મહારાષ્ટ્રના રાજકારણમાં જબરી ગડમથલ ચાલી છે. રોજ સવાર પડે ને એક નવી ‘મિમ-જોક’ બને છે !
સોરી, ‘જોક’ નહિ, પણ જોક બને તેવી પરિસ્થિતિ બને છે ! આજકાલ કરતાં 28 દિવસ થવા આવ્યા... હજી પણ પરિસ્થિતિ ‘મિમ-જોક્સ’ને લાયક જ લાગે છે !
એ જ વાત ઉપરથી થોડી ‘તાજી’ મિમ-જોક્સ... (જે માંડ એકાદ કલાકમાં ‘વાસી’ થઈ શકે એવી સંભાવના છે !)
***
મહારાષ્ટ્રના રાજ્યપાલ સાહેબ રાતના સૂતાં પહેલાં વડાપ્રધાનશ્રીને ફોન કરીને પૂછી રહ્યા છે :
“સાહેબ, સવારે કેટલા વાગ્યાનું એલાર્મ મુકું ?”
***
શિવસેનાનો એક કાર્યકર આંગળીના વેઢે કંઈક ગણી રહ્યો છે. બીજો કાર્યકર અકળાઈને કહે છે : “અલ્યા, કેટલા ધારાસભ્યો થયા એ જ ગણ્યા કરે છે ?”
પેલો કહે છે “ના. આ તો ગણું છું કે કેટલી વાર આપણી સરકાર બનતાં બનતાં રહી ગઈ...”
***
પત્રકાર પરિષદમાં એક પત્રકાર શરદ પવારને પૂછે છે “તમારા ધારાસભ્યો ઘડીકમાં અહીં અને ઘડીકમાં ત્યાં હોય એવું કેમ લાગી રહ્યું છે ?”
જવાબમાં શરદ પવાર એમનું ત્રાંસું સ્મિત વધારે ત્રાંસુ કરતાં કહે છે : “મોદી સાહેબે અમારા સાંસદોના વખાણ કર્યાં છે, અમારા ધારાસભ્યોના નહીં !”
***
એક મતદાર ઊંઘમાંથી અચાનક ઉઠ્યો હોય તેમ આંખો ચોળતાં પૂછી રહ્યો છે :
“અલ્યા, હું તો ભૂલી જ ગયો... મેં મત કોને આપ્યો હતો ?”
***
ભાજપના કાર્યકરો ભેગા મળીને અમિત શાહને ફોનમાં પૂછાવી રહ્યા છે :
“અમિતભાઈ, છેક અયોધ્યા ચૂકાદા વખતના ફટાકડા ફોડ્યા વિના રાખી મુક્યા છે... હવે ફાઈનલ તારીખ કહી દો, ક્યારે ફોડવાના છે ?”
***
વહેલી પરોઢે રોડ ઉપર જઈ રહેલી એક મોટી લકઝરી બસમાં ઝોંકા ખાતા, થાકેલા અને કંટાળેલા ધારાસભ્યોને બારીની બહાર અચાનક ‘મહારાષ્ટ્ર વિધાનસભા’નું બિલ્ડીંગ દેખાય છે !
એક ધારાસભ્ય બગાસું ખાતાં પૂછે છે “બહુ ફર્યા યાર... હવે સામેવાળા બિલ્ડીંગમાં ક્યારે જવાનું છે ?”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment