બાંગ્લાદેશની ટીમને દાદ આપવી પડે ! ઇન્ડિયા સામે સળંગ ત્રણ ટેસ્ટમેચો આખેઆખી ઈનિંગથી હારવા છતાં કહે છે કે અમારા ‘આત્મવિશ્ર્વાસ’માં વધારો થયો છે !
એટલું જ નહીં, ટીમના આ ‘સ્પીરીટ’ને આગળ વધારવા માટે એમની પાસે કંઈક ‘પ્લાનિંગ’ પણ છે !
શું છે એ ‘પ્લાનિંગ’ ? સાંભળો…
***
“અભિનંદન !”
“ઓ થેન્ક્યુ ! (પછી ગુંચવાઈ જતાં) હેં, શેના અભિનંદન ?”
“દરેક મેચમાં પ્રેક્ષકોનો ટાઈમ બચાવવા બદલ, અભિનંદન”
“ઓહ, એમ…”
“અચ્છા, આગળ શું પ્લાનિંગ છે ?”
“અમે છે ને, અમાલો આત્મવિશ્વાસ વધાલવા માટે, છે ને, ઇન્ડિયાની પ્રાઈમરી સ્કુલની ટીમો જોડે મેચો લમવાના છીએ.”
“ઓહો ? જેથી જીતવાને કારણે તમારો આત્મવિશ્વાસ વધી જાય. એમ ?”
“ના ! એ તો છે ને, બાળકો સામે હાર્યા પછી ઇન્ડિયાની સિનિયર ટીમ સામે હારવાનો અફસોસ ના થાય ને, એટલા માટે !”
“ઓહોહો… બહુ મોટું પ્લાનિંગ કરી રાખ્યું છે ! અચ્છા, પ્લેયરોનો આત્મવિશ્વાસ વધારવા માટે બીજું શું કરવાના છો ?”
“બેટ્સમેનો છે ને, પોતાનો સ્કોર પોતાની આંગળીના વેઢા ઉપર ગણાશે.”
“જેથી સમજાય કે અડધો અડધ વેઢાં તો કંઈ કામનાં જ નથી !”
“હેં ?”
“કંઈ નહિ, એ સિવાય શું પ્લાન છે ?”
“અમે અમારા ખેલાડીઓના ખોરાકમાં ધરખમ ફેરફાર કરવાના છીએ.”
“બન્ને ટંક દૂધપૌંવા ખાશે?”
“વાઉ ! તમને શી રીતે ખબર પડી ?”
“એ છોડો. બાંગ્લાદેશની ટીમનું આજે મોટામાં મોટું સપનું શું છે ?”
“એજ… કે માત્ર એક રનથી અમે શરમજનક હારમાંથી બચી જઈએ.”
“યુ મિન. ઈન્ડિયા સામેની ડે-નાઈટ ટેસ્ટ મેચમાં તમે માત્ર એક જ રનથી હારી જાવ ?”
“ના… અમારી માત્ર એક ઈનિંગ અને 1 રનથી હાર થાય !”
“ઓલ ધ બેસ્ટ ! તમારું આ સપનું ટેસ્ટમેચની બીજી જ રાતે સાકાર થાય !”
“થેન્ક યુ… હેં ?”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment