કોંગ્રેસના નવા પ્રમુખ કોણ?

રાહુલજી જીદ લઈને બેઠા છે : ‘હું રાજીનામું આપી જ દઈશ ! તમે કોઈ બીજાને કોંગ્રેસ-પ્રમુખ બનાવો !’


હા રાહુલબાબા, પણ કોને ?.... લો, અમારાં સજેશનો સાંભળો.

***

રાહુલજી પોતે

રાહુલ ગાંધીને હજી કોંગ્રેસ પ્રમુખ બનાવી રાખવા માટે 99.9 ટકા ભાજપવાળા જ આગ્રહ કરી રહ્યા છે ! (બાકીના 0.1 ટકા હમણાં ‘કોંગ્રેસ-મુક્ત’ થઈને ભાજપમાં આવ્યા છે ને, એટલે કન્ફ્યુઝ્ડ છે.)

***

મનમોહનસિંહ

આ સૌથી બેસ્ટ ચોઈસ છે ! એ કંઈ બોલશે નહિ, કશું કરશે નહિ… અરે, રાજીનામું આપી દેવાની હિંમત પણ નહિ કરે !

(જોડે જોડે શશી થરૂરને કોંગ્રેસ પ્રવક્તા બનાવી દો ! એ અંગ્રેજીમાં શું બોલશે એ કોઈને સમજાશે જ નહિ !) વળી, ‘જોડી’ પણ સારી લાગશે. એક ‘ન બોલ્યામાં નવ ગુણ’ અને બીજો ‘બોલે તેથી બોર…’

***

ઇન્દિરાજીનો ફોટો

જો નવા કોંગ્રેસ પ્રમુખે કશું બોલવાનું જ નથી તો ખુરશી ઉપર ઈન્દિરાજીનો ફોટો જ મુકી રાખો ને ! મનમોહનજી કરતાં તો વધારે વજન પડશે.

***

પ્રણવ મુખરજી

મૂળ તો કોંગ્રેસી જ ને ? વળી એમને પસંદ કરવાનાં બે કારણો છે (1) એ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થઈ ગયા છે અને (2) એ આમેય જરા બહેરા છે !

***

ગુલામ નબી આઝાદ

જુઓ, એમને ખુરશી પર બેસાડતાંની સાથે લઘુમતીઓના વોટ તો ‘સલામત’ થઈ ગયા ને ? પછી ભલેને મંદિર-દર્શન, ગંગા-સ્નાન, જનોઈ-ગોત્ર… એ બધું ચાલતું રહે !

***

પ્રિયંકાજીનાં બાબા-બેબી

કેમ, શું વાંધો છે ? એમને પણ વહેલાં મોડાં ‘મેચ્યોર’ તો કરવાનાં જ છે ને !

***

કે. નારાયણન્ ગુરુમૂર્તિદાસ નામ્બિયાર

આ એ વ્યક્તિ છે જેણે કેરળના વાયનાડ મતવિસ્તારમાં સવારે વહેલા ઉઠીને સૌથી પહેલો મત રાહુલ ગાંધીને આપ્યો હતો !

અરે, શુકનિયાળ છે ભાઈ ! બાકી અમેઠીનું તો નામ જ ના લેશો… ત્યાંનો તો પટાવાળો ય નથી લેવાનો !

***

- મન્નુ શેખચલ્લી

Comments

Post a Comment