અમે નાના હતા ત્યારે દિલીપકુમારને ‘ગૂંગણો’ કહેતા. સ્હેજ નાકમાંથી, ગણગણતો હોય એવા અવાજે તે મહા-ઈમોશનલ ડાયલોગો બોલી જતો.
‘મુગલ-એ-આઝમ’માં જ્યારે અનારકલીને સૈનિકો પકડીને લઈ જાય છે ત્યારે દિલીપકુમાર આવા જ ગૂંગણા અવાજે ફરિયાદ કરે છે : “અનારકલી કૈદ કર લી ગઈ, ઔર મૈં દેખતા રહા...”
જવાબમાં, લોખંડના વાસણ ઉપર હથોડો ઝીંકાય તેવા બુલંદ અવાજે પૃથ્વીરાજ કપૂર કહે છે “...ઔર તુમ કર ભી ક્યા સકતેએએ... થેએએ?”
પાછળથી જ્યારે અમે સમજણા થયા ત્યારે દિલીપકુમારની ‘અંડર-પ્લે’ એક્ટિંગને સમજતા થયા. છેવટે જ્યારે જુની ફિલ્મ ‘દેવદાસ’નો એ જ ડાયલોગ શાહરુખ ખાનના ગળામાં ઊંચાનીચા થતા હૈડિયામાંથી નીકળતો સાંભળ્યો ત્યારે ‘જમીન-આસમાન’નો ફરક સ્પષ્ટ થઈ ગયો. એ ડાયલોગ હતો :
“કૌન કમબખ્ત યહાં બદદાશ્ત કરને કે લિયે પીતા હૈ ? હમ તો ઇસલિયે પીતે હૈં કિ સાંસ લે સકેં..”
ક્યાં શાહરુખ અને ક્યાં દિલીપકુમાર !
એમના વિશે ‘ટાઈમ’ મેગેઝિનમાં છપાયેલા એક લેખમાં વખાણના અંદાજમાં લખાયું હતું કે “અહીં જ્યારે ‘ગોડફાધર’માં માર્લોન બ્રાન્ડોના અંડરપ્લેના ભારોભાર વખાણ થઈ રહ્યાં હતાં ત્યારે એના 25 વરસ પહેલાં ભારતીય ફિલ્મોમાં દિલીપકુમાર નામનો એક અભિનેતા આવી ચૂક્યો હતો, who ‘mumbled’ through his carrier. (જે પોતાની આખી કારકિર્દી દરમ્યાન ‘ગણગણાટ’ કરતો રહ્યો!)
આજે દિલીપકુમારને એટલા માટે યાદ કરવા પડે છે કે આજના ડિજીટલ યુગમાં જ્યાં નાકમાંથી લીધેલો સ્હેજ અમથો શ્વાસ પણ કિલઅરલી રેકોર્ડ થઈ શકે છે, અને જ્યાં એકએક સંવાદનું ‘ડબિંગ’ કરવામાં આવે છે, છતાં સલમાન ખાન, અજય દેવગણ, રણબીર કપૂર, જોન અબ્રાહમ, જેકી શ્રોફ કે રિતિક રોશન જેવા કરોડો રૂપિયા લેતા એકટરો ‘હુશપુશ હુશપુશપુશ...’ કરતાં શું સંવાદો બબડી જાય છે તે સમજાતું જ નથી ! બસ, એટલું ખબર પડે કે ભઈ કંઈક ‘ઈમોશનલ’ ટાઈપનું બોલી ગયા.
ચાલો, માની લઈએ કે દિલીપકુમારના અંડરપ્લેની નકલ રાજેન્દ્રકુમારે કરી, ભારત ભૂષણે કરી, પ્રદીપેકુમારે કરી... અરે ભૂંડામાં ભૂંડી (અને હાસ્યાસ્પદ) નકલ મનોજકુમારે પણ કરી ! છતાં, સંવાદોના શબ્દો તો સ્પષ્ટ સંભળાતા હતા ને ?
એ સમયે, જ્યારે ડબિંગની સગવડો નહોતી ત્યારે ‘લાઈવ’
રેકોર્ડીંગ કરવું પડતું. સેટ ઉપર “સાઈલેએએએન્સ !” નામની રાડ પડે કે તરત સન્નાટો છવાઈ જતો. છતાં અમુક લોંગ-શોટમાં (કેમેરો ખાસ્સો દૂર હોય), દસેક ફૂટ દૂરથી, ડંડા ઉપર લટકાવેલા માઈકમાં ‘ગૂંગણા’ દિલીપકુમારનો એ અવાજ, એના સંવાદના શબ્દે શબ્દ, શી રીતે સ્પષ્ટપણે ઝિલાતા હતા ?
ટ્રાય કરવી હોય તો કરી જોજો.‘યુ-ટ્યુબ’ અથવા ‘એમેઝોન’માં જુની ‘દેવદાસ’ શોધી, એમાંથી દિલીપકુમારના બે-ચાર ‘ગૂંગણા’ સીન જોઈ જુઓ. એકે એક શબ્દ સ્પષ્ટ સંભળાશે ! અને પછી સલમાનની ‘ટ્યૂબલાઈટ’ ચાલુ કરીને જોજો !
અજય દેવગણની‘અપહરણ’ જોતાં લાગશે કે તમારા કાનનું જ કિડનેપ થઈ ગયું છે! રણબીર કપૂરનું ‘રોકસ્ટાર’ તમને ‘ડમ્બ-સ્ટાર’ લાગશે ! જોન અબ્રાહમની તો વાત જ કરવા જેવી નથી. માત્ર ‘બાટલા હાઉસ’ નહીં, એ ભાઈની સ્વરપેટી દરેક ફિલ્મમાં કોઈ સોડા બાટલા જેવી જ સંભળાય છે.
જોવાની વાત એછે કે આ તમામ મેગા સ્ટારો આવું ‘ઘુઘુઘુઘુ...’ કરવાના ચાળાને ‘અંડરપ્લે એક્ટિંગ’ માને છે !
એમની ‘અભિનય’ની ફોર્મ્યુલા સિમ્પલ છે. ભ્રમરો સહેજ ત્રાંસી કરવાની, કપાળે કરચલી પાડવાની, હોઠ સ્હેજ પણ ખોલવાના નહીં અને નાકનાં કોંયણાં જરીક ફૂલાવીને કંઈક બબડી જવાનું ! (એ લોકો આને ‘ઈન્ટેન્સ’ પરફોર્મન્સ કહે છે, બોલો.)
નવાઈની વાત એ છે કે એમની સાથે કામ કરનારા અન્ય કેરેક્ટર આર્ટિસ્ટો, જેમકે સંજય મિશ્રા, સૌરભ શુક્લા, અનુપમ ખેર, પંકજ ત્રિપાઠી... આ સૌના સંવાદો તો ‘સ્પષ્ટ’ સંભળાય છે ! કેમ ભઈ, એમને ‘ઈન્ટેન્સ’ એક્ટિંગ નથી આવડતી ?
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment