કવિનો એબ્સર્ડ ગરબો સ્ટેજ ઉપર !


ગઈકાલે જે પેલા કવિની વાત કરી હતી (તાક ધીન ! ધીન્ના… ઝાંઝર, સ્કુટી, પિત્ઝા… જેવો અછાંદસ ગરબો સંભળાવનારા) તે થોડા દિવસ પછી ફરી રસ્તામાં મળી ગયા. અમને કહે :

“મન્નુભાઈ, જોરદાર સમાચાર છે.”

“ઓહો, શું થયું ? ટ્રાફિક પોલીસના દંડમાંથી બચી ગયા ?”

“આમાં દંડની ક્યાં વાત આવી ?”

‘ના, આ તો મને થયું કે પોલીસે તમને પકડ્યા હોય અને નામ લખાવવા કહ્યું હોય, ત્યાં તમે જ પોલીસને પકડીને તમારી કવિતા સંભળાવવા મંડો તો, શક્ય છે પેલો તમને છોડી મુકે ! એટલું જ નહિ, ફરી પકડે પણ નહીં !’

‘નથી જ પકડતા !’

‘હેં ?’

“હા, કોઈ ટ્રાફિક પોલીસવાળા મને નથી પકડતા !”

અમે દંગ થઈ ગયા. કવિ તો મૂડમાં હતા, કહેવા લાગ્યા, “સાંભળો, કાલે મારા અછાંદસ ગરબાનું સ્ટેજ પરફોર્મન્સ થવાનું છે.”

અમે હચમચી ગયા. સાલું, દસ મિનિટ લાંબો અછાંદસ ગરબો સાંભળતાં તો અમને તમ્મર આવી ગયા હતા. ત્યાં આ ગરબાનો સ્ટેજ પરફોર્મન્સ ?

જોકે અમારું કુતૂહલ વધી ગયું હતું  એટલે અમે તે પરફોર્મન્સ જોવા માટે ગયા. (મફતમાં જોવાનું હતું એટલે)

એક ખુલ્લા એમ્ફિથિયેટરમાં જ્યાં એબ્સર્ડ નાટકો ભજવાય છે ત્યાં આ અછાંદસ ગરબો ભજવવાનો હતો.

સૌ પ્રેક્ષકો રંગીન ઝભ્ભા, સિલ્ક સાડીઓ અને મોટા ચાંલ્લા તથા ખભે શાલના શણગાર સાથે આવી પહોંચ્યા હતા.

પરફોર્મન્સ ચાલુ થયું, અને દસ મિનિટમાં જ પુરું થઈ ગયું !

કવિએ એક ખૂણે ઊભાં ઊભાં પોતાની અછાંદસ કવિતા વાંચી… અને સ્ટેજ ઉપર પંદર બહેનો સ્થિર પૂતળાંની જેમ ઊભી રહી !

છેલ્લે સુધી !

અમે તો ભયંકર કન્ફ્યુઝ થઈ ગયા. (ઈન્ટેલેક્ચ્યુઅલ નહીં ને, એટલે) અમે જઈને કુરિયોગ્રાફરને પૂછ્યું :

“બોસ, આ શું હતું ? બહેનો તો હલ્યાં પણ નહીં !”

કુરિયોગ્રાફર કહે “મિત્ર, જરા સમજો. જેમ આધુનિક વાર્તામાં ઘટનાતત્વનો લોપ થઈ જાય છે તેમ અહીં  આધુનિક ગરબામાં મેં નૃત્ય-તત્વનો લોપ કરી નાંખ્યો છે !”

***

- મન્નુ શેખચલ્લી

Comments