શરાબી ગાયનો : જુનાં દર્દીલાં, નવાં નફ્ફટ !


“મુઝે દુનિયાવાલો, શરાબી ના સમઝો, મૈં પીતા નહીં હું... પિલાઈ ગઈ હૈ..”

ફિલ્મ ‘લિડર’નું આ ગાયન તો તમે સાંભળ્યું જ હશે. એ જમાનાનાં શરાબી ગાયનોમાં હીરોલોગ ‘ટણી’ બહું બતાડતા હતા. દારૂ પીવાનો તો ખરો, પણ એનાં ‘સાત્વિક’ બહાનાં બતાડવાનાં ! જેમ કે “મૈં શરાબી નહીં, મૈં શરાબી નહીં, આંખો સે પીને મેં કુછ ખરાબી નહીં !”

અલ્યા ભઈ, હોઠ અને ગળાથી જ પીવાય! પણ શું છે, એ વખતે શશીકલા જેવી ‘સાકી’ઓ ઓપ્શનો સારા આપતી હતી : “શીશે સે પી, યા મૈખાને સે પી, યા મેરી આંખો કે પૈમાને સે પી... પર પી દિવાને, ખુશી સે જી દિવાને...” (ફૂલ ઔર પથ્થર)

જુની ફિલ્મોમાં હીરો પીધા પછી આક્રોશમાં બહુ આવી જતો. “મૈં ને પી શરાબ, તુમ ને ક્યા પીયા? અરે, તુમ ને ક્યા પીયા, આદમી કા ખૂન ?” અલ્યા ભઈ, આદમીનાં ખૂન પીવાનાં હોય તો બ્લડ-બેન્કમાં રોબરી કરવી પડે ! કંઈ ખાવાના ખેલ છે ?

એ સમયે ફિલ્મોમાં’પીવું’ ઈઝ ઈક્વલ ટુ ‘ગમ’ યાને કે દુઃખ જ હતું. છતાં જોવાની વાત એ છે કે શરદબાબુની નવલકથા  ‘દેવદાસ’ ઉપરથી જે પાંચ-પાંચ ફિલ્મો બની એમાં હીરો સખત આલ્કોહોલિક હોવા છતાં એકેય ફિલ્મમાં ‘શરાબ = ગમ’ની ફોર્મ્યુલાનું ગાયન નહોતું.

બીજી બાજુ, સંજય લીલા ભણશાલીની ‘દેવદાસ’માં ‘છલક છલક, છલક, છલક...’ એવું અઠ્ઠાવીસ વાર ગાઈ ગાઈને બાટલીઓમાંથી 90 ટકા દારૂ પીવાને બદલે ઢોળી જ નાંખ્યો છે ! (આમાં ગુજરાતીઓએ બહુ જીવ બાળવાની જરૂર નથી કારણ કે શૂટિંગ વખતે બાટલીઓમાં રંગબિરંગી પાણી જ ભર્યું હતું.)

એ જમાનાનો દુઃખી દિલીપકુમાર ‘દિલ દિયા દર્દ લિયા’માં ગાતો હતો : “કોઈ સાગર દિલ કો બહેલાતા નહીં, બેખુદીમેં ભી કરાર આતા નહીં” (સાગર એટલે રામાનંદ સાગર નહીં, દારૂનો પેગ, હોં?)

જ્યારે આજનો હની સિંહ શું કહે છે ? “ચાર બોતલ વોડકા, કામ મેરા રોજ કા !” અહીં પેગ-બેગની કોઈ વાત જ નથી. ડાયરેક્ટ બોટલ જ મોંઢે માંડી છે !

એ વખતે ‘મજબૂર’નો પ્રાણ ગ્રાહક સુરક્ષાની NGO ચલાવતો હશે એટલે ગાતો હતો : “દારૂ કી બોતલ મેં સાહિબ પાની ભરતા હૈ, ફિર મત કહેના માઈકલ દારૂ પી કે દંગા કરતા હૈ !” આજે ગુજરાતમાં તમે પીધેલી હાલતમાં પકડાઓ ત્યારે જો બહાનું કાઢો કે, “બોસ, ચડી જ ક્યાં છે ? બાટલીમાં 90 ટકા તો પાણી હતું...” તો પોલીસ માનતી નથી.

એ જમાનામાં તો દારૂને પણ જિંદગીની કેવી ઊંચી ફિલોસોફીએ લઈ જતા હતા ! “જિતની લિખ્ખી થી મુકદ્દર મેં, હમ ઉતની પી ચૂકે... અબ તો દિન મરને કે હૈ, જીના થા ઉતની જી ચૂકે...”

ટુંકમાં, આપણા જેવા મામૂલી લોકો ઉપરવાળા પાસે ભલે આયુષ્યમાં અમુક-તમુક ‘વરસો’ લખાવી લખાવીને લાવીએ, પણ એ જમાનાનો હીરો એની કુંડળીમાં જ દારૂનો ‘ફૂલ-ક્વોટા’ લખાવીને લાવતો હતો !

જુની ફિલ્મોમાં તો બિચારી મીનાકુમારીના નસીબમાં પણ ‘ઓન-સ્ક્રીન’ દારૂ પીવાનું લખ્યું હતું. (સાહિબ, બીબી ઔર ગુલામ) એમાં ય વળી ‘ચંદન કા પલના’માં તો એને ગાવું પડ્યું : “શરાબી, શરાબી... મેરા નામ હો ગયા...” બિચારી હેમામાલિનીને દારૂ પીવાનું જરાય ફાવતું નહીં હોય તેથી જ ‘સીતા ઔર ગીતા’માં તો સાવ બનાવટી લથડિયાં ખાતી ગાય છે : “હાં જી હાં, મૈંને શરાબ પી હૈ ! થોડી સી નહીં બેહિસાબ પી હૈ..." (જાણે કે સંજીવકુમાર ગુજરાતી ખરો ને, એટલે હિસાબ રાખતો હોય : ‘સાલી છ પેગ પી ગઈ...? મોંઘુ પડશે !’)

આજે તો શું ફિલ્મી હિરોઈનો કે રિયલ છોકરીઓ, દારૂ પીવાનો કોઈ છોછ જ નથી. એક ગાયનમાં કહે બિન્દાસ છે “પટિયાલા પેગ લગા કે, તેરી ગલી વિચ આકે મૈં ટલ્લી હો ગઈ !” બીજા ગાયનમાં કહે છે : ‘પિલા દે દિવાની, મૈં હું કિસ કી, આઈ એમ એ બેડ ગર્લ, આઈ લાઈક વ્હીસ્કી..’ બિચારો બોયફ્રેન્ડ પણ એને સમજાવે છે : “છોટે પેગ માર બેબી, છોટે છોટે પેગ માર !”

છોકરાઓની તો વાત જ કરવા જેવી નથી. યો યો હની સિંહે “મૈં આલ્કોહોલિક હું” જેવાં છડેચોક દારૂ પીવાનાં અડધો ડઝન ગાયનો ગાયાં છે !

ટુંકમાં, જુની ફિલ્મોની જેમ અહીં કોઈ ‘જસ્ટિફીકેશનો’ છે જ નહીં ! એક ગાયન તો એક જાણીતી દારૂની બ્રાન્ડ ખુદ પ્રમોટ કરી રહી છે : “વાટ લગ ગઈ હૈ તો ક્યા, ચલ દોસ્ત દારૂ પીતે હૈં !”

- બોલો, કંઈ કહેવું છે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments