નિવેદન
‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ની શરૂઆત કરતાં મોદી સાહેબે કહ્યું કે, દરેક નાગરિકને ફિટ કરવાનું અમારું લક્ષ્ય છે.
જવાબમાં જણાવવાનું કે..
સાહેબ, એક ચિદમ્બરમને ફિટ કરી દીધા એમાં આટલાં બધા જોશમાં આવી ગયા ? પહેલાં માલ્યા, નીરવ અને ચોક્સી જેવાને ફિટ કરો, પછી અમારો વારો કાઢજો !
***
નિવેદન
શશી થરૂરે કહ્યું કે મોદીજીએ ભાજપના 31 ટકા વોટ શેરને 37 ટકા સુધી પહોંચાડ્યો છે.
જવાબમાં જણાવવાનું કે…
શશીજી ! મોદીજીનાં આટલાં બધાં વખાણ કેમ સૂઝી રહ્યાં છે ? શું ચિદમ્બરમ પછી તમારો વારો આવશે એનો ડર તો નથી ને…
***
નિવેદન
ઈમરાન ખાને પાકિસ્તાનની જનતાને હાકલ કરી છે કે બપોરે 12 વાગે કામ ધંધો છોડીને રસ્તા ઉપર આવીને કાશ્મીર મુદ્દે ભારત વિરુધ્ધ દેખાવો કરે.
જવાબમાં જણાવવાનું કે…
ઈમરાનભાઈ, પાકિસ્તાનની અડધી પ્રજા જેની પાસે કોઈ કામધંધો નથી, એમણે શું કરવાનું ? ઘરમાં બેસીને ભજન ?
***
નિવેદન
રૂપાણી સાહેબે કહ્યું કે કાશ્મીરના યુવાનોના હાથમાં પથ્થર હતા, હવે લેપ-ટોપ આપવામાં આવશે.
જવાબમાં જણાવવાનું કે…
એ લોકો લેપ-ટોપ પણ છુટ્ટા મારશે તો ?
***
નિવેદન
અમિત શાહે દેશની બહેનોને કહ્યું છે કે ભલે ફેશનેબલ ના લાગે, તોય, શોપિંગ માટે પ્લાસ્ટિકની થેલીને બદલે કાપડની થેલી વાપરો.
જવાબમાં જણાવવાનું કે…
અમને તો કોઈ વાંધો નથી પરંતુ શાકવાળા, દુકાનવાળા અને મોલવાળા અમને કાપડની થેલી ફ્રીમાં નથી આપતા, એનું શું ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment