રિતિક રોશન અને ટાઈગર શ્રોફની ધનાધન એક્શન –ફાઈટ્સથી ભરપૂર ફિલ્મ ‘વોર’ ભલે પુરા 145 મિનિટની હોય, પરંતુ એમાં હજી અમુક રિયાલિસ્ટીક દ્રશ્યો ખૂટે છે…
***
લવ-સોંગ પછી..
ઘડીકમાં દૂબઈ, ઘડીકમાં સ્વીટ્ઝરલેન્ડ, ઘડીકમાં હોનાલૂલૂ તો ઘડીકમાં આફ્રિકન દેશોમાં ગાયન ગાઈ રહેલા હિરો-હિરોઈનને અડધા ગાયને વચમાં અટકાવીને પાસપોર્ટ ઓફિસના ઓફિસરો કહે છે :
“એક મિનટ મેડમ, આ ભઈ તો સિક્રેટ એજન્ટ છે, એટલે એમની જોડે 21 દેશોના વિઝા છે, પણ તમે તો દૂબઈમાં ડાન્સ કરી ખાઓ છો ! તો તમારી પાસે આ બધા દેશના વિઝા છે ખરા ? ચલો, પાસપોર્ટ બતાડો….”
***
ચેઈઝ-સિકવન્સ પછી…
રિતિક રોશન અને ટાઈગર શ્રોફની સનસનાટીભરી કાર ચેઝ પછી બાઈક ચેઝ ચાલે છે. એ પતે પછી સ્પેનની પોલીસ આવીને ટાઈગર શ્રોફને કહે છે :
“જુઓ ભઈ, તમે લોકોએ 32 વખત ઓવર સ્પીડીંગ કર્યું છે, 22 વાર રોંગ સાઈડમાં ઘૂસ્યા છો, 12 વખત ડેન્જરસ ડ્રાઈવીંગ કર્યું છે, 6 વાર ફૂટપાથ ઉપર વાહનો ચડાવી દીધાં છે, 32 દુકાનોના કાચ ફોડ્યા છે, 44 ફેરિયાઓનો સામાન તોડી નાંખ્યો છે અને કુલ 122 વાર ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો છે… હવે લાયસન્સ બતાડો, પીયુસી દેખાડો અને આ પકડો મેમો…”
***
રિતિક અને ટાઈગર વિલનના અડ્ડામાં ઘૂસીને મશીનગનો વડે ગોળીઓનો વરસાદ વરસાવીને ત્યાંના ડઝનબંધ ગુન્ડાઓને ભોંયભેગા કર્યા બાદ હોટલમાં પાછા આવીને કેટલી ગોળીઓ વપરાઈ ગઈ અને કેટલી બચી એનો હિસાબ કેલ્ક્યુલેટર વડે ગણતા હોય ત્યાં એક વકીલ આવીને કહે છે :
“જુઓ, તમે આડેધડ ગોળીબારો કર્યા એમાં મારા ક્લાયન્ટના 22 જણા ઘાયલ થયા છે, 6 જણાના હાથપગ કાપવા પડશે, 12 જણાને લોહીના બાટલા ચડાવવા પડશે અને 21 જણાને ICUમાં ટ્રિટમેન્ટ આપવી પડશે… તો બોસ, આ બધાનો ખરચો કોણ આપવાનું છે ?”
***
અને આતંકવાદીઓનો અડ્ડો બોમ્બધડાકા વડે ઉડાડી માર્યા પછી દિલ્હીથી ફોન આવે છે :
“આટલું બધું RDX ક્યાંથી પરચેઝ કર્યું ? બિલ લીધું છે ? અને હા, GST ભર્યો છે ?”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment