મહારાષ્ટ્રના કન્ઝ્યુમર ની ફરિયાદ !


મેં એક ટ્રેક-સુટ ઓનલાઈન મંગાવવા માટે ઓર્ડર બુક કર્યો.

ચાર દિવસ પછી મને માત્ર એક ટી-શર્ટ જ મળ્યું. મેં તપાસ કરી તો મને કહેવામાં આવ્યું કે ચિંતા ના કરો, ટ્રાઉઝર એક બે દિવસમાં આવી જશે.

બે દિવસને બદલે સાત દિવસે પણ ટ્રાઉઝરની ડિલીવરી થઈ નહીં.

મેં તપાસ કરી તો જવાબ મળ્યો કે “એમાં એવું છે કે અમારી બે કંપનીની પાર્ટનરશીપ છે. અમે ટી-શર્ટ બનાવીએ છીએ અને બીજી કંપની ટ્રાઉઝર બનાવે છે. હમણાં એ કંપનીને અમારી સાથે થોડો ડિસ્પ્યુટ છે પણ બે ચાર દિવસમાં સોલ્વ થઈ જશે.”

એ વાતને અઠવાડીયું થઈ ગયું.

મેં ફરી તપાસ કરી તો ટી-શર્ટવાળાએ કહ્યું કે ટ્રાઉઝરવાળાને અમારી જોડે આવ્યા વિના છુટકો નથી.

મેં ટ્રાઉઝરવાળાને પૂછ્યું તો કહે ‘અમારે એવી ડીલ થઈ હતી કે છ મહિના હું કમરની ઉપર રહું અને છ મહિના એમણે કમરની ઉપર રહેવાનું !’

હું હવે કન્ફ્યુઝ થઈ ગયો. યાર, શું મારે જાંઘિયા ઉપર ટી-શર્ટ પહેરીને સવાર સવારના જોગિંગ કરવા જવાનું ?

એવામાં ટ્રાઉઝરવાળાનો મેસેજ આવ્યો કે અમે બીજી બે કંપનીઓ જોડે નિગોશીએટ કરી રહ્યા છીએ. તમને તમારો ટ્રેક-સુટ ચોક્કસ મળી જશે.

પછી મને ખબર પડી કે બેમાંથી એક કંપની માત્ર બાંયો અને કોલર બનાવે છે ! અને બીજી કંપની બાંય અને કોલર વિનાનાં ટી-શર્ટો બનાવે છે !

બાંય-કોલર વિનાના ટી-શર્ટવાળી કંપનીએ મને કહ્યું કે, ‘ચિંતા ના કરો, બાંય-કોલરવાળી કંપની અને ટ્રાઉઝર કંપની વચ્ચે ‘મિનિમમ-માપ’ની સમજુતી થાય કે તરત તમને તમારો ટ્રેક-સુટ મળી જશે.’

દરમ્યાનમાં બાંય- કોલર કંપનીની તો વેબ-સાઈટ પણ ખૂલી નહીં !

એવામાં અચાનક 28મા દિવસે સાંજે મેસેજ આવ્યો કે તમને ટ્રાઉઝર-કોલર-બાંય-ટી-શર્ટ બધું ડેફીનેટલી મળી જશે.

બીજા દિવસે વહેલી સવારે અરજન્ટ મેસેજ આવ્યો કે પેલી બાંડિયા ટી-શર્ટ કંપનીનાં બે ફાડચાં થઈ ગયાં છે…

પણ સાંજે નવો મેસેજ આવ્યો કે “ના ના, પ્લીઝ ડોન્ટ વરી, અમારી પાસે સાંધા જોડવા માટે પુરતા દોરા-દોરીનો સ્ટોક છે ! બસ ડિલીવરી લેવા માટે તમે શિવાજી પાર્કના મેદાન પર આવી જજો !”

***

- મન્નુ શેખચલ્લી

Comments