બોલો, ગઈકાલે આંતરરાષ્ટ્રિય ‘પુરુષ-દિવસ’ હતો !
આ વાત તમને કોઈ મહિલાએ યાદ કરાવી ખરી ? નહિતર તો અમસ્તાં કેટ-કેટલી બર્થ-ડે, એનિવર્સરી અને મધર્સ-ડે, વિમેન્સ-ડેની યાદો અપાવ્યા કરે છે ?
આ સિવાય પણ અમારી અનેક ફરિયાદો છે…
***
આ પુરુષ-ડે હંમેશાં ‘વર્કિંગ-ડે’માં જ કેમ આવે છે ?
આવે તો ભલે આવે પણ એ દિવસે પુરુષોને મોડા ઉઠવાની, નહીં નહાવાની તથા અંડરવેર નહીં બદલવાની ‘સ્વતંત્રતા’ શા માટે ના હોવી જોઈએ ?
***
દારૂ બનાવતી કંપનીઓ ‘પુરુષ-ડે’ને સ્પોન્સર કેમ નથી કરતી ?
તમામ બિયર-બારમાં ‘પુરુષ-ડે’ માટે ખાસ 50% ડિસ્કાઉન્ટ કેમ ના જાહેર કરવામાં આવે ?
***
આંતરરાષ્ટ્રિય ‘પુરુષ-દિવસે’ મુક્કાબાજી, કુશ્તી, કબડ્ડી (ટાંટિયાખેંચ) તથા જનરલી કોઈપણ શેરીમાં ‘શેરી-મારામારી’ની સ્પર્ધાઓ કેમ યોજાતી નથી ?
***
અરે આજકાલની ફિલ્મોમાં બિચારા સલમાન, રિતિક, જોન અબ્રાહ્મ, અક્ષયકુમાર, બોબી દેઉલ જેવા પુરુષ કલાકારોને ‘અંગ-પ્રદર્શન’ કરવાની જે ‘ફરજ’ પાડવામાં આવે છે તેની સામે અવાજ શા માટે નથી ઉઠાવાતો ?
***
અને આવાં ‘અંગ-પ્રદર્શન’નાં વિરોધ સરઘસોમાં પુરુષો ખુલ્લા શરીરે, છાતી અને બગલમાં ‘શેવ’ કર્યા વિના નીકળી પડીને સૂત્રો કેમ નથી પોકારતા કે “DON’T SHAVE, BUT, SAVE MEN !”
***
મહિલાઓએ પણ ‘પુરુષ-દિવસ’ને સપોર્ટ કરવો જોઈએ. કમ સે કમ જે પુરુષો ‘મહિલા સમોવડા’ બનવાના પ્રયત્નો કરે છે એમનું તો સમન્માન કરો ?
***
અચ્છા ચલો, LGBT એરિયામાં ના જવું હોય તો કંઈ નહિ, પણ કમ સે કમ…
સુનીલ ગ્રોવર (ગુથ્થી), અલી અસગર (દાદી), ગૌરવ ગેરા (ચૂટકી), કીકુ શારદા (પંખુડી) વગેરે જેવી ‘મર્દાના’-મહિલાઓને તો સન્માનિત કરો ?
***
અને હા.. ગોવિંદા, મિથુન તથા રણવીર સિંહને બેસ્ટ એન્ડ બોલ્ડ ‘મેન-ફેશન’ના એવોર્ડો કેમ નથી અપાતા ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment