ક્રિકેટરોની 'મસ્ટ' ફેશનો !


ઈન્ડિયન ક્રિકેટ ટીમ આજકાલ ફૂલ ફોર્મમાં છે પરંતુ એવું લાગે છે કે ક્રિકેટરો માટે અમુક ફેશનો ‘ફરજિયાત’ થતી જાય છે.

***

દાઢી

તમે માર્ક કરજો, આજે આખેઆખી ઈન્ડિયન ટીમ ‘દાઢીધારી’ છે ! ડબલ સેન્ચુરી મારીને ફેમસ બની ગયેલો નવો નવો મયંક અગ્રવાલ પણ દાઢીધારી છે. એ તો ઠીક, પેલા સૂકલકડી ચહલના ચહેરા ઉપર બગડી ગયેલા મગફળીના પાક જેવી છૂટીછવાઈ દાઢી ઉગે છે છતાં એ ક્લીન-શેવ કરતો નથી !

***

કેપ

પ્રેસ-કોન્ફરન્સ હોય કે કોઈ શો-રૂમનું ઉદ્ઘાટન કરવાનું હોય, ત્યાં પણ ક્રિકેટરો પોતાની સ્પોર્ટ્સ કેપ પહેરીને પહોંચી જશે ! ભઈલા, અહીં ક્યાં તડકો પડે છે ?

***

લોગો

ટી-શર્ટની બાંય ઉપર, છાતી ઉપર, પીઠ ઉપર, બોચી પાસે, ઈવન પેટ ઉપર પણ કોઈ કંપનીનો લોગો ના હોય તો એમને કંઈ તકલીફ થતી લાગે છે !

***

બર્મૂડા ચડ્ડી

મોટા મોટા ઢગા જેવા થઈ ગયેલા રવિ શાસ્ત્રી જેવાઓ પણ ચાલુ મેચે પેવેલિયનની ગેલેરીમાં ઘૂંટણ સુધીના પહોળા ચડ્ડા પહેરીને ટાંટિયા ઊંચા કરીને બેસે છે ! કોચ બન્યા હૈ તો ચડ્ડા પહેરના જ પડતા હૈ… એવું ?

***

થ્રી-પિસ-સૂટ

જાણે કોમેન્ટ્રી બોક્સમાં જ કંપનીના એક્ઝિક્યુટિવોની મિટિંગ થવાની હોય તેમ મોટે ભાગના કોમેન્ટેટરો થ્રી-પિસ સૂટ પહેરીને જ બેસે છે ! કેમ મોટાભઈ, કેઝ્યુઅલ ટી-શર્ટો કે જાકીટો નથી મળતાં ?

***

ટેટૂ

બાવડાં પહોળાં હોય તો ટેટૂ ચીતરાવવા જ પડે ! ચોગ્ગા છગ્ગાના રિપ્લેમાં વ્યવસ્થિત રીતે દેખાય એટલી મોટી સાઈઝનાં પણ હોવા જોઈએ.. અને હા, ખભા પાસેના ગોટલાઓ ઉપર ચીતરાયેલા ટેટુ કેમેરામાં દેખાય એટલા માટે પેવેલિયનમાં સ્લીવ-લેસ ટી-શર્ટ જ પહેરવાનાં !

- અને શેમ્પુની એડ. હોય કે શૂઝની, હાથમાં બેટ તો હોવું જ જોઈએ.

***

મન્નુ શેખચલ્લી

Comments