સ્ત્રીઓ, પુરુષો અને નક્કામી વાતો ...


તમે પુરુષોને પૂછો કે સ્ત્રીઓ અને પુરુષોમાં સાવ નકામી વાતો કોણ કરે છે ? તો પુરુષો કહેશે, સીધી વાત છે, સ્ત્રીઓ !

અમે કહીએ છીએ કે પુરુષોની આ ધારણા સદંતર ખોટી છે. ચાર-પાંચ સ્ત્રીઓ જ્યારે ભેગી મળે છે (અથવા બે સ્ત્રીઓ ફોન ઉપર હોય છે) ત્યારે મોટે ભાગે કામની જ વાતો થતી હોય છે.

યાદ કરો, સ્ત્રીઓ શું વાતો કરતી હોય છે ? ફલાણી સાડી તમે કેટલામાં લીધી ? પેલીએ જે ડ્રેસ પહેર્યો હતો એવો ડ્રેસ ક્યાં મળે છે ?  લેટેસ્ટમાં કઈ ફેશન આવી ? ફલાણું શાક તમે શી રીતે બનાવો છો ? ઢીંકણી વાનગીમાં હું તો ફલાણી ચીજનો વઘાર ઉપરથી કરું છું ને, એટલે એનો ટેસ્ટ અલગ આવે છે બાકી મારી નણંદ વઘાર કરતાં પહેલાં એમાં ફલાણું નાંખી દે છે ને, એમાં આખો  સ્વાદ બગડી જાય છે...

અરે સાંભળ્યું ? ફલાણીના જેઠની સાસુને ઘુંટણમાં ઓપરેશન કરાવવું પડ્યું ! તમારા મામી સાસુને કઈ હોસ્પિટલમાં દાખલ કરેલા ? પેલી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં ICUનો શું ચાર્જ લીધેલો ? ત્યાંની કેન્ટિનમાં શું શું ખાવા મળે છે ? સાંભળો, મારા દિયરની બેબી માટે કોઈ સારો છોકરો હોય તો જોજો ને ? હવે તો બધા ફેસબુકમાં જ છોકરા-છોકરીને શોધતા થઈ ગયા છે ! શું કહો છો.

આ વખતે લગ્નનાં મહુરતો બહુ ઓછા છે ? ફલાણીના મેસેજ રિસ્પેશનમાં આપણે પેલું ખાધેલું એને શું કહેવાય ? એની રેસિપી યુ-ટ્યૂબમાં ખરી ? પછી ફલાણી સિરિયલમાં શું થયું? અમે બહારગામ હતા ને, એમાં મારે મિસ થઈ ગઈ છે. તમે આ વખતે ક્યાં ફરી આવ્યા ? ત્યાં જોવા જેવું શું છે ?

પુરુષ વાચકોને થતું હશે કે ભઈ, આમાં કામની વાતો ક્યાં આવી ? તો ચાલો. મને કહો કે જે ભાઈ આખા વરસમાં એકેય વાર કોઈ કંપનીના શેર લેતો નથી એ શા માટે ડિસ્કસ કરે છે કે “બોસ, શેરબજારનો ઈન્ડેક્સ 40,000ને ક્રોસ કરી ગયો, હોં ?”

એ તો ઠીક, પણ ભાઈ, તમારે વેકેશનમાં ફરવા જવા સિવાય કાશ્મીરનું કંઈ જ કામ પડવાનું નથી છતાં રોજ શું ચર્ચા કરો છો કે “બોસ, કાશ્મીરમાં કેવું છે ? શું લાગે છે ? શું થશે ?”

અલ્યા ભઈ, જે ઈમરાન ખાન ક્રિકેટ રમતો હતો ત્યારે પણ તમને એક ઓટોગ્રાફ આપવા જેટલો કામમાં નહોતો આવ્યો એ માણસ કરતારપુર જતી બસમાં નવજોત સિધ્ધુ અને સની દેઉલ જોડે શું વાતો કરતો હતો એ જાણીને તમારે ‘કામ’ શું છે ? હેં ?

જુઓ ભઈ, ક્રિકેટમાં કોહલીના બે રન વધારે થાય કે બે ઓછા થાય એમાં તમારા ’કામ’માં શું આવ્યું ? જ્યારે ફલાણી વાનગીમાં ઉપરથી ફલાણાનો વઘાર કર્યો હોય તો તેનો ટેસ્ટ અલગ આવે છે એ તો ‘કામ’ લાગે તેવી જ વાત થઈ ને ?

અરે, તમારા જ દાદાને જ્યારે ઘૂંટણનો પ્રોબ્લેમ થશે ત્યારે તમારી મિસિસે કરેલી ‘પંચાત’ જ કામમાં આવશે : “ફલાણીની સાસુને પણ એવું જ થયેલું. એમણે તો ફલાણી હોસ્પિટલમાં ની-રિપ્લેસમેન્ટ કરાવેલું... ત્યાંની કેન્ટિનમાં ઈડલી-ઢોંસા પણ મળે છે !”

- બોલો, ‘કામ’ની વાત કહેવાય કે નહીં ?

***

- મન્નુ શેખચલ્લી

Email : mannu41955@gmail.com

Comments