શું યંગસ્ટર્સ માટે બધું 'ઈઝિ' છે ?


વડીલોને વારંવાર કહેવાની ટેવ પડી ગઈ છે કે આજના યંગસ્ટરો પાસે શું નથી ? અમારા જમાનામાં તો.. એમ કરીને ‘દિવાળીમાં ટિકડીઓ ફોડતા, હોળીમાં ડામર ચોપડતા, વેકેશનમાં લખોટીઓ રમતા અને 10 પૈસાનો બરફગોળો ચૂસતા હતા... છતાં ‘સુખી’ હતા એવાં રોદણાં (અથવા બણગાં) શરૂ કરી દેશે.

હા ભઈ હા, પણ વડીલ, આજના યંગસ્ટરોને માટે લાઈફ કેટલી ‘ટફ’ છે એની તમને ક્યાંથી ખબર હોય ? એના માટે ‘અમારા જમાનામાં તો…’ વાળી ઘસાયેલી રેકોર્ડ ઉપરથી પિન ઉપાડીને જરા આજની ફ્રીકવન્સીમાં ‘ટ્યુન-ઈન’ કરવું પડે.

જરા જુઓ, આજની યંગ જનરેશનની કેવી વાટ લાગી છે...

***

એક્ઝામોનું પ્રેશર

આજના એકએક વડીલ કબૂલ કરશે કે તે વખતે પરીક્ષાઓનું ખાસ કંઈ પ્રેશર જ નહોતું. વાર્ષિક પરીક્ષામાં જો નાપાસ થયા હોઈએ તો બાપાના હાથની બે ધોલ ખાવી પડે એટલું જ.

મમ્મીઓ તો માર્કશીટમાં માથું જ મારતી નહોતી. છેક મેટ્રિક કે બારમાની એક્ઝામો આવે ત્યારે બાપા જરા ખખડાવતા કે “આખું વરસ રખડી ખાધું છે, હવે નાપાસ થયો તો તારી ખેર નથી.” બસ આટલું જ.

જ્યારે આજે ? બિચારું બાબલું હજી બીજા ધોરણમાં નથી આવ્યું ત્યાં તો એની ‘મન્થલી ટેસ્ટ’ લેવાનું ચાલુ થઈ જાય !

હજી પાંચમામાં પહોંચ્યું ત્યાં તો ટ્યૂશનો ચાલુ થઈ જાય. પપ્પાઓ તો હજી બહુ લમણાંઝીક નથી કરતા પણ ‘ભણેલી મમ્મીઓ’ પાંચ માર્ક ઓછા આવે તો છેક પ્રિન્સિપાલ લગી ઝગડવા પહોંચી જાય છે. એમાંય વળી, દસમા અને બારમાની એક્ઝામો એટલે તો જાણે મરી ગયા પહેલાં જ આખી ‘વૈતરણી’ પાર કરવાની હોય એવાં ટેન્શનો !

- તો બોલો, વડીલ, શું આને ‘ઈઝી’ લાઈફ કહેવાય ?

***

ફ્રેન્ડઝનું પ્રેશર

એ જમાનામાં ભાઈબંધો બનાવવાનું પ્રેશર જ ક્યાં હતું ? એક જ ક્લાસમાં હોઈએ કે એક જ મહોલ્લામાં રહેતા હોઈએ એટલે ‘ભઈબંધ’ !

પછી ભલેને એ ભાઈબંધ ગિલ્લી-દંડામાં તમારી પદૂડી કાઢતો હોય, લખોટીઓ ચોરી લેતો હોય, ક્રિકેટમાં અંચઈઓ કરતો હોય અને ભણવામાં તમારી નોટમાંથી જ ઉતારા કરતો હોય… તોય કહેવાય શું ? ભાઈબંધ !

આજે એવું નથી. ફેસબુકમાં ફ્રેન્ડઝની સંખ્યા ઓછી હોય એની ફ્રેન્ડ-સર્કલમાં કોઈ વેલ્યુ જ નથી. ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટરમાં ફોલોઅર્સ ના હોય એ ‘લૂઝર’ કહેવાય. અરે વડીલ, ફ્રેન્ડશીપ કરવા માટે તો ‘રિક્વેસ્ટો’ મોકલવી પડે છે !

વળી છોકરાઓની ફ્રેન્ડશીપ છોકરીઓ જોડે ના હોય તો એ ‘ડૂડ’ ઉપર જાતજાતની ‘શંકાઓ’ કરવામાં આવે છે. સિમિલરલી, છોકરીઓના પણ ફ્રેન્ડસર્કલમાં મિનિમમ બે ડઝન બોયઝ ના હોય તો છોકરી ‘મણિબેન’ ગણાય.

- બોલો, દોસ્તી બી ટફ છે. શું આને ‘ઈઝી’ લાઈફ કહેવાય ?

***

રિલેશનશીપનું પ્રેશર

સગાં-વ્હાલાં હોય એને રિલેશનશીપ ના કહેવાય, વડીલ ! એ તો બધા ‘રિલેટિવ્ઝ’ કહેવાય !

આજે રિલેશનશીપ એટલે ‘લવ’ અને ‘મેરેજ’ વચ્ચેનું સોલ્લીડ સ્ટેજ ! તમે યંગ હતા ત્યારે કોઈ છોકરી તમારી સામું જુવે કે ના જુએ કશો ફેર જ ક્યાં પડતો હતો ?

રોડની સાઈડે ઊભા રહીને છોકરીઓ ઉપર લાઈન મારવાનું પણ ઈઝી હતું. આજે બોસ, જે છોકરાને બે-ચાર ગર્લ-ફ્રેન્ડ ના હોય એને ‘ટિન્ડર’માં ફાંફાં મારવા પડે છે. (હવે ટિન્ડર શું, એ ના પૂછતા.)

એ જમાનામાં તમે છોકરી જોવા જાવ ત્યારે વટ કે સાથ ‘પાસ/નાપાસ’નો ચૂકાદો આપી શકતા હતા. આજે છોકરીઓ ચૂકાદો તો શું, ‘સુનવાઈ’ પણ નથી થવા દેતી !

- અને આ બધું તમને ‘ઈઝી’ લાગે છે ? સાચું બોલજો વડીલ.

હજી ઘણું બાકી છે પણ જવા દો, પાછળથી ‘અનુસંધાન’ બહુ લાંબું નીકળે છે..

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments