બોલો, આવા ધોમધખતા ઉનાળામાં પણ લોકો પરણી રહ્યા છે !
અમને સૌથી પહેલો સવાલ એ થાય છે કે લગ્નનાં તમામ મહૂરતો ઓક્ટોબરથી ફેબ્રુઆરીની ખુશનુમા સિઝનમાં શા માટે નથી હોતા ?
એ સિવાય પણ અમને ઘણા સવાલો થાય છે, જેમ કે…
***
આ વડીલો…
આટલી સખત ગરમીમાં વર-કન્યાનાં બાપાઓ, કાકાઓ અને મામાઓ શું જોઈને કાળા કાળા સૂટ પહેરતા હશે ?
***
આ કેટરિંગવાળા છોકરા…
દાઢી ન છોલી હોય, વાળ ફેંદાયેલા હોય, નખ પણ ન કાપ્યા હોય અને પગમાં મેલા સ્લીપર પહેર્યા હોય એવા કેટરિંગવાળા છોકરાઓને કયા લોજિકથી ‘ટાઈ’ પહેરાવવામાં આવે છે ?
***
આ બેન્ડબાજાવાળા…
આટલા ચળકતા અને ચમકતા પેન્ટ-શર્ટ પહેરે છે તો પછી પગમાં કેમ ફાલતુ સેન્ડલ-ચંપલ પહેરીને હાલ્યા આવે છે ?
***
આ ફોટોગ્રાફરો…
નવપરિણિત યુગલ પાસે ઊભા રહીને પોઝ આપતાં આપણું સ્માઈલ 1000 વોલ્ટના ગોળામાંથી છેવટે ઉડી ગયેલા બલ્બ જેવું થઈ જાય ત્યારે જ કેમ પેલો ફ્લેશ ઝબકાવે છે ?
***
આ ડીજેવાળો…
એવો તે કેવો રઘવાયો હોય છે કે કોઈ ગાયનને ૯૦ સેકન્ડથી વધારે વાગવા જ નથી દેતો ?
***
આ બ્યુટિ-પાર્લરવાળીઓ…
ફાલતુ દેખાતી કન્યાને મેકપ વડે ‘મિસ ગુજરાત’ જેવી અને ખખડધજ બૈરાંઓને લપેડા વડે ‘હેરિટેજ પિસ’ બનાવી શકે છે એવી પાર્લરવાળી પોતે કેમ સાવ ‘મનરેગા’ની મજુરણો જેવી આવી પહોંચે છે ?
***
આ રસોઈયાઓ…
એમને એવી તે શું ઉતાવળ હોય છે કે બપોરે બાર વાગે જમવા માટેની પુરીઓ સવારે પાંચ વાગે તળીને રાખી મુકે છે ?
***
અને આ ઢોંસાવાળા…
એમને એવી તે શું નિરાંત હોય છે કે બબ્બે ડઝન લોકો હાથમાં ડીશો લઈને ઊભા હોય છતાં પ્લેટ ઉપર માત્ર બબ્બે ઢોંસાનું જ ખીરું ચોપડતાં હશે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment