લો બોલો, કાલે જ છાપામાં સમાચાર હતા કે ગુજરાતની પ્રાથમિક શાળામાં ભણતાં 80 ટકા વિદ્યાર્થીઓ ગુજરાતીમાં જ ‘ઢ’ છે !
આ વાત અમે એક શહેરી ગુજરાતી કોલેજિયનને કીધી (એ ક્યાં છાપા વાંચે છે ?) તો શું કહે, ખબર છે ?
“ઢ ? યુ મિન ગુજરાતીમાં ઢ ? વેલ, એવા નેઈમ વાળી એક ગુજરાતી મુવી હતી ને ? ઓકે તો એ મુવીનું ગુજરાતી પ્રાઈમરી સ્કુલ્સમાં સ્ક્રીનીંગ થસે... રાઈટ ? વાઉ, ગુડ ન્યુઝ !”
***
પછી અમે એનું ‘ગુજરાતી’ ચકાસવા માટે થોડા સવાલો પૂછ્યા...
‘આધારભૂત વર્તુળો’ એટલે શું ?
“ઓ, ધીસ ઈઝ સિમ્પલ. ભૂત ઈઝ ઘોસ્ટ, યુનો ! આધાર એટલે આધારકાર્ડ, રાઈટ ? અને વરતુડ... (એવું જ બોલ્યો) વરતુડ.. એટલે સર્કલ.. મતલબ કે એનું મિનિંગ નિકાડીએ તો.. જ્યાં ભૂત લોકોના આધાકાર્ડ કાડી આપે છે એવું કોઈ ટ્રાફિક સર્કલ હસે. રાઈટ ?”
***
‘કાયદાની છટકબારી’ ક્યાં હોય છે ?
“ઓ... ઓ... આ નામ ક્યાંક સાંભડેલું છે. કોઈ ફેમસ પ્લેસ છે. લેટ મિ ગૂગલ... ગૂગલ-મેપથી ખબર પડસે... મસ્ટ બિ ઈન અફઘાનિસ્તાન ! બિકોઝ,પેલું ‘અલ-કાયદા’ છે ને ? ઓર મે બિ, ઈન સાઉદી અરેબિયા...?”
***
‘બાઈ બાઈ ચાયણી’ કોને કહેવાય ?
“વેલ, આવું બધુ પરંપરા ટાઈપ ક્વેશ્ચનનું આન્સર મને નોલેજમાં નથી. બટ આઈ કેન ટેલ કે આ ‘કરવાચોથ’ની જોડે તો કંઈ બી રીતે રિલેટેડ હસે. બિકોઝ ‘કરવાચોથ’ના ત્યોહારમાં બી ચાઈણીનું કંઈ જિકર આવે છે.”
***
‘બેવડી સદી’ એટલે શું ?
”એ જે બી હસે તે ગુજરાતમાં બાન હસે. બિકોઝ ગુજરાતમાં દારૂ ઉપર બાન છે ને. ધેટ મિન્સ કે ‘બેવડા’ લોકનું તો પુલિસ એરેસ્ટ જ કરી લેસે... સેઈમ રીતે અગર કોઈ છોકરી ‘બેવડી’ નિકલસે તો એનું બી સેઈમ હસ્ર થવાનું છે ! ”
***
‘પરસ્પર’નો શું અર્થ થાય ?
“ઓ, ધીસ ઈઝ મેથેમિટિક પઝલ ઈન ગુજરાતી આંકડા ! એને ઇંગ્લીશમાં લખો તો 522-52... રાઈટ ? તો, કેલ્ક્યુલેટરમાં માઈનસ કરીને હમણાં જ આન્સર કરું છું...”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment