એક જમાનામાં પંડિત જવાહરલાલ નહેરુએ ‘ભારત, એક ખોજ’ નામનું પુસ્તક લખ્યું હતું. આજે કોંગ્રેસીઓ ‘કોંગ્રેસ-પ્રમુખ, એક ખોજ’ નામનો મહાનિબંધ લખી રહ્યા છે !
રાહુલજીએ રાજીનામું આપ્યાને 50 દિવસથી વધુ વીતી ચૂક્યા છે. આ સંજોગોમાં કોંગ્રેસ-પ્રમુખની શોધ શી રીતે કરવામાં આવી રહી છે ? વાંચો…
***
કોંગ્રેસના વર્કીંગ કમિટી એક સમિતિની રચના કરશે જે નવા પ્રમુખની શોધ કરશે. (સમિતિ-1)
***
આ શોધ-સમિતિ બીજી એક સમિતિની રચના કરશે જે કોંગ્રેસ પ્રમુખની શોધ માટે સારું મહુરત શોધી કાઢશે. (સમિતિ-2)
***
સારું મહુરત શોધવા માટે આ સમિતિ થોડા જ્યોતિષિઓનાં નામો સુચવશે ત્યાર બાદ વધુ એક સમિતિ એ નામો ઉપર ચર્ચા કરશે. (સમિતિ-3)
***
ચર્ચાઓ બાદ આ સમિતિ ચાર જ્યોતિષીઓની પસંદગી કરીને તેનાં નામોની ભલામણ ઉપરની સમિતિઓને કરશે.
***
ઉપરની સમિતિ-3 ત્યાર બાદ સમિતિ-2ને અને સમિતિ-2, એ પછી સમિતિ-1ને ભલામણ કરશે… જે સોનિયાજી તથા રાહુલજી સુધી ભલામણો પહોંચાડવાનું કામ કરશે.
***
સોનિયાજી તથા રાહુલજી પહેલાં તો એ ચાર જ્યોતિષિઓની કુંડળી કઢાવશે કે ક્યાંક એમના છેડા ભાજપ સાથે તો નડી અડતા ને !
***
જ્યોતિષીઓની સંપૂર્ણ વફાદારી ચકાસવા માટે એક ચકાસણી સમિતિ અલગથી બનાવવામાં આવશે. (સમિતિ-4)
***
આ ચકાસણી સમિતિનો અહેવાલ સંપૂર્ણપણે ચકાસવા માટે બીજી એક ચકાસણી સમિતિ બનાવવામાં આવશે. (સમિતિ-5)
***
આ તમામ સમિતિઓના અહેવાલમાં સખત ઢીલ થઈ રહી છે એવું કહીને રાહુલજી ગુસ્સામાં આવી જશે અને પાંચે પાંચ સમિતિઓ વિખેરી નાંખશે !
***
તો પછી કોંગ્રેસ-પ્રમુખની શોધ ક્યારે થશે ? જવાબ જાણવા માટે સારું મહુરત જોઈને કોઈ બિન-કોંગ્રેસી જ્યોતિષીને પૂછી લેવું…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment