છે સરખી વ્યથા માળિયે માળિયે ...

(નોંધ : દિવાળીના તહેવારો અગાઉ રચાયેલી આ કરુણ રચના બ્લોગ ઉપર મુકવાનું ભૂલાઈ ગયું હતું.)


હો ઊંચી હવેલી

કે નાનકડું ઘર

છે સરખી વ્યથા

માળિયે માળિયે…

***

ના બહાદૂરી

ના બુઝ દિલી

ના શિકસ્ત

ના ફતેહ…

બસ, છે તો છે, જફા !

માળિયે માળિયે…

***

કરોળિયાનાં જાળાં

ચકલીઓના માળા

ગરોળીઓનાં ઈંડા

કે બદમાશ વંદા

છે એ જ જીવસૃષ્ટિ

માળિયે માળિયે…

***

હો પતિ માળિયે

કે ઘરનોકર ગયો,

ફરક છે ઘણો

માળિયે માળિયે

ઠપકો પતિને

મસકો નોકરને

ભૈ છે જ ક્યાં તુલના ?

માળિયે માળિયે…

***

પેલું ત્યાં હશે

કંઈ હશે તેની નીચે

કરી શોધખોળો

ખૂણે ખાંચરેથી

ઝીણી ઝીણી ધૂળોને

ઝાપટી – ઝૂપટીને…

સઘળી પળોજણ

ફરી ત્યાં જ મુકો

આ સંસાર – ચક્રો

રહે ત્યાંનાં ત્યાં

છે વ્યવસ્થા પ્રભુની

માળિયે માળિયે…

***

આંખો રડે

નાક પણ દડદડે

ગળે બાઝે ડૂમો

હોઠ પણ ના ખુલે

ઈમોશનલ કરે

જે રજકણો ત્યહીં

એની છે ક્યાં કદર ?

માળિયે માળિયે…

***

કોઈ પ્યાલો કે બરણી

કંઈ ડોયો કે ગળણી

કોઈ ખીંટી વળગણી

કંઈ દોરી સરકણી

આવે છે મળવા

યાદો પુરાણી

રિપીટ કરે છે

જુની કહાણી

થઈ રહ્યાં ‘રિ-મિક્સ’

માળિયે માળિયે…

***

નવેસરથી માંડે છે

ઘર સૌ પોતાનાં

નીચે માનવીઓ

ઉપર જીવજંતુ

છે સરખી દિવાળી

માળિયે માળિયે…

***

વરસે ખૂલે છે

વરસ બંધ રહેશે

એ વર્ષાભિનંદનમાં

અકબંધ રહે છે

છે મૂંગા કમાડ

માળિયે માળિયે…

***

- મન્નુ શેખચલ્લી

Comments