‘ક્યાર’ વાવાઝોડું કહેર વરસાવીને હજી હમણાં ગયું ત્યાં તો કહે છે કે ‘મહા’ નામનું વાવાઝોડું આવવાનું છે.
અમને થાય છે કે યાર, કમ સે કમ વાવાઝો઼ડાંના નામો તો સારાં પાડો ? દાખલા તરીકે જો વાવાઝોડાનાં નામો આપણી ફિલ્મોની હિરોઈનોનાં નામ ઉપરથી રાખ્યાં હોય તો ?
તો કેવી મસ્તીથી કહેવા થાય કે –
***
આહાહા... આ વખતે ‘કેટરીના’ તો કાતિલ લાગતી હતી !
***
અરે ભૈશાબ, ‘સની લિઓને’ તો બધાને પલાળી નાંખ્યા !
***
જુઓ જુઓ.... ‘કરીના’ કેવી ફંટાઈ ગઈ ?
***
હું તો પહેલેથી જ કહેતો હતો કે આ ‘ઐશ્વર્યા’ ઠંડી પડી જવાની !
***
રહેવા દો ભઈ, ‘કંગના’ સૂસવાટા બહુ બોલાવશે પણ એનાથી ખાસ કંઈ થવાનું નથી !
***
લો બોલો, ‘પ્રિયંકા’ છેક હોલીવૂડના દરિયા બાજુ જવા માટે ફાંફાં મારતી હતી...
***
આ ‘અનુષ્કા’નો ફૂંફાડો બહુ ભારે, હોં ! ભલભલા એન્જિનિયરો પણ એનાથી ડરે...
***
અલ્યા, અહીં તો બબ્બે વાવાઝોડાં સાથે ત્રાટક્યા છે... આમાં ‘કૃતિ’ ખરબંદા કઈ ? અને ‘કૃતિ’ સેનન કઈ ?
***
- એમ તો વડીલો પણ જુનો જમાનો યાદ કરીને કહી શકતા હોત કે...
આહાહા... એ જમાનામાં જો ‘મીનાકુમારી’ ફરી વળે તો સૌને રડાવીને જ રહેતી !
***
‘શબાના’ અને ‘હેમા’ની તો વાત જ ના કરતા... એ તો ઘર ભંગાવીને જ જંપે !
***
‘વૈજયંતિ’, ‘જયલલિતા’, ‘પદ્મિની’, ‘શ્રીદેવી’, ‘જયાપ્રદા’ ... આમની તો વાત જ નિરાળી ! છેક દક્ષિણ ભારતથી આવે પણ આખા ઉત્તર ભારતમાં છવાઈ જાય !
***
અને હા, ગુજરાતી કાકા કહેતા હોત કે, “એક વાર હું ‘સ્નેહલતા’માં ફસાયેલો પણ ‘રાગિણી’માં બચી ગયેલો ! ”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment