‘સુપરનોવા’ શું છે ? ‘વેલોસિટી’ ક્યાં છે ? ‘ટ્રેઈલબ્લેઝર્સ’ કોણ છે ?
- આ કોઈ સાયન્સ ફિકશનની ફિલ્મ નથી, આ તો મહિલા T20 IPLની ટીમોનાં નામ છે !
આજકાલ એ મેચો ટીવીમાં આવે છે. બોલો, તમે જુઓ છો ? નથી જોતા ને ? અરે, ખુદ મહિલાઓ નથી જોતી !
અમને થાય છે કે પુરુષોની કોપી કરવાને બદલે ખરેખર તો મહિલા-ક્રિકેટમાં સાવ ઓરિજીનલ ફેરફારો કરવા જોઈએ…
***
સૌથી પહેલાં તો આ લફડ-ફફડ ટ્રેક-સૂટ જેવા ગણવેશને વિદાય આપો ! બિચારી છોકરીઓ સાવ છોકરાઓ જેવી દેખાય છે ! એ પણ ખરાબ ઝેરોક્સ કોપી જેવી….
***
બીજું એ કરો કે છોકરીઓને સરસ મઝાના ટી-શર્ટ અને સ્કર્ટ પહેરવા દો ! (કેમ, ટેનિસની પ્લેયરો નથી પહેરતી?)
***
ત્રીજું એ કરો કે પેલો પથ્થર જેવો બોલ છોડીને સારા મજબૂત ટેનિસ બોલ વડે રમવાનું રાખો.
અને હલો, ટેનિસ બોલનું મેઈન કારણ એ નથી કે મેચ ‘ઈઝી’ થઈ જાય ! યાર, ટેનિસ બોલ હશે તો પેલાં તપેલાં જેવી હેલ્મેટો અને ગોદડાં જેવાં પેડ તો નહીં પહેરવાં પડે ને !
***
જોયું ? આટલું કરવાથી જ આખી T20નો ‘લુક’ ચેઈન્જ થઈ ગયો ને ? (હવે તો પુરુષો પણ આ મેચો જોશે ! ના ના, તમે મહિલા-ટેનિસ મેચનું ઓડિયન્સ જુઓને, એમાં પુરુષો જ વધારે બેઠા હોય છે.)
***
હવે, બધી જ પ્લેયરોને પેલું શીંગદાણા જેવું માઈક આપો !
શા માટે ? અરે ભઈ, બહેનોને બબ્બે કલાક સુધી ‘ચૂપ’ રાખવી એ જુલમ છે !
(વળી ‘પેલીએ પેલીનું શું કહ્યું ?’ અને ‘પેલીએ પેલીને કેવી ચોપડાવી દીધી ?’ એમાં મહિલા પ્રેક્ષકોને સૌથી વધુ રસ પડશે !)
***
અને અફકોર્સ, તમામ મહિલા પ્લેયરો મસ્ત ફૂલ મેકપ કરીને, હેરનું સ્ટાઈલિંગ કરાવીને જ મેદાનમાં ઉતરશે !
(બોસ, પેલી WWFની કુશ્તીબાજ મહિલાઓ પણ મેકપ સાથે જ બથ્થમ્ બથ્થા કરે છે.)
***
બથ્થમ્ બથ્થાથી યાદ આવ્યું, છોકરીઓને મેદાનમાં ‘ઝગડો’ કરીને મારામારી કરવાની છૂટ આપો ! (આ બધી સિરિયલો કંઈ એમ ને એમ થોડી ચાલે છે?)
હજી બીજા આઈડિયા બાકી છે...
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment