હેરિટેજ સ્મારક કોને કહેવાય ?
જે બાંધકામ જુનું હોય, ખખડી ગયેલું હોય અને છતાંય ‘સાચવવા’ જેવું હોય, રાઈટ ?
તો દોસ્તો, ગુજરાતના તમામ શહેરોમાં આપણી મ્યુનિસિપાલિટીઓ આવાં સેંકડો નવાં હેરિટેજ સ્મારકોની ‘જાળવણી’ કરવાનું મહાન સેવાકાર્ય કરી રહી છે !
વિશ્વાસ નથી આવતો ? લ્યો, વાંચો...
***
ખખડી ગયેલા રસ્તા
આપણા કોન્ટ્રાક્ટરો એટલા મહાન છે કે ડામર રોડ બનાવ્યો હોય એના છ મહિનામાં તે ‘હેરિટેજ સ્મારક’ બની જાય છે !
પછી બિચારી મ્યુનિસિપાલિટી પણ શું કરે ? ખખડી ગયેલા રોડને ખખડી ગયેલો જ રાખવા માટેના તમામ પ્રયત્નો કરે છે ને ! આભાર માનો મ્યુનિસિપાલિટીનો...
***
ગટર માટે ખોદકામ
ખોદકામ કરવું અને જુના-પુરાણાં અવશેષો શોધી કાઢવા એ તો પુરાતત્ત્વ વિભાગનું કામ છે ને ?
આપણી મ્યુનિસિપાલિટીઓ પણ એ જ કામ કરે છે ! હજી ગટર બન્યાને માંડ વરસ પણ ના થયું હોય ત્યાં તો એમાંથી 'પૌરાણિક' પુરાવા શોધવા માટે ખોદકામ ચાલુ કરી દે છે !
***
હેરિટેજ તળાવો
કોણ કહે છે કે કાંકરિયા અથવા સુરસાગર જેવા તળાવો જ હેરિટેજ છે ?
આપણી મ્યુનિસિપાલિટીઓ તો ભલભલાં કુદરતી તળાવોને ‘સ્મારક’ બનાવી દેવામાં માહિર છે. સૌથી પહેલાં તો તળાવની આજુબાજુ ઊંચી ઊંચી પાળીઓ બનાવીને બહારથી આવતા કુદરતી વરસાદી પાણી સામે ‘રક્ષણ’ આપે છે.
પછી તેમાં સોસાયટીઓની ગટરલાઈનો જોડીને તળાવને તેની આવરદા પહેલાં જ ‘સ્મારક’ બનાવી નાંખે છે ! ઓમ શાંતિ શાંતિ શાંતિ...
***
ફૂટપાથ : એક ખોજ
શું તમે જાણો છો ? આપણાં શહેરોમાં ક્યારેક ફૂટપાથો પણ હતી !
જી હા, એની ઉપર લોકો બે પગ વડે ચાલી શકતા હતા ! પરંતુ એ ફૂટપાથો નામશેષ થતી જાય છે. જે થોડી ઘણી ફૂટપાથો બચી છે તેની ‘જાળવણી’ માટે મ્યુનિસિપાલિટીઓ તેને દુકાનદારોને સોંપી રહી છે ! જાવ દબાણ કરો...
હેપ્પી હેરિટેજ વીક !!
***
મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment