કોમી એકતાનાં વિચિત્ર નમૂના !


અયોધ્યા-વિવાદનો ચૂકાદો આવી ગયા પછી ક્યાંય તોફાનો તો નથી થયાં પરંતુ ઠેક-ઠેકાણેથી આપણને કોમી એકતાનાં ઉદાહરણો સાંભળવા મળી રહ્યાં છે.

જેમ કે, ફલાણા ભાઈ મુસ્લિમ છે છતાં ગીતા વાંચે છે. ફલાણા ભાઈ હિન્દુ છે છતાં ઘરમાં કુરાન રાખે છે વગેરે…

પરંતુ તમને ખબર નહીં હોય, આ સિવાય પણ અમુક એવા અનોખા નમૂના છે જેમની કોમી એકતાને દાદ આપવી પડે !...

***

ફલાણા ભાઈ મુસલમાન હોવા ‘છતાં’ હિન્દુ તહેવારો વખતે ફરાળી ઉપવાસ કરે છે. ફરાળમાં તેઓ 1 કિલો રાજગરાનો શીરો, 750 ગ્રામ સાબુદાણાની ખિચડી, 250 ગ્રામ જેટલો કાજુ-બદામ-દ્રાક્ષનો સૂકો મેવો ખાઈને 1 લિટર ઈલાયચીવાળું દૂધ પણ પી જાય છે. બોલો.

***

ઢીકણા ભાઈ જન્મે અને કર્મે હિન્દુ હોવા ‘છતાં’ એમણે ત્રણ અલગ અલગ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં છે. બોલો.

***

અમુક બહેન અને તમુક બહેન મુસ્લિમ છે. આ નણંદ અને સાસુએ મુસ્લિમ હોવા ‘છતાં’ એમના ઘરે નવી પરણીને આવેલી પુત્રવધૂ દહેજ ઓછું લાવી છે એમ કહીને તેને ભેગા મળીને જીવતી સળગાવી દીધી હતી. બોલો.

***

ગુનાખોરીની દુનિયામાં પણ કોમી એકતાના દાખલા જોવા મળે છે.

એક ખૂંખાર હિન્દુ હત્યારાએ અત્યાર સુધીમાં બાર હત્યાઓ કરી છે. પરંતુ હત્યા બાદ તે પોતે હિન્દુ હોવા 'છતાં' લાશને જમીનમાં દફનાવી દેતો હતો.

અને બીજો એક ખૂંખાર મુસ્લિમ હત્યારો, જેના નામે પણ એક ડઝન હત્યાઓ બોલે છે, તે મુસ્લિમ હોવા 'છતાં' લાશને જલાવી દેતો હતો. બોલો.

***

રાજકારણમાં તો ભારોભાર કોમી એકતા છે.

અમુક હિન્દુ રાજકારણીઓ હિન્દુ હોવા 'છતાં' મુસલમાનોને ‘ધિક્કારતાં’ નિવેદનો કરે છે.

એ જ રીતે અમુક મુસ્લિમ રાજકારણીઓ ઈસ્લામ ધર્મ પાળતા હોવા 'છતાં' હિન્દુઓ પ્રત્યે ‘નફરત’ ફેલાવવાનું કામ કરે છે.

- ના સમજાયું ? બસ, એનું જ નામ કોમી એકતા.

***

- મન્નુ શેખચલ્લી

Comments