ગુજરાતીમાં બોલે નંઈ
તો એ ગુજરાતી નંઈ
રૂપિયે પૈસે તોલે નંઈ
તો એ ગુજરાતી નંઈ.... !
***
ઇંગ્લીશ પીને ઇંગ્લીશ બોલે
દેશી પીને દેશી
છોકરાં મિડિયમ ઇંગ્લીશમાં
પણ ઘેર ગુજરાતી નંઈ ?
તો એ ગુજરાતી નંઈ... !
***
પ્રોફિટ જોઈને પલળે નંઈ
લાભ જોઈને લોટે નંઈ
રૂપિયામાં જો રમે નંઈ
શેરબજારમાં સમજે નંઈ
તો એ ગુજરાતી નંઈ... !
***
ટ્રાફિકમાંથી શોર્ટ-કટ કાઢે
રેડ સિગ્નલમાં ઘુસ મારે
સૌથી પહેલો નીકળે
તોય, અડધો કલાક જો
લેટ ના હોય...
તો એ ગુજરાતી નંઈ... !
***
ઉનાળામાં ધાબે જઈ
ઉંધિયું ને તલપાપડી ખઈ
ફિરકી કોઈની ઝાલ્યા વિના
પતંગ કોઈની કાપ્યા વિના
'કાઈપો-છે-કાઈપો-છે' ના કરે
તો એ ગુજરાતી નંઈ !
***
વેકેશનમાં આબુ જઈ
પત્તાં-બત્તાં રમે નંઈ
ક્રિસમસમાં દમણ જઈ
ન્યુ યરનું નાચે નંઈ
દિવાળીમાં દીવ જઈ
દિમાગમાં દીવા કરે નંઈ
તો એ ગુજરાતી નંઈ !
***
વેકેશનમાં વિદેશ જઈ
ગુજરાતી થાળી માગે નંઈ
ફોરેનની વ્હિસ્કીની સાથે
પાપડ મન્ચિંગ ફાવે નંઈ
ચાઈનિઝ મંચુરિયનમાં
ગળ્યો સૉસ રેડે નંઈ
તો એ ગુજરાતી નંઈ !
***
એક ચ્હા ને બે રકાબી
એક સુપ ને વન-બાય-ટુ
એક બાઈક ને ત્રણ સવારી
કરકસરની ન હોય બિમારી
તો એ ગુજરાતી નંઈ !
***
એકસ્ટ્રા ચટણી ના માગે
એકસ્ટ્રા સાંભાર ના માગે
એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ ના માગે
એકસ્ટ્રા સર્વિસ ના માગે
તો એ ગુજરાતી નંઈ !
***
બ્લડ-શુગર બીપી ના હોય
હાર્ટમાં એકાદ સ્ટેન્ટ ના હોય
બિઝનેસનું ટેન્શન ના હોય
અરે ! ‘મેડિ-ક્લેઈમ’ ના હોય
તો એ ગુજરાતી નંઈ !
***
ફાફડાને જલેબી સાથે
ચોળાફળી ચટણી સથે
દાળવડાને ડુંગળી સાથે
બાજરી રોટલો ઘી સાથે
ઊનો પોંક સેવ સાથે
ગરમ લોચો તેલ સાથે
અને ભઈ...
મુદ્દલ મૂડી વ્યાજની સાથે
જો ધરાઈને ખાય નંઈ...
તો એ ગુજરાતી નંઈ !
***
અડધી રાતે કામ પડે તો
સવારે મને ફોન કરજે.
બે મિનિટની રાહ જો ને
દસ મિનિટમાં આવું છું.
કોઈ બી બબાલ થાય તો
હું ઘરે જ બેઠો છું...
કામમાં ભલેને ના આવે
તોય ‘કામનો માણસ’ ના લાગે
તો એ ગુજરાતી નંઈ !
***
લગ્નોમાં, મંદિરોમાં
પિકનિકમાં, પ્રસંગોમાં
મોજમાં આવી મજ્જાથી
બે ગરબા પણ ગાય નંઈ...
તો એ ગુજરાતી નંઈ !
***
ગુજરાતીમાં બોલે નંઈ
તો એ ગુજરાતી નંઈ...
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment