નવા 'સાહિત્યિક' ગરબા !



જુના જમાનાનો એક સરસ મઝાનો ગરબો છે :

મારી વેણીમાં ચાર ચાર ફૂલ

અંબોડલે સોહે  સોહામણી ઝૂલ…”

હવે જસ્ટ વિચાર કરો કે આજના કોઈ કવિ સંમેલનોમાં ‘વાહ વાહ’ ઉઘરાવી લેતા, નવા, યુવા કવિને ગરબો લખવાનું કીધું હોય તો શું લખે ? જુઓ નમૂનો…

***

વેણીની કળીઓમાં

ફૂટ્યું આકાશ, ને

ઝૂંડ આગિયાનાં

સળગ્યાં છે મારી લટમાં,

હથેળીએ ભડભડતા

સૂરજ બળતા, ને

તાળીએ તાળીએ

ફૂટે જ્વાળામુખી !

સાલું, ફાયર બ્રિગેડવાળા જો ભૂલથી એ આ કવિતા સાંભળે તો સામટા દસ દસ લાયબંબા લઈને ધસી આવે !

“ક્યાં લાગી છે આગ ? માઈકમાં કોણ ચીસો પાડતું હતું ?”

કવિનો પ્રોબ્લેમ એ છે કે બિચારાનો શબ્દોનો દારૂગોળો ભયાનક પ્રમાણમાં વધી ગયો છે.

સીધાસાદા શબ્દો જેવા કે… દિવડા, સાથિયા, પાલવ, ઝાંઝર, તાલ, તાળી, ઢોલક… આવું બધું ફાવતું નથી.

અહીં તો ‘પાલવ’થી છલાંગ મારીને સીધો ‘પ્રલય’ જ પકડી લેવાનો ! ‘દિવડા’થી શરૂ કર્યું એટલે બીજી લાઈનમાં ‘દાવાનળ’ સળગાવી દેવાનો !

- તો જ વાહ વાહ… દૂબારા… અને તાળીઓ મળે છે ને ?

પેલો જુનો સાદોસીધો ગરબો છે કે ‘ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા… રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના…’

હવે આમાં કવિને શું તાળીઓ મળવાની હતી ? એટલે કવિ કલ્પનાની છલાંગ મારીને લખશે :

ધ્રૂજારી ઢોલકની

હોઠોમાં, તારી, ને

મારા હૈયામાં

ધરતીકંપ ધણધણે !

અલ્યા ભઈ, જપો ને ? એક તો મેદાનમાં પાણી ભરાયાં છે, રસ્તામાં સ્કુટીઓ લપસી પડે છે અને તમને ડાયરેક્ટ ધરતીકંપો જ કરાવવા છે ?

થોડી તો શાંતિ રાખો ?

***

- મન્નુ શેખચલ્લી

Comments