રાહુલ-ઉધ્ધવને 'હેરિટેજ'માં શું મળ્યું ?


આજકાલ ‘હેરિટેજ સપ્તાહ’ ચાલી રહ્યું છે.

પણ ભઈ, ‘હેરિટેજ’ એટલે શું ? તો કહે, જે જેનું થઈ ગયું છે, ખખડી ગયું છે, ઘસાઈગયું છે અને લગભગ પતવા આવ્યું છે અને જે આપણને વારસામાં મળ્યું છે એને હેરિટેજ (વિરાસત) કહેવાય.

આ હિસાબે આપણા દેશના મહાનુભાવો એમનું હેરિટેજ સપ્તાહ શી રીતે ઉજવે ? થોડાં સૂચનો...

***

રાહુલ ગાંધીનું હેરિટેજ સપ્તાહ

રાહુલબાબાને 125થી વધારે વરસ જુની કોંગ્રેસ પાર્ટી ‘વિરાસતમાં મળી છે. (બધા કોંગ્રેસીઓ પણ એમ જ માને છે) પ્રોબ્લેમ એ છે કે વિરાસતની પ્રમુખપદની ખુરશી એમને ફાવી નહીં !

અમારું રાહુલબાબાને સૂચન છે કે આ હેરિટેજ સપ્તાહ દરમ્યાન કોંગ્રેસ પાર્ટીના આદ્યસ્થાપક દાદાભાઈ નવરોજજીની કોઈ તસવીર શોધીને, એની ઉપર જામેલી ધૂળ સાફ કરતા હોય એવો એક ‘ફોટો’ પડાવવો જોઈએ.

***

અનિલ અંબાણીની ઉજવણી

ધીરુભાઈ અંબાણીએ વિરાસતમાં આપેલી રિલાયન્સના બે ભાગ પડ્યા પછી અનિલભાઈએ એવી ગજબની જાળવણી કરી છે કે આજે રિલાયન્સ કોમ્યુનિકેશનના 15 રૂપિયાના શેરનો ભાવ 55 પૈસા છે !

સૂચન એટલું જ કે અનિલભાઈએ પોતાની પાસે બચેલા તમામ શેર ‘રાફેલ’ વિમાનમાં ભરીને મુંબઈ સ્ટોક એક્સચેન્જ ઉપર તેની વર્ષા કરવી જોઈએ.

***

ઉધ્ધવ ઠાકરેની વિરાસત

બાલાસાહેબ ઠાકરે પાસેથી વિરાસતમાં મળેલી શિવસેના પોતે જ ક્યાંક ‘હેરિટેજ સ્મારક’ ના બની જાય ! છેલ્લા 26 દિવસથી ઉધ્ધવજી ‘એના’ જ પ્રયત્નોમાં લાગેલા છે. (આમાં ‘એના’ના બન્ને અર્થ સમજવા)

***

ઓમાર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી

આ બન્ને કાશ્મીરી નેતાઓને તેમના પિતાશ્રીએ ‘આતંકવાદ’ની વિરાસત આપી છે. હાલ બંને જણા નજરકેદમાં છે પરંતુ લાગે છે કે એમના મનમાં આ વિરાસતનું  ‘જતન’  અને  ‘સંવર્ધન’ કરવાના જ પ્લાન ઘડાઈ રહ્યા હશે....

***

- મન્નુ શેખચલ્લી

Comments