જહાં ટાલ ટાલ પર... ફિલ્મ સ્ટાર !


માણસને ટાલ પડે તો બિચારાની કેવી ‘ટાલ પડી જાય છે ?’ એવા વિષય ઉપર બનેલી ‘બાલા’ નામની ફિલ્મે માત્ર ૨૦ દિવસમાં જેટલો ધંધો કરી લીધો એટલો ધંધો તો બિચારા વિગ બનાવનારા કે માથા ઉપર વાળ ઉગાડી આપનારા તેલ ઉત્પાદકોએ છેલ્લા ૨૦ વરસમાં નહિં કર્યો હોય.

પણ ભાઈ, જુવાનજોધ માણસનું માથું હર્યાભર્યા ખેતરને બદલે અચાનક રાજસ્થાની રણ જેવું બની જાય ત્યારે એની ઉપર શું શું વીતે છે એ ‘બાલા’ના આયુષ્યમાન ખુરાનાને શું ખબર ?એ તો અનુપમ ખેર જ જાણે !

માત્ર 26 વરસના અનુપમ ખેરને જ્યારે ‘સારાંશ’ ફિલ્મમાં 60 વરસના ડોસાનો રોલ ઓફર થયો ત્યારે તે કિરણ ખેર નામની સુંદર સ્ત્રીને ઓલરેડી પરણી ચૂક્યો હતો અને એ પણ પોતાની ટાલ સંતાડ્યા વિના ! સ્વરૂપવાન કિરણે તેને પ્રેમી તરીકે અને પછી પતિ તરીકે શી રીતે સ્વીકારી લીધા હશે એ તો ખુદ કિરણ જ કહી શકે. (અસલી સ્ટોરી તો  અહીં છે)

અનુપમ ખેરની કહાનીમાં સૌથી મોટો ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે ‘સારાંશ’ના નિર્માતા રાજશ્રી પ્રોડ્ક્શને ડિરેક્ટર મહેશ ભટ્ટને એમ કહ્યું કે સાહેબ, આટલો સ્ટ્રોંગ રોલ કોઈ નવા અભિનેતાને શા માટે આપો છો ? કોઈ જાણીતા સિનિયર ટાલિયાને, સોરી, સિનિયર કલાકારને ફિલ્મમાં લો ને ? આ સૂચના લગભગ ‘ધમકી’ જેવી હતી :”જો તમે અનુપમ ખેરને પડતો નહિ મુકો તો અમે ફિલ્મમાં પૈસા નહીં રોકીએ.”

મહેશ ભટ્ટે ખૂબ ખેદ સાથે આ વાત અનુપમ ખેરને કહી. અનુપમ ખૂબ જ નિરાશ થઈ ગયા પણ આખી રાત પરેશાનીમાં વિતાવ્યા પછી બીજા દિવસે તે જીવ ઉપર આવી ગયા.

તે મહેશ ભટ્ટના ફ્લેટ ઉપર પહોંચી ગયા. તેમને બાલ્કનીમાં લાવીને નીચેની બાજુ બતાડતાં કહ્યું, “જુઓ, મેં મારો સામાન પેલી ટેક્સીના છાપરે બાંધી દીધો છે. જો મને ‘સારાંશ’ નહિ નહિ કરવા મળે તો હું આ શહેર છોડીને હંમેશ માટે પાછો જઈ રહ્યો છું. ધીસ ઈઝ ધ રોલ ઓફ માય લાઈફ-ટાઈમ... નાવ યુ ડિસાઈડ.”

મહેશ ભટ્ટ હલી ગયા. એમણે રાજશ્રી પ્રોડક્શનના લોકોને કન્વીન્સ કર્યા કે રોલ તો અનુપમ ખેર જ કરશે. પછી દુનિયા કહે છે તેમ... રેસ્ટ ઈઝ ધ હિસ્ટરી.

ખેર, દુનિયાનાબીજા યુવાન ટાલધારીઓમાં આટલી હિંમત અને આટલો વિશ્વાસ હોતો નથી. જમાનો પણ અલગ હતો. ટાલ એટલે ‘ડેવિડ’ એવું સમીકરણ હતું ! (ડેવિડ નામના અભિનેતા હતા.) જો વિલનના રોલમાં ટાલ હોય તો ‘શેટ્ટી’ની ! (રોહિત શેટ્ટીના ફાધર) એ પછી આવે ‘શાન’નો શાકાલ... (કૂલભૂષણ ખરબંદાએ ખાસ આ રોલ માટે વાળ છોલાવવા પડતા હતા.)

‘80નો દાયકો વિલનોની વરાયટીથી ભરપૂર હતો. વિલનોને મધપૂડા જેવા આકારથી માંડીને સોનેરી સૂતળીના ટોપલા જેવી વિગો પહરેવવામાં આવતી. આના કારણે તે સમયે અમરીશપુરી, સદાશિવ અમરાપુરકર, પરેશ રાવલ જેવા કલાકારો અલગ અલગ વિગ પહેરવાની ઈઝી પડે એટલા ખાતર સતત માથે મુંડન કરાવ્યા કરતા હતા.

કહે છે કે સંવાદોના શહેનશાહ એવા રાજકુમાર પોતાની પહેલી જ ફિલ્મથી વિગ પહેરતા હતા. રિતિક રોશનના પપ્પા રાકેશ રોશન પણ યુવાન વયે ‘ઉજડા ચમન’ હતા તેથી વિગ પહેરીને હિરો બની ગયા હતા. નવીન નિશ્ચલની પહેલી જ ફિલ્મ ‘સાવન ભાદોં’ આખી ‘વિગ’વાળી હતી. માત્ર છેલ્લા દ્રશ્યમાં વિગ નહોતી. એ પછી બિચારા નવીનભાઈએ નવીનતા ખાતર વિગનો ત્યાગ કર્યો પણ કરિયરમાં જ ધીમે ધીમે ટાલ પડતી ગઈ.

અમને તો હજી ડાઉટ છે કે જુના જમાનાના પ્રદિપકુમારના તેલ પાયેલા કાળા ભમ્મર વાળ નકલી હતા ! સેઈમ અબાઉટ ભારત ભૂષણ. સાઉથના એ જમાનાના બે ટોપ હિરો એમજીઆર અને શિવાજી ગણેશન સહિત લગભગ તમામ હિરો ફિલ્મી પરદે વિગ ધારણ કરીને આવતા હતા.

આપણા ગુજરાતી સ્ટાર હરિભાઈ ઉર્ફે સંજીવકુમારને પણ ટાલ પડવા માંડી હતી, છતાં માત્ર ઘરડાના રોલમાં જ વિગો પહેરી હતી ! કહે છે કે સંજીવકુમાર ‘શાન’માં શાકાલ બનવા માગતા હતા.

જરા વિચારો, ટાલિયા સંજીવકુમાર કેવા લાગતા હોત ?

***

-મન્નુ શેખચલ્લી

Comments