મહારાષ્ટ્ર વિધાનસભામાં ‘ફર્શ-પરીક્ષણ’ (ફ્લોર-ટેસ્ટ યાર !) થાય એ પહેલાં ગઈકાલે તમામ વિધાનસભ્યોની શપથવિધિ પતી જવી જરૂરી છે.
આ (આઈ-શપ્પથ) કાર્યક્રમમાં વિધાનસભ્યોના મનમાં સોગંદ લેતી વખતે ચાલતું હશે ?
જુઓ નમૂના…
***
નમૂનો (1)
જય મહારાષ્ટ્ર ! હું મારી ખુરશી અને ખુરશીના ચારે ચાર પાયાની સોગંદ ખાઈને મનમાં કહું છું કે આજે ભલે સરકાર ત્રણ પાયાની બને, પરંતુ કાલે ઉઠીને પાંચ પાયા વડે બને તોય, મૂળ પાયાની વાત એ છે કે ખુરશી ટકી રહેવી જોઈએ. જનાદેશ ગયો તેલ લેવા.
***
નમૂનો (2)
મેં હોટલોમાં ખાધેલા એકે એક અન્નના દાણાની સોગંદ અને રિસોર્ટના સ્વિમિંગ પુલમાં નહાયેલા ટીપે ટીપાં પાણીની સોગંદ… જનતાની સેવા કરવા માટે હજી પણ હું ગમે તે રિસોર્ટમાં જવા તૈયાર છું ! ઐસે જનાદેશ કી જય હો…
***
નમૂનો (3)
દેશની લોકશાહીની રક્ષા કાજે… ભારતના બંધારણની પવિત્રતા જાળવવા કાજે… દેશની જનતાની સદૈવ સેવા કરવા કાજે… હું હંમેશાં સત્તા અને સત્તાધારી પક્ષમાં જ રહીશ ! બોલો, પરેડ માટે હજી ક્યાં ક્યાં જવાનું છે ?
***
નમૂનો (4)
ગઈકાલ સુધી અમે જેને ગાળો ભાંડતા હતા, જેને ઢોંગી, ભ્રષ્ટ, કૌભાંડી અને કોમવાદી કહેતા હતા એમને જ આજે મિત્ર, સહાયક, લોકસેવક અને કોમી એકતાના છડીદાર ગણીને તેમની સાથે નાનકડી ‘શરતો લાગુ’ની ‘ફૂદડી’ ચિપકાવીને ખુલેઆમ હાથ મિલાવી લઈશું ! જનાદેશ જાય… (એ જ, જનતા સમજી ગઈ ને !)
***
નમૂનો (5)
લોકશાહીના રક્ષકોને ભરઊંઘમાંથી જગાડીને અમે ‘જનતાને’ જાગૃત કરી છે ! હવે એ જાગૃત થયેલી જનતા.. જૂતાં મારવા આવે એ પહેલાં તમારી શપથવિધિ વગેરે ઝટ પતાવો યાર ! આપણો પૂજા-આરતીનો ટાઈમ થઈ રહ્યો છે…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment