એક પછી બીજું... અષ્ટમ્ પષ્ટમ ! (હાસ્ય કવિતા)


એક તો, ચૂંટણીનો

હેન્ગઓવર હોય છે

બીજું, હેન્ગઓવર...

દારૂનો ય હોય છે.

એક તો, દારૂ

કડવી હોય છે

બીજું, કડવી તો...

દવા ય હોય છે.

એક તો, દવામાં

ગુણ હોય છે

બીજું, ગુણ તો...

મગફળીની ય હોય છે.

એક તો મગફળીમાં

શીંગ હોય છે

બીજું, શીંગ તો...

ખારી ય હોય છે.

એક તો, ખારી

લસ્સી હોય છે

બીજું, લસ્સી તો...

મીઠી ય હોય છે.

એક તો, મીઠી

ચોકલેટ હોય છે

બીજું, ચોકલેટ તો...

લીસ્સી ય હોય છે

એક તો, લીસ્સી

જબાન હોય છે

બીજું, જબાન...

આપવી ય પડે છે

એક તો, આપવી

લાંચ હોય છે

બીજું લાંચ તો...

લેવી ય પડે છે.

એક તો, લેવી

એક ટેક્સ છે

બીજું, ટેક્સ તો...

વિકાસ માટે છે.

એક તો, વિકાસ

છોકરાનું નામ છે

બીજું, નામ છે તો...

તેનો ય નાશ છે.

એક તો, નાશ

શરદીમાં લેવો પડે

બીજું, શરદી તો...

શિયાળામાં થાય.

એક તો, શિયાળો

ઝુંડમાં ફરતાં હોય

બીજું, ઝુંડ તો...

ઘેટાઓનું ય હોય.

એક તો, ઘેટાં

ઊન આપે છે

બીજું, ઊન તો...

ગરમી ય આપે.

એક તો, ગરમી

દિમાગમાં હોય

બીજુ, દિમાગમાં તો...

બરફ પણ હોય.

એક તો, બરફ

દારૂમાં હોય, અને

બીજું, દારૂ તો...

કડવી ય હોય ! (જોયું?)

એક તો કડવી

સચ્ચાઈ હોય છે

બીજું, સચ્ચાઈ તો...

બહાર નથી આવતી.

એક તો, બહાર

પવન હોય છે

બીજું, પવનથી તો..

વીજળી બને છે.

એક તો, વીજળીથી

લાઈટ થાય છે

બીજું, લાઈટ તો...

ભોજન પણ હોય છે.

એક તો, ભોજનમાં

લાડવા હોય છે

બીજું, લાડવામાં...

ગોળ પણ હોય છે.

એક તો, ગોળ

પૈડું હોય છે

બીજું, પૈડું તો...

એટલે કે બીજું પૈડું તો...

પાછળ હોય છે.

એક તો, પાછળ

કોંગ્રેસ જ હોય છે

બીજું, કોંગ્રેસમાં તો...

દમ પણ નથી.

એક તો, દમ

જુનો રોગ છે

બીજું, રોગ તો...

દવાથી જ મટે ! (જોયું?)

એક તો, દવા

કડવી હોય છે. (જોયું ?)

બીજું, કડવી તો...

કવિતા ય હોય ! (ચાખી ને?)

એક તો, કવિતા

ફિલ્મમાં હોય

બીજું, ફિલ્મનો તો...

.....

.....

.....

‘ધી એન્ડ’ પણ હોય !

એક તો, ધી એન્ડમાં

લોકો ઊભા થઈ જાય....

બીજું, તમે કેમ બેઠા છો ?

- મન્નુ શેખચલ્લી

email:  mannu41955@gmail.com

Comments