરનાક પોઝમાં હોય અને પોસ્ટરમાં જ જાણે લડાઈ ફાટી નીકળી હોય એવું લાગે.”

“પણ સર, સ્ટોરી તો -”

“સ્ટોરી છોડો. આ બે નામો એનાઉન્સ થતાં જ ફાઈનાન્સરો રૂપિયા આપી જશે…”

***

પછી શરૂ થયું હશે ‘સ્ટોરી સેશન’…

ડિરેક્ટર સિધ્ધાર્થ આનંદે પૂછ્યું હશે : “આદિત્ય સર, સ્ટોરી શું રાખીશું ?”

“સ્ટોરી છોડો. એકશન સીનો વિચારો… જેમ કે… મને બે ફાઈટ ગલ્ફ કંટ્રીઝના ખુલ્લા બજારમાં જોઈએ. ગલ્ફ કન્ટ્રીઝનું પ્રેક્ષકોનું માર્કેટ બહું મોટું છે. 50 કરોડ તો ત્યાંથી રિકવર થઈ જશે.”

“પણ સ્ટોરી - ”

“સ્વીટ્ઝરલેન્ડના બર્ફીલા પહાડોની ઉપર વિમાનો ઉડતાં હોય અને હવામાં ફાઈટ ચાલતી હોવી જોઈએ. એ સસ્તી પડે છે.”

“સસ્તી ?”

“હા, કારણ કે બેકગ્રાઉન્ડમાં માત્ર ભૂરું આકાશ બતાડવાનું હોય છે ! એટલે કે VFX, યાને કે સ્પેશીયલ ઈફેક્ટોમાં ટાઈમ બચી જાય છે ! અને યસ, બે કાર ચેઝ અને બે બાઈક ચેઝ રાખો. એ પણ સસ્તી પડે છે.”

‘અચ્છા ? કઈ રીતે ?’

‘ડમી સ્ટન્ટમેનોથી કામ ચાલી જાય છે. રિતિક – ટાઈગરને શૂટિંગમાં લઈ જવાની જરૂર જ નહીં !’

***

આમ કરતાં કરતાં એકશન સિકવન્સો ફાઈનલ થઈ હશે.પછી એમાં કેટલો ટાઈમ જાય તેની ગણત્રી ચાલી હશે. એકશન ડીરેક્ટરે કહ્યું હશે :

“આદિત્યજી, બે કાર ચેઝ, બે બાઈક ચેઝ, બે ગલ્ફ કન્ટ્રી ફાઈટ, એક આકાશમાં ફાઈટ, એક અડ્ડામાં ફાઈટ, એક હોટલમાં ફાઈટ, એક ચર્ચમાં ફાઈટ અને એક એન્ટાર્કટિકાના બરફના સમુદ્ર ઉપર ચેઈઝ… આ બધું ગણીને ટોટલ 125 મિનિટ થાય છે.”

“ગુડ ! વેરી ગુડ !” આદિત્ય ચોપરાએ આખા ખર્ચાનો હિસાબ ગણીને કહ્યું હશે : “બસ, હવે 20 મિનિટની સ્ટોરી બનાવી કાઢો !”

***

બિચારો રાઈટર બે હિરો અને બે હિરોઈનની રોમાન્સ, એકશન, કોમેડી, સસ્પેન્સ અને ઈમોશનથી ભરપૂર સ્ટોરી લઈને ગયો હશે. હજી સ્ટોરી સંભળાવવાની શરૂ કરે ત્યાં  જ આદિત્ય ચોપરા બોલી ઉઠ્યા હશે :

“ નો નો નો! બબ્બે હિરોઈનો ના પોષાય. અને એક કામ કરો, આઈટમ સોંગ પણ હિરોઈન પાસે જ કરાવી લો.”

“પણ સર ?”

“અરે, ટાઈગર શ્રોફને હું મનાવી લઈશ. અને હા, પેલી બીજી હિરોઈનના જે પૈસા બચે તે સારા 'રિવ્યુ'ના બજેટમાં ઉમેરી દો. ઓકે ?”

***

- મન્નુ શેખચલ્લી

Comments