આ લાભપાંચમ (એટલે કે દંડપાંચમ) ના દિવસથી હેલ્મેટના કાયદાનો કડક અમલ ફરી શરૂ થશે.
આ કડક હેલ્મેટોનો કડક કાયદો કમ સે કમ બે-ત્રણ મહિના તો કડક રહેવાનો જ છે.
સવાલ ‘ટાર્ગેટ’ પુરો કરવાનો છે. કાં તો પોલીસનો દંડ-ટાર્ગેટ પુરો થવો જોઈએ. કાં તો હેલ્મેટ ઉત્પાદકોનો સેલ્સ-ટાર્ગેટ પુરો થવો જોઈએ !
જો આમ સતત ટાર્ગેટ-ઝુંબેશો ચાલતી રહેશે તો ગુજરાતભરમાં ઠેર ઠેર આપણને નવી નવી સૂચનાઓનાં પાટિયાં જોવા મળશે. જેમ કે…
***
મંદિરની બહાર પાટિયાં લાગ્યાં હશે :
“હેલ્મેટો ચંપલના સ્ટેન્ડની બાજુના સ્ટેન્ડમાં મુકવી. મુક્યા પછી ટોકન જરૂર લઈ લેવો. પાછળથી અદલા બદલી થયાની તકરાર ચાલશે નહીં.”
***
મંદિરમાં અંદર જતાં ક્યાંક પાટિયું માર્યું હશે :
“પ્રસાદ હેલ્મેટમાં મળશે નહીં.”
***
ગુજરાતી થાળીની રેસ્ટોરન્ટોના વેઈટિંગ એરિયામાં પાટિયું હશે :
“પોતાની હેલ્મેટો પોતાની પાસે જ રાખવી. અહીંની જગ્યા વેઈટિંગમાં બેઠેલા ભૂખ્યાઓ માટે જ છે.”
***
ગુજરાતી થાળી જમવા બેઠા હશો ત્યાં ટેબલ ઉપર, કાચની નીચે સૂચના લખી હશે :
“મહેરબાની કરીને તમારી હેલ્મેટો ખોળામાં જ રાખશો. ટેબલ ઉપર રાખેલી હેલ્મેટ ઉપર દાળ, કઢી કે ચટણી ઢોળાશે તો તે સાફ કરી આપવામાં આવશે નહીં.”
***
પોલીસ સ્ટેશનોમાં પાટિયું માર્યું હશે :
“હેલ્મેટ ખોવાઈ ગઈ છે એવી ખોટી ફરિયાદ નોંધાવનારા ધ્યાન આપે. ફરિયાદ લખાવતી વખતે ઓરિજીનલ હેલ્મેટનો ફોટો, ખરીદી કર્યાનું બિલ તથા પોતાનું આધાર કાર્ડ, પાનકાર્ડ વગેરેની નકલ આપવી ફરજિયાત છે.”
***
જ્યાં જ્યાં કડક ચેકિંગ થતું હોય એવા ચાર રસ્તાની આસપાસ પાટિયાં જોવા મળશે.
“હેલ્મેટો ભાડે મળશે. આગળ ચેકિંગ છે.”
***
અને ક્યાંક તો આવું બોર્ડ જરૂર દેખાશે :
“ભાડેની હેલ્મેટ પહેરવાથી થતા વાળના રોગો મટાડવા મળો… ડો. ફલાણા-ફલાણા....”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment