ઉનાળાની આઠ અવળચંડાઇ !


ભૈશાબ થાક્યા હવે તો ! આ ઉનાળો તો નરમ પડવાનું નામ જ નથી લેતો…

આમાં ને આમાં ઉનાળાની આઠ અવળચંડાઈ અમારા ધ્યાનમાં આવી છે.

***

એક

એક તો બસમાં ચડતાંની સાથે કન્ડક્ટર સાથે છુટ્ટાની રકઝક થાય… એમાં વળી જ્યાં બેસીએ એ સીટ ‘ગરમાગરમ’ નીકળે !

***

બે

એક તો માર્કેટિંગની જોબમાં ઠેર ઠેર રખડવું પડતું હોય… એમાં વળી એસી ઓફિસમાં બેસીને ઊંઘ્યા કરતા ‘પટાવાળા’ની ઈર્ષ્યા થાય !

***

ત્રણ

એક તો બાથરૂમમાં નહાવા જાઓ ત્યારે નળમાંથી ફળફળતી ચા જેવું ગરમ પાણી આવે… અને ઉપરથી તમે આખા શરીરે સાબુ ચોળીને બેઠા હો ત્યારે જ પાણી જતું રહે !

***

ચાર

એક તો રવિવારની બપોરે જમ્યા પછી પેટ ભરીને ઠંડુ પાણી પીવાની ઈચ્છા હોય.. પણ ફ્રીજ ખોલો તો એક પણ બાટલો ભરેલો ના હોય !

***

પાંચ

એક તો લગ્નની જાનમાં દોઢ કલાક લગી તડકામાં શેકાયા પછી માંડ માંડ માંડવે પહોંચ્યા હોઈએ… ત્યાં જમવામાં રસોઈ ઠંડી નીકળે અને શિખંડ ગરમ નીકળે !

***

એક તો માંડ ટાઈમપાસ કરવા માટે કોઈ એરકન્ડીશન્ડ શો રૂમ મળ્યો હોય… ત્યાં અંદર જતાંની સાથે ચીટકુ સેલ્સમેન આપણી પાછળ જ પડી જાય “શું જોઈએ છે ?” “શું લેવાનું છે ?”

***

સાત

એમ તો પૈસાદારોને ય ઉનાળો નડે છે. જુઓ….

એક તો બાથરૂમમાં નહાવાલાયક એક ડોલ જેટલું ઠંડુ પાણી ના હોય… ઉપરથી બેડરૂમના એસીમાંથી રોજ એક ડોલ ભરાય એટલું પાણી દદડતું હોય !

***

આઠ

એક તો ગરમીને કારણે ખોપડી ઓલરેડી ગરમ હોય… ત્યાં ઉપરથી કોઈ કહે “યે તુમ્હારા મોદી તો ચોર હૈ !”

***

- મન્નુ શેખચલ્લી

Comments