બકરી, કૂતરું અને ત્રણ ઠગ ... રિ-ટોલ્ડ !

પેલી વારતા તો તમે સાંભળી જ હશે.


એક કાકાએ મેળામાંથી બકરી ખરીદી. રસ્તામાં તેને વારાફરતી ત્રણ ઠગ મળ્યા. ત્રણે એ કાકાને ભરમાવ્યા કે કાકા, આ બકરી નથી, આ તો કૂતરું છે ! કાકાએ એમની વાત માનીને બકરી ફેંકી દીધઈ. છેવટે ઠગ બકરીને ઉઠાવી ગયા.

આજે જમાનો એવો ચાલી રહ્યો છે કે મામલો મંદીનો હોય કે કાશ્મીરનો, સાલું સમજ જ નથી પડતી કે આ બકરી છે કે કૂતરું ? બસ, આવી જ બધી અટપટી ગડબડોને ધ્યાનમાં રાખીને અમે એ જ પુરાણી વારતાનાં નવાં ત્રણ વર્ઝન બનાવ્યાં છે. સાંભળો….

***

વર્ઝન – 1

કાકા બકરી લઈને જતા હોય છે. પેલા ત્રણ ઠગ એમને ભરમાવવાની કોશિશ કરે છે કે આ બકરી નથી, કૂતરું છે કૂતરું !

કાકા ભરમાઈ જવાને બદલે આડા ફાટે છે. ગામના ચોતરે જઈને બૂમાબૂમ કરી મુકે છે કે મારી પાસે તો પૌરાણિક કાળની ખ્યાતનામ વારતાની ધરોહર સમાન બકરી છે. મારું કામ એનું જતન કરવાનું છે પણ આ ત્રણ જણા કહે છે કે આ પૌરાણિક બકરી બકરી છે જ નહિ ! બલકે કૂતરું છે !

ગામ લોકો ઉશ્કેરાઈ જાય છે અને પેલા ત્રણ જણાને મારવા દોડે છે.

એ ત્રણ જણા પણ કંઈ કમ નથી. એ લોકો ‘મોબ લિન્ચિંગ… મોબ લિન્ચિંગ…’ એવી બૂમો પાડીને આખું ગામ ગજવી મૂકે છે. બોલો.

***

વર્ઝન – 2

કાકા બકરી લઈને જતા હોય છે.પેલા ત્રણ ઠગ વારાફરતી આવીને કહે છે કે અમે એક્સપર્ટ છીએ. આ બકરી માંદી પડી ગઈ છે. એને રોગ લાગી ગયો છે. અગાઉ આ બકરી અમારી પાસે જ હતી. અમે તો એને તંદુરસ્ત રાખેલી, કાકા, તમે જ એને માંદી પાડી નાંખી છે.

કાકા કહે છે, “તમારી વાત સાચી છે !”

હવે પેલા ત્રણ એક્સ્પર્ટો ગુંચવાઈ જાય છે.

જોકે મનમાં બહુ ખુશ થઈ ગયા છે. તેઓ કહે છે “માંદી બકરી અમને સોંપી દો. તમારા હાથમાં રહેશે તો મરી જશે.”

કાકા કહે છે “ના. મારી પાસે બકરીની બિમારીનો ઈલાજ છે.”

“હોતું હશે ? એક્સપર્ટો તો અમે છીએ. તમારી પાસે વળી કયો ઈલાજ છે ?”

કાકા કંઈ બોલતા નથી પણ આગળ ગામમાં જઈને શી ખબર ગામલોકોને શું સમજાવે છે તે છેવટે બધા માની જાય છે.

હવે કાકા પાસે ગામની 10 હૃષ્ટપૃષ્ટ બકરીઓ છે ! એ કહે છે કે આ તંદુરસ્ત બકરીઓનું દૂધ માંદી બકરીને પીવડાવવાથી બધી બિમારીઓ દૂર થઈ જશે. બોલો.

***

વર્ઝન-3

આ વર્ઝન એવું છે કે પેલા ત્રણ જણા કાકાને ભરમાવવાને બદલે બકરીનું જ બ્રેઈશ વોશિંગ કરી નાંખે છે કે, “તું તો સ્પેશીયલ છે. તું જેના જોર ઉપર આટલું કૂદે છે એ ખીલો તો ચમત્કારી છે ! આ કાકા તો કસાઈ છે. એક દિવસ તને વધેરી નાંખશે.” વગેરે.

હવે કાકા એક દિવસ શું કરે છે કે પેલો ચમત્કારી કહેવાતો ખીલો જ કાઢી નાંખે છે ! પછી બકરીને મજબૂત પિંજરામાં પૂરી દે છે !

આમાં ને આમાં બધાનાં દિમાગ કન્ફ્યુઝ થઈ જાય છે. બકરીને કંઈ સમજાતું નથી. પેલા ત્રણ જણાની બોલતી બંધ છે. અને કાકા હે…ય મજાથી દેશ-વિદેશમાં ફરતા ફરે છે. બોલો.

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment